રાતા સમુદ્રને ફરી લોહીથી લાલ કરવા ઈચ્છે છે હુથી બળવાખોરો, અનેક જહાજો પર ડ્રોન હુમલા
અમેરિકા-ફ્રાન્સ જેવા દેશોની ચેતવણી છતાં હુથીહુથી આતંકવાદીઓના જહાજો પર સતત હુમલા
અમેરિકાની સેનાએ ટ્વિટ કરીને કહ્યું, ‘હુથીઓ દ્વારા એક મહિનામાં 26મો હુમલો’
Houthis Terrorist Attack in Red Sea : યમનના હુથીઓ રાતા સાગરમાં ફરી કેટલાક જહાજો પર ડ્રોનથી હુમલો કર્યઓ છે. અમેરિકા-ફ્રાન્સ જેવા દેશોની ચેતવણી છતાં હુથી હુમલાખોરો હુમલા કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં રાતા સાગરમાં ઘણા દેશોના જહાજો પર ડઝનથી વધુ હુમલા કરાયા છે. પરંતુ હજુ સુધી હુમલામાં કોઈપણ મોત થયું હોવાની પુષ્ટી થઈ નથી.
ડ્રોન અને મિસાઈલથી જહાજો પર હુમલા
યમનના હુથી હુમલાખોરોએ મંગળવારે મોડી રાત્રે રાતા સાગરમાં જહાજોને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલોથી હુમલા કર્યા હતા. હુમલામાં હાલ કોઈપણ જહાજને નુકસાન થયું હોવાના અહેવાલો નથી, તેમ અધિકારીઓએ આજે જણાવ્યું છે.
ખાનગી ગુપ્તચર કંપની એમ્બ્રેએ જણાવ્યું કે, ‘યમનના બંદર શહેરો હોદ્દેઈદા અને મોખા પાસે હુમલા કરાયા છે. જહાજ દ્વારા અમેરિકા અને તેના સહયોગી દેશોના યુદ્ધ જહાજોને હુમલાની માહિતી મોકલાઈ હતી. ત્યારબાદ યુદ્ધ જહાજોએ તે જહાજોને વધુ સ્પીડે આગળ વધવાનો આદેશ આપ્યો હતો.’
‘ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજને નિશાન બનાવાયું’
બ્રિટન સેનાના ‘યૂનાઈટેડ કિંગડમ મરીન ટ્રેડ ઑપરેશન્સ’એ કહ્યું કે, ‘અમને હોદ્દેઈદા પાસે હુમલો થયો હોવાની માહિતી મળી છે. ગઠબંધન દળ જવાબી કાર્યવાહી કરી રહ્યા છે. હાલ જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલો નથી. જહાજોને સલાહ અપાઈ છે કે, તેઓ આગળ વધતા રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની અમને માહિતી આપે.’ 2014થી યમનની રાજધાની પર કબજો જમાવી બેઠેલા હુતી શિયા વિદ્રોહિઓએ હુમલા અંગે કોઈપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સમાચાર એજન્સી અલ જજીરાએ એક હુથી સૈન્ય અધિકારીને ટાંકીને કહ્યું કે, ‘રાતા સાગરમાં ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજને નિશાન બનાવાયું.’ હુથી વિદ્રોહિયોએ કહ્યું કે, ‘અમારા હુમલાનો મુખ્ય હેતુ ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલા બંધ કરવાનો છે.’
રાતા સમુદ્રમાં હુથીઓ દ્વારા 1 મહિનામાં 26મો હુમલો
હુમલા અંગે યુએસ સેન્ટ્રસ કમાન્ડે જણાવ્યું કે, ઈરાન સમર્થિત હુથીઓએ એન્ટી-શિપ ક્રૂઝ મિસાઈલ અને મિસાઈલનો ઉપયોગ કરીને એક હુમલો કર્યો હતો. યમનના હુથી નિયંત્રિત વિસ્તારોમાંથી દક્ષિણી રાતા સમુદ્રમાંથી આંતરરાષ્ટ્રીય શિપિંગ લેન તરફ ડઝનબંધ વેપારી જહાજો પસાર થઈ રહ્યા હતા, ત્યાં એન્ટિ-શિપ બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી. 19 નવેમ્બરથી અત્યાર સુધીમાં રાતા સમુદ્રમાં કોમર્શિયલ શિપિંગ લેન પર 26મો હુથી હુમલો છે. હાલ કોઈ ઈજા કે નુકસાનના અહેવાલ નથી.