યમનના બળવાખોર જૂથે ઈઝરાયેલ પર લોન્ચ કરેલી મિસાઈલ ઈજિપ્તમાં ખાબકી, 6 સુરક્ષાકર્મી ઘાયલ
image : Twitter
તેલ અવીવ,તા.28 ઓક્ટોબર 2023,શનિવાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં અખાતી દેશ યમનમાં ઉત્પાત મચાવી રહેલા અને ઈરાન સમર્થિત હૂતી જૂથ દ્વારા ફરી એક વખત ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવામાં આવી હતી.
27 ઓક્ટોબરે આ સંગઠને એક ક્રુઝ મિસાઈલ લોન્ચ કરી હતી. જોકે ઈઝરાયેલની જગ્યાએ તે ઈજિપ્તની સીમામાં ખાબકી હતી અને તેના કારણે ઈજિપ્તના 6 સુરક્ષા કર્મીઓ ઘાયલ થયા હતા.
હૂતી જૂથ દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ લોન્ચ કરવાની આ બીજી ઘટના છે. આ પહેલા તેમણે લોન્ચ કરેલી બે થી ત્રણ મિસાઈલ મિડલ ઈસ્ટમાં તૈનાત અમેરિકન નેવીના યુધ્ધ જહાજે હવામાં જ તોડી પાડી હતી.
ઈરાન સમર્થક આ સંગઠન ઈરાનની જેમ જ ઈઝરાયેલને પોતાનુ દુશ્મન માને છે. ઈઝરાયેલે આ હુમલાની નિંદા કરીને કહ્યુ છે કે, ઈરાને આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ. હૂતી જૂથ દ્વારા ઈજિપ્તને જે નુકસાન પહોંચાડવામાં આવ્યુ છે તેની ઈઝરાયેલ નિંદા કરે છે.
ગાઝામાં હમાસ સામે લડી રહેલુ ઈઝરાયેલ લેબેનોન બોર્ડર પર આતંકી સંગઠન હિઝબુલ્લાહનો સામનો પણ કરી રહ્યુ છે તો યમનમાં બળવાખોર જૂથ દ્વારા ઈઝરાયેલને ટાર્ગેટ બનાવીને નવો મોરચો ખોલવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે.