દુનિયાના ટોચના બોડી બિલ્ડરનું હાર્ટએટેકથી મૃત્યુ, 36 વર્ષે જ જીવ ગુમાવતાં તમામ લોકો સ્તબ્ધ
Image: Facebook
Bodybuilder Illia Yefimchyk Passed Away: ફિટનેસ જાળવી રાખવા માટે લોકો જિમ, પ્રોટીનવાળી વસ્તુઓનું ખૂબ સેવન કરતાં હોય છે અત્યારે ફિટ બોડી અંગેનો ક્રેઝ વધી રહ્યો છે પરંતુ આ માટે અમુક વસ્તુઓનું સેવન જોખમી પણ સાબિત થઈ શકે છે. આવો જ એક મામલો સામે આવ્યો છે, જે કોઈને પણ ચોંકાવી શકે છે. વિશ્વના સૌથી ફેમસ બોડી બિલ્ડર કહેવાતાં ઈલિયા યેફિમચિકનું હાર્ટએટેક આવવાથી નિધન થઈ ગયુ છે. તેમની ઉંમર લગભગ 36 વર્ષ હતી અને ખૂબ ફિટ શરીર દેખાતું હતું. તેમ છતાં પણ તેમને હાર્ટ એટેક આવવો ચોંકાવનારું છે.
વિશ્વભરમાં લોકો તેમના મોત પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યાં છે અને જિમ, પ્રોટીન વગેરે પર પણ અમુક લોકો સવાલ ઊભા કરી રહ્યાં છે. ખાસ કરીને ફિટનેસને લઈને એક ગંભીર ચર્ચા થઈ રહી છે કે આખરે ફિટ દેખાવું અને આંતરિક રીતે ફિટ હોવામાં કેટલું અંતર છે. અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે ઈલિયા યેફિમચિકને 6 તારીખે હાર્ટએટેક આવ્યો હતો અને તે કોમામાં જતાં રહ્યાં હતાં. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા પરંતુ તાત્કાલિક સારવાર બાદ પણ 11 સપ્ટેમ્બરે તેમનું મોત નીપજ્યું. રિપોર્ટ અનુસાર ઈલિયાને હાર્ટએટેક આવ્યા બાદ તેમની પત્નીએ એમ્બ્યુલન્સને કોલ કર્યો અને ગાડી આવવા સુધી તે તેમને સીપીઆર આપવાનો પ્રયત્ન કરતી રહી.
જોકે તેમ છતાં ઈલિયાની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. અંતમાં તેમને હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. અન્નાએ બેલારુસની સ્થાનિક મીડિયાને કહ્યું કે 'હું તેમના માટે સતત પ્રાર્થના કરતી રહી પરંતુ તેમને બચાવી શકાયા નહીં. છેલ્લા બે દિવસથી તેમનું હાર્ટ ફરીથી ધબકવા લાગ્યુ હતું પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેનું કારણ હતું કે તેઓ બ્રેઈન ડેડ થઈ ચૂક્યા હતાં. અમે અમારા તમામ શુભચિંતકોનો દુઆઓ અને સંવેદનાઓ માટે આભાર માનીએ છીએ.'