શી જિનપિંગ ત્રીજી વાર ચીનના રાષ્ટ્રપતિ બનતા ભારત સહિત દુનિયાને પાંચ મોટા નુકશાન થશે
- 'નેશનલ પીપલ્સ કોંગ્રેસ'ની બેઠકમાં 'સર્વાનુમતે' નિર્ણય લેવાયો કે શી જિનપિંગ 'સેન્ટ્રલ મીલીટરી કમિશનનાં પ્રમુખ તરીકે રહેશે'
નવી દિલ્હી : શી જિનપિંગ ત્રીજી વાર ચીનના રાષ્ટ્રપતિ બની ગયા છે. 'નેશનલ પીપલ્સ કોંગ્રેસ'ની ૧૪મી બેઠકમાં તેની ઉપર મહોર લગાડી દેવાઈ છે. તે ઉપરાંત તેઓને 'સેન્ટ્રલ મીલીટરી કમીશનના' પણ પ્રમુખ પદે રાખવાનો નિર્ણય તે બેઠકમાં લેવાયો.
શી જિનપિંગ ૨૦૧૩માં પહેલીવાર ચીનના રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા, ૨૦૧૮માં બીજી વાર તે પદ ઉપર ચૂંટાયા.
આશ્ચર્યની વાત તે છે કે ત્રીજી વખત રાષ્ટ્રપતિ બનતી વખતે ન તો તેમને કોઈ ચૂંટણી લડવી પડી કે ન તો જનતાની વચ્ચે જઈ પોતાની લોકપ્રિયતા સાબિત કરવી પડી, કે ન તો પોતાનું નેતૃત્વ કૌશલ્ય દર્શાવવું પડયું. બધું જ તેમણે તેમની સરમુખત્યારશાહી દ્વારા સિદ્ધ કર્યું છે. તેટલું જ નહીં પરંતુ ભારત અને દુનિયાના બીજા દેશો ઉપર પણ તેની ગંભીર અસર થશે. વાસ્તવમાં દુનિયાભરમાં તેની ગંભીર અસર પડવાની છે. તેથી ભારત સહિત દુનિયાને પાંચ મોટા નુકશાન થશે.
ભારતની વાત લઈએ તો તે એલ.એ.સી. ઉપર વધુ આક્રમક બની શકે. (૨) હવે ભારત અને દુનિયાએ શી જિનપિંગ જેવા કઠોર નેતા સાથે કામ કરવાનું રહેશે. અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે તેની કડવાટ વધશે. (૩) દુનિયામાં અસ્થિરતા વધશે. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર છેડાવાની પૂરી શક્યતા છે. પરિણામે દુનિયાનો વ્યાપાર પ્રભાવિત થશે. (૪) ચોથું નુકશાન તે થશે કે દુનિયાને ચીન વિષે સાચી અને સટીક માહિતી જ નહીં મળે. તે ઘણું ખતરનાક બનશે. તે આપણે કોવિદ મહામારી સમયે જોઈ શક્યા છીએ. (૫) પાંચમું નુકશાન તે થશે કે હવે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન જેવા દેશોના સારા દિવસો આવશે. આ દેશો જ આતંકવાદનાં કેન્દ્રો છે.
વિશેષત: તે ન ભૂલાય કે તાઈવાન ઉપર તો પૂરો ખતરો તોળાશે.
આ સત્રમાં તેવી પણ ઘોષણા કરવામાં આવી છે કે શી-જિનપિંગ ચીનની સેન્ટ્રલ મિલીટરી કમીશનનાં પ્રમુખપદે રહેશે. કોમ્યુનિસ્ટ પાર્ટીનું તે એવું એકમ છે કે જેને પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) રીપોર્ટ કરે છે. આથી દેશની સેના ઉપર શી જિનપિંગનું સીધું નિયંત્રણ રહેશે.
તેઓએ રાષ્ટ્રપતિ પદ સંભાળતા સાથે સૌથી પહેલું પગલું વડાપ્રધાન પદે બી ક્યાંગને નિયુક્ત કરવાનું લીધું છે. તેઓ જિનપિંગના પૂરા વફાદાર છે.
શી જિનપિંગની ચીનમાં પ્રમુખપદની ચૂંટણીની પ્રક્રિયા સમજવા જેવી છે. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસના ૨,૯૮૦ પ્રતિનિધિઓ છે. તે કોમ્યુનિસ્ટ પાર્ટીની સેન્ટ્રલ કમીટીની ચૂંટણી કરે છે. સેન્ટ્રલ કમીટી પોલિટ બ્યુરોની ચૂંટણી કરે છે તે પોલિટ બ્યુરો તેની સર્વોચ્ચ સમિતિનાં 'સ્ટેન્ડીંગ કમીટી' ચૂંટે છે. તે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન (પ્રમુખ) ચૂંટે છે. તેનું નામ નેશનલ પીપલ્સ કોંગ્રેસનાં વિશેષ સત્રમાં રજૂ થાય છે તે રીતે આ વખતે ત્રીજી વાર શી-જિનપિંગનું નામ રજૂ થયું અને ૨,૯૮૦ પ્રતિનિધિઓએ સર્વાનુમતે મંજૂર કર્યું.
ચીનમાં એક જ પાર્ટી છે, કોમ્યુનિસ્ટ પાર્ટી. તેના ૪ કે ૫ સભ્યો, નિશ્ચિત મત વિસ્તારમાં ઉભા રહે છે. તેમાંથી જેને બહુમતી મળે તે ચૂંટાયેલો જાહેર થાય છે. અહીં બીજા કોઈ પક્ષને સ્થાન જ નથી, તેથી ચીનમાં સાચી લોકશાહી કહી શકાય નહીં.