શપથ ગ્રહણ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે થઈ વાતચીત, જાણો શું થઈ ચર્ચા
China-US: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે શુક્રવારે (17 જાન્યુઆરી, 2025) અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે. આ પહેલા બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. જેની ચીનના વિદેશ મંત્રાલય અને ટ્રમ્પે પુષ્ટિ કરી છે.
ફોન પર વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું કે, 'ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં વેપાર, ફેન્ટેનાઇલ (ડ્રગ) અને ટિકટોક જેવા મુદ્દા સામેલ હતા.'
પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્રમ્પે લખ્યું કે, 'ચીન અને અમેરિકા માટે આ વાતચીત ખુબ સારી રહી. મને આશા છે કે, આપણ સાથે મળીને કેટલીક સમસ્યાઓનું સમાધાન કરીશું અને આ જલ્દી શરૂ થશે. આપણે વેપાર, ફેન્ટેનાઇલ, ટિકટોક અને અન્ય કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરી.'
વાતચીત છતાં શી જિનપિંગ ટ્રમ્પના શપથ ગ્રહણમાં સામેલ નહીં થાય. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર, શી જિનપિંગે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે ઉપ રાષ્ટ્રપતિ હાન ઝેંગને મોકલ્યા છે. આ પહેલી વખત છે જ્યારે એક વરિષ્ઠ ચીની અધિકારી અમેરિકન રાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં ભાગ લેશે.