દુનિયાની સૌથી અઘરી પરીક્ષા! 8 કલાકની ટેસ્ટ, એક્ઝામ સમયે ફ્લાઇટને ઉડવા પર પ્રતિબંધ, જાણો સંપૂર્ણ વિગતો
Worlds Toughest Exam: સાઉથ કોરિયામાં આ દિવસોમાં ચારે બાજુ શાંતિ છે. દેશભરના પાંચ લાખ વિદ્યાર્થીઓએ તેમના જીવનની સૌથી મહત્ત્વપૂર્ણ પરીક્ષા આપી હતી. વિશ્વની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક ગણાતી આ પરીક્ષા 8 કલાક સુધી ચાલે છે. આ યુનિવર્સિટી પ્લેસમેન્ટ ટેસ્ટ સુનેંગ ટેસ્ટ અથવા કૉલેજ સ્કોલાસ્ટિક એબિલિટી ટેસ્ટ (CSAT) તરીકે ઓળખાય છે.
પરીક્ષા સમયે ફ્લાઇટને ઉડવા પર પ્રતિબંધ
સાઉથ કોરિયામાં આ પરીક્ષા ગુરુવારે લેવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને ત્યાંની સરકારે કન્સ્ટ્રકશનની કામગીરી અટકાવી દીધી હતી, તેમજ વાહનોના હોર્ન મારવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આટલું જ નહિ ત્યાંના લોકો માટે આ પરીક્ષાની ગંભીરતા એટલી વધુ છે કે ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એવામાં જાણીએ કે શું છે આ સુનેંગ ટેસ્ટ અને તેને શા માટે દુનિયાની સૌથી અઘરી પરીક્ષા કહેવામાં આવે છે.
8 કલાક સુધી ચાલે છે પરીક્ષા
સુનેંગ ટેસ્ટ દર વર્ષે નવેમ્બર મહિનામાં આયોજિત કરવામાં આવે છે. આ પરીક્ષા 8 કલાક ચાલે છે. તેમજ તેમાં 5 વિષય - કોરિયાઈ, ગણિત, ઇંગ્લિશ, કોરિયાઈ ઈતિહાસ અને સામાજિક અધ્યયન કે વિજ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દરેક પેપર વચ્ચે 20 મિનિટનો ટૂંકો બ્રેક
80થી 107 મિનિટ એક વિષય માટે ફાળવવામાં આવે છે. તેમજ પરીક્ષામાં દરેક વિષય વચ્ચે 20 મિનિટનો ટૂંકો બ્રેક અને 50 મિનિટનો લંચ બ્રેક આપવામાં આવે છે. લંચ બ્રેક બાદ અંગ્રેજી પરીક્ષામાં સાંભળવાની પરીક્ષા હોય છે, જે દરમિયાન ઉમેદવારોએ જે સાંભળ્યું તેના આધારે જવાબો લખવાના હોય છે. આથી આ દિવસે ફ્લાઇટ્સ પણ બંધ કરવામાં આવે છે. તેમજ આ પરીક્ષામાં એકાગ્રતાની જરૂર હોવાથી વિધાર્થીઓને જંક ફૂડ ન ખાવાની પણ સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો: ભારત માટે ખતરાની ઘંટી: પાકિસ્તાનમાં પોતાની સેના તૈનાત કરવા માંગે છે ચીન, જાણો કારણ
પરીક્ષા માટે 10,000થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત
પરીક્ષાના દિવસે, સમગ્ર દેશ ધ્યાન રાખે છે કે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર પહોંચવામાં વિલંબ ન થાય. સરકાર અને સ્થાનિક ટ્રાફિક પોલીસ ટ્રાફિક ઘટાડવા માટે કામ કરે છે. આ વખતે પરીક્ષા માટે 10,000થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાકને કટોકટી દરમિયાન વિદ્યાર્થીઓને શાળાઓમાં લઈ જવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
પરીક્ષાના દિવસે શેરબજાર પણ મોડું ખૂલે છે
પરીક્ષાને ધ્યાનમાં રાખીને એક ડઝનથી વધુ વધારાની ટ્રેનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી હતી. તેમજ ટ્રાફિકને ઘટાડવા માટે કંપનીઓને પણ સામાન્ય દિવસ કરતાં મોડું કામ શરુ કરવાની સૂચના આપવામાં આવે છે. આ દિવસે શેરબજાર પણ મોડું ખૂલે છે.
પરીક્ષા પૂર્ણ થયા બાદ કેન્દ્રો પર ઉત્સવનો માહોલ
આ પરીક્ષા યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ, ભાવિ નોકરીની સંભાવનાઓ અને વિદ્યાર્થીઓની સામાજિક સ્થિતિ પણ નક્કી કરે છે, તેથી તે ખૂબ નિર્ણાયક માનવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રો પર ઉત્સવનો માહોલ જોવા મળે છે. વિદ્યાર્થીઓની સિદ્ધિઓની ઉજવણી કરવા માટે બહાર મ્યુઝિક સાથે ભીડ એકઠી થાય છે.