યે કૌન ચિત્રકાર હૈ, પ્રવાસીઓને મંત્ર મુગ્ધ કરી દેતો કુદરતનો અદભૂત લાઇટ શો
કડકડતી ઠંડીમાં લોકો ખુલ્લા આકાશમાં ઉભા રહી જાય છે.
કુદરતનો લાઇટ શો જોવા માટે હવામાન ચોખ્ખું હોવું જરુરી છે.
ટ્રોમ્સો,30 જાન્યુઆરી,2024,મંગળવાર
નોર્વેમાં ટ્રોમ્સો નામનો એક ટાપુ આવેલો છે. આ ટાપુ પર સપ્ટેમ્બરથી માર્ચ મહિના દરમિયાન હજારો પ્રવાસીઓ આકાશમાં થતી મનમોહી લેતી લીલી અને લાલ લાઇટસ જોવા માટે આવે છે. જાણે કે કુદરતના રંગોના ઘડાઓમાંથી અચાનક જ રંગો ઢોળાઇ ગયા હોય તેવો પ્રકાશ પથરાયેલો રહે છે. આને વૈજ્ઞાાનિકો નોર્થન લાઇટસ કહે છે જેનો નજારો કલાકો સુધી જોયા કરે છે.
હજારો નાના ટાપુઓ ધરાવતા નોર્વેના અનેક ભાગોમાં ભૌગોલિક કારણોસર દિવસો સુધી સૂર્યના દર્શન થતા નથી. ઉત્તરી નોર્વે અને આર્કેટિક સાગરના કિનારે તો ૬ મહિના સુધી સૂર્ય દેખાય છે અને ૬ મહિના દેખાતો નથી. આવી પરિસ્થિતિમાં જીવન જીવતા સ્થાનિક લોકો માટે આ કુદરતનો લાઇટ શો એક સામાન્ય ઘટના છે પરંતુ પ્રવાસીઓનો મેડાવળો જામતો રહે છે. સ્કેડિનેવિયન દેશ નોર્વે ઉપરાંત સ્વીડન અને ફિનલેન્ડના પણ આકાશમાં કુદરતી લાઇટો ઝબુકતી રહે છે પરંતુ નોર્વેનું ટ્રોમ્સો સ્થળ નોર્ધન લાઇટસના નજારા માટે સૌથી જાણીતું છે.
અંતરિયાળ વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં લોકો ખુલ્લા આકાશમાં ઉભા રહી જાય છે. કુદરતનો લાઇટ શો જોવા માટે હવામાન ચોખ્ખું વાદળ છાયા વગરનું હોવું જરુરી છે. એક જમાનો હતો કે નોર્ધન લાઇટસને લોકો મૃત આત્માનો ડાંસ માનતા હતા. ઇસ પૂર્વે અરસ્તુના પુસ્તક મેટિપઓલોજિકામાં ધુ્રવ વિસ્તારના પ્રકાશને સળગતા ગેસની જવાળા તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ઇસ ૧૬૦૦ સુધી પૃથ્વીના ચુંબકિય ક્ષેત્ર અંગે જાણકારી ન હતી ત્યાં સુધી નોર્ધન લાઇટસ અંગે અનેક પ્રકારની દંતકથાઓ અને માન્યતાઓની ભરમાર હતી. અમેરિકાના ડિપ્લોમેટ અને વૈજ્ઞાાનિક બેન્જામિન ફ્રેન્કલિને નોર્ધન લાઇટસનો સિધ્ધાંત આપીને દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું કે આ કુદરતી પ્રકાશ માત્ર ઉત્તર જ નહી દક્ષિણ ધુ્વમાં પણ જોવા મળે છે. પૃથ્વી પર કુદરતનો આ લાઇટશો સદીઓથી અસ્તિત્વ ધરાવે છે.
સૂર્યએ આગનો એક ગોળો છે. સૂર્યમાં સૌર આંધીઓ અને તોફાનો ઉઠવાએ એક પ્રાકૃતિક ઘટનાઓ છે. સૌર તોફાનોમાં એક પ્રકારના ચાર્જ પાર્ટિકલ હોય છે તે પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાય ત્યારે પ્રકાશ પુંજ ફેલાવે છે. આ ઘટનાને ઉત્તર ધુ્રવ તરફ બનતી હોવાથી નોર્ધન લાઇટસ કે ઔરોરા બોરિએલિસ કહેવામાં આવે છે. લેટિનમાં ઔરોરાનો અર્થ પ્રભાતના દેવી જયારે ઔરોરા બોરિએલિસનો અર્થ ઉત્તર તરફની હવા થાય છે.
દક્ષિણ ધુ્વમાં થતો કુદરતી લાઇટશો સાઉથન લાઇટસ (ઓરોરા ઓસ્ટ્રેલિસ) નામથી ઓળખાય છે. પૃથ્વીનો મેગ્નેટિક પોલ ઉત્તર અને દક્ષિણ ધુ્વ પર હોવાથી આ કુદરતી શો પૃથ્વીના ઉત્તર કે દક્ષિણ છેડે જ દેખાય છે. ઇલેકટ્રોમેગ્નેટિક સિધ્ધાંત મુજબ ચાર્જ પાર્ટિકલ હંમેશા મેગ્નેટિક ફિલ્ડ તરફ જ ગતિ કરે છે આથી જ તો નોર્ધન લાઇટસ કયારેય ભૂમધ્ય રેખાના ક્ષેત્રમાં જોવા મળતી નથી. સૌર હવાઓના ચાર્જ પાર્ટિકલ ઓકસીજન સાથે ટકરાય ત્યારે લીલો રંગ જયારે નાઇટ્રોજન સાથે ટકરાય ત્યારે લાલ રંગ બને છે. આ નોર્ધન લાઇટસનો નજારો જોવા માટે હજારો પ્રવાસીઓ પહોંચી રહયા છે.