UAEના પ્રથમ હિન્દુ મંદિરમાં આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે પ્રવેશ, જાણો ગાઈડલાઈન

Updated: Mar 2nd, 2024


Google NewsGoogle News
UAEના પ્રથમ હિન્દુ મંદિરમાં આવા કપડાં પહેરીને જશો તો નહીં મળે પ્રવેશ, જાણો ગાઈડલાઈન 1 - image


Image Source: Wikipedia

અબુ ધાબી, તા. 02 માર્ચ 2024 શનિવાર

સંયુક્ત અરબ અમીરાત (UAE) ના અબુ ધાબીના પહેલા હિંદુ મંદિરને શુક્રવારે સામાન્ય જનતા માટે ખોલી દેવામાં આવ્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરીએ પથ્થરથી નિર્મિત અબુ ધાબીના આ પહેલા હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યુ હતુ. મંદિર તંત્રએ પોતાની વેબસાઈટ પર મંદિરમાં આવતા ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે દિશા-નિર્દેશ જારી કર્યા છે. જેમાં ડ્રેસ કોડથી લઈને ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીના નિયમ જણાવાયા છે.

મંદિરની વેબસાઈટ પર જણાવાયેલા દિશા-નિર્દેશો અનુસાર ટી-શર્ટ, ટોપી અને ટાઈટ ફિટિંગ ડ્રેસ પહેરીને આવનાર લોકોને મંદિરમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે ટોપી, ટી-શર્ટ અને વાંધાજનક ડિઝાઈનવાળા અન્ય વસ્ત્રોની પરવાનગી નથી. જાળીદાર કે આરપાર દેખાતા અને ટાઈટ-ફિટિંગવાળા વસ્ત્રો પણ ન પહેરવા.

ગાઈડલાઈનમાં મંદિરના આંગણામાં પાલતુ પશુઓને પણ પ્રવેશ ન આપવાની વાત કહેવામાં આવી છે. આ સિવાય મંદિર પરિસરમાં બહારનું ભોજન અને પીણાની પરવાનગી આપવામાં આવી નથી. સાથે જ મંદિર પરિસરની અંદર ડ્રોન કેમેરા કે ડ્રોન પર પ્રતિબંધ છે. ગાઈડલાઈન અનુસાર મંગળવારથી રવિવાર સુધી મંદિર સવારે 9 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. દર સોમવારે મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે.

આ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ જાયદ રાજમાર્ગ પર અલ રાહબાની પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યુ છે. મંદિર માટે જમીન યુએઈ સરકારે દાનમાં આપી દીધી છે. આ મંદિરનું નિર્માણ નાગર શૈલીમાં કરવામાં આવ્યુ છે. આ રીતે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે. મંદિરમાં સ્વયંસેવક ઉમેશ રાજા અનુસાર 20 હજાર ટનથી વધુ ચૂનાનો પત્થરના ટુકડાને રાજસ્થાનમાં કોતરવામાં આવ્યા અને 700 કન્ટેનરમાં અબુ ધાબી લાવવામાં આવ્યા.

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) એ ટ્વીટર પર કહ્યુ, રાહ જોવાનું પૂર્ણ થયુ. અબુ ધાબી મંદિરને હવે તમામ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યુ છે. જેમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર સોમવાર સિવાય તમામ દિવસે સવારે 9થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. 


Google NewsGoogle News