જિનપિંગની વધુ એક મોટી કાર્યવાહી, રોકેટ ફોર્સના 3 કમાન્ડર સહિત 9 લશ્કરી અધિકારીઓની હકાલપટ્ટી
Image Source: Twitter
બિજિંગ, તા. 31 ડિસેમ્બર 2023
ચીને નવા સંરક્ષણ મંત્રીની નિમણૂંક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી કરીને સેનાના નવ વરિષ્ઠ જનરલોનો પણ બરખાસ્ત કરી દીધા છે. જેમાં ચીનની રોકેટ ફોર્સના 3 કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે.
ચીનના ન્યુક્લિયર મિસાઈલ્સની જવાબદારી રોકેટ ફોર્સના હસ્તક છે. આટલી મોટી કાર્યવાહી કરવા પાછળનુ કારણ તો ચીનની સરકારે જાહેર નથી કર્યુ પણ તેના માટે ભ્રષ્ટાચાર જવાબદાર હોઈ શકે છે તેવી અટકળો થઈ રહી છે.
જાણકારોનુ માનવુ છે કે, ચીનની સેનાના ટોચના અધિકારીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે અને તેના કારણે ચીનની સેનાનુ માળખુ નબળુ પડી રહ્યુ છે. મોટા પાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ચોંકી ઉઠ્યા છે અને તેમણે હવે સેનામાં ધરમૂળથી બદલાવ શરુ કર્યો છે.
ચીનના સરકારી મીડિયાના કહેવા પ્રમાણે ખુરશી પરથી ઉતારી દેવાયેલા નવ વરિષ્ઠ અધિકારીઓમાં રોકેટ ફોર્સના 3 કમાન્ડરનો પણ સમાવેશ થાય છે. જેઓ દેશની પરમાણુ હથિયારોથી સજ્જ મિસાઈલની દેખરેખની જવાબદારી સંભાળતા હતા.
જાણકારોનુ માનવુ છે કે, રોકેટ ફોર્સ દ્વારા તાજેતરમાં થયેલી ઉપકરણોની ખરીદીમાં જિનપિંગને ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી હતી અને શક્ય છે કે, હજી પણ બીજા અધિકારીઓ સામે ચીનની સરકાર કાર્યવાહી કરશે.
જિનપિંગે ચીનની સેનાને અત્યાધુનિક બનાવવા માટે ભારે ખર્ચ કર્યો છે અને આ અભિયાનને ભ્રષ્ટાચારના કારણે ફટકો વાગે તેવુ જિનપિંગ ચલાવી લેવા માંગતા નથી. કારણકે ચીને અમેરિકા અને તાઈવાન સામે પહેલેથી બાંયો ચઢાવેલી છે. આ સંજોગોમાં ચીનની સેના ભ્રષ્ટાચારના કારણે નબળી પડે તે પહેલા જિનપિંગે સેનામાં સાફ સફાઈની કાર્યવાહી શરુ કરી દીધી છે.