દુનિયાનું સૌથી ઠંડુ શહેર, તાપમાન -62 ડિગ્રી સુધી પહોંચે, કાર એકવાર સ્ટાર્ટ કરો તો બંધ ના કરી શકો
Yakutsk Freezing Weather: ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણાં દેશો ભીષણ ઠંડીનો સામનો કરી રહ્યા છે. આ યાદીમાં કેટલાક નામ એવા છે જ્યાં આખા વર્ષ દરમિયાન તાપમાન શૂન્યથી નીચે રહે છે. આમાંથી એક રશિયાનું યાકુત્સ્ક (Yakutsk) શહેર છે, જે વિશ્વના સૌથી ઠંડા સ્થળોમાંનું એક માનવામાં આવે છે.
યાકુત્સ્ક (Yakutsk) શહેરનું સરેરાશ વાર્ષિક તાપમાન -8.0 ડિગ્રી રહે છે, જે શિયાળામાં -62 ડિગ્રી સુધી ઘટી જાય છે. અહીંના લોકો ઠંડીથી બચવા માટે અનેક સ્તરના કપડાં પહેરે છે. આ ઉપરાંત પાર્ક કરેલી ગાડીઓ ફરી શરુ થતી નથી અને બરફના ધુમ્મસને કારણે આ શહેરમાં વિઝિબિલિટી ઓછી છે.
વર્ષ 2025ની શરુઆતમાં યાકુત્સ્કનું તાપમાન શૂન્યથી નીચે -80.9 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું, જે બે દાયકાથી વધુ સમયનો સૌથી ઠંડો દિવસ હોવાનું નોંધાયું હતું.
આ પણ વાંચો: લોસ એન્જલસની ભીષણ આગમાં હોલિવૂડની અનેક સેલિબ્રિટીના મકાન રાખ, ઈમરજન્સી જાહેર કરાઈ
કાર બંધ કરી શકતા નથી
શિયાળામાં વાહનો પાર્ક કર્યા પછી તેમને બંધ કરવામાં આવતા નથી. જો કોઈ વાહન રસ્તા પર પાર્ક કરવામાં આવે, તો તેનું એન્જિન થીજી જવાનો ભય રહે છે. અહીં વાહન બંઘ થયા પછી શરુ થતું નથી. કેટલાક લોકો હીટરથી સજ્જ ગેરેજમાં પોતાની કાર પાર્ક કરે છે. જેથી ઠંડી હવા વાહન પર અસર ન કરે અને તાપમાન એન્જિન માટે યોગ્ય રહે. આ ઉપરાંત, વાહન કવરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, યાકુત્સ્ક શહેર 122 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીંની વસ્તી અંદાજે 3.55 લાખ કરતાં થોડી વધુ હતી. આ શહેર 1632માં ખ્રિસ્તી સમુદાય દ્વારા વસાવવામાં આવ્યું હતું.