સૌથી વધુ ધનિકો ધરાવતા વિશ્વના ટોપ-10 શહેરોમાં ભારતનું એક પણ નહીં, ન્યુયોર્ક યાદીમાં ટોચના ક્રમે
વિશ્વના સૌથી વધુ ધનિકો ધરાવતા શહેરોની યાદીમાં ન્યૂયોર્ક 3.40 લાખ સાથે મોખરે
બીજા ક્રમે આવતા ટોકિયોમાં 2.90 લાખ જ્યારે અમેરિકાનો બે એરિયા 2.85 લાખ સાથે ત્રીજા ક્રમે
New york tops list of cities with most Billionaires: વર્ષ 2023 અસ્તાચળ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તાજેતરમાં સંપત્તિ અને ધનનો સૂર્યોદય ધરાવતા ધનકુબેરોની એક યાદી બહાર આવી છે. તાજેતરમાં એક સંસ્થા દ્વારા વિશ્વના એવા 97 શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાં દુનિયાના તમામ ધનિકો અને ધનકુબેરો વસવાટ કરે છે. આ યાદી બનાવનાર સંસ્થાએ જણાવ્યું કે, ધનકુબેરોની સંખ્યાના આધારે જ વિશ્વના સૌથી ધનિક શહેરોની પણ યાદી બનાવવામાં આવી છે. મોટાભાગે આ શહેરોમાંથી જ વિશ્વના સૌથી મોટા બિઝનેસ હબ ઓપરેટ કરવામાં આવી રહ્યા છે. આ યાદી પ્રમાણે ન્યૂયોર્ક વિશ્વનું સૌથી વધારે ધનિકો ધરાવતું શહેર છે. આ ઉપરાંત ન્યૂયોર્ક વિશ્વનું સૌથી વધુ ધનિક શહેર પણ છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, વિશ્વના ટોચના 20 શહેરોમાં ધનિકો અને ધનકુબેરોની મોટાભાગની વસતી રહે છે. ન્યૂયોર્ક તેમાં મોખરે છે. ન્યૂયોર્કમાં વિશ્વના 3,40,000 ધનિકો વસવાટ કરે છે. ત્યારબાદ આ યાદીમાં બીજા ક્રમે આવતા જાપાનના ટોકિયોમાં 2,90,300 ધનિકો વસવાટ કરે છે.
સૌથી વધુ ધનિકો ધરાવતા શહેરોમાં ભારતનું સ્થાન 21મું
ધનિકોની વસતીની વાત કરીએ તો ટોચના 10 શહેરોમાં અમેરિકાના ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચીનના બે શહેરો અને ત્યારબાદ જાપાન, સિંગાપુર, યુકે, ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ એસએઆરના એક-એક શહેરનો સમાવેશ થાય છે. અમેરિકાનું બે એરિયા 2,85,000 ધનિકો સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. 2,58,000 ધનિકોની સંખ્યા સાથે લંડન ચોથા અને પાંચમા ક્રમે આવેલા સિંગાપુરમાં 2,40,100 ધનિકો રહે છે. અમેરિકાના લોસ એન્જેલસમાં 2,05,000 ધનિકો જ્યારે હોંગકોંગમાં 1,29,000 ધનવાનો વસવાટ કરે છે. ચીનના બેઈજિંગ અને શાંઘાઈ શહેરો આ યાદીમાં આઠમા અને નવમા ક્રમે આવે છે. તેમાં અનુક્રમે 1,28,200 અને 1,27,200 ધનિકો વસવાટ કરી રહ્યા છે. 1,26,900 ધનકુબેરોની વસતી સાથે ઓસ્ટ્રેલિયાનું સિડની વિશ્વમાં 10મા ક્રમે આવે છે. ભારતનું મુંબઈ આ યાદીમાં 21મા ક્રમે આવે છે. મુંબઈમાં 59,400 ધનિકો વસવાટ કરી રહ્યા છે. આ મુદ્દે ભારતીય શહેરોમાં તે ટોચના ક્રમે આવે છે. ભારતમાં મુંબઈ, દિલ્હી, બેંગ્લુરુ, કોલકાતા અને હૈદરાબાદમાં જ ધનકુબેરો વસવાટ કરી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની પ્રગતિ આંખે ઉડીને વળગે તેવી છે
આ સરવેમાં જોવા મળ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના શહેરોના પ્રગતિ આંખે ઉડીને વળગે તેવી છે. ઓસ્ટ્રેલિયાનું સિડની આ યાદીમાં 10મા ક્રમે આવી ગયું છે. તેમાં જે છલાંગ વાગી છે તે આશ્ચર્યજનક છે. તેમાં 1 લાખ કરતા વધારે ધનકુબેરો છે. આ સિવાય મેલબોર્ન પણ ધનિકોની યાદીમાં 17મા ક્રમે આવે છે. તેમાં એક લાખથી સહેજ ઓછા એટલે કે 96,000 ધનિકો સ્થાયી થયેલા છે. મહત્ત્વની વાત એ છે કે, ધનિકોમાં સ્થળાંતર અને રોકાણ કરીને સ્થાયી થવા માટે આ વર્ષેે ઓસ્ટ્રેલિયા ઉપર વધારે પસંદગી ઉતારવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં 5200 ધનિકો ઓસ્ટ્રેલિયામાં રોકાણ કરીને સ્થાયી થઈ ગયા હતા. આ અંગે ઉદ્યોગપતિઓ અને ધનકૂબેરોએ જણાવ્યું કે, તેમના દેશ કરતા વિદેશોમાં કે જ્યાં તેઓ સ્થાયી થઈ ગયા છે અને વેપાર લઈ ગયા છે તેના દ્વારા વધારે લાભ આપવામાં આવે છે. ધનિકો દ્વારા રાજકીય સ્થિરતા, ટેક્સનું ઓછું ભારણ, વેપાર અને રોકાણની સ્વતંત્રતા જેવી બાબતોને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. આ ઉપરાંત તેમની આગામી પેઢીનું ભણતર, ક્વોલિટી ઓફ લાઈફ, કાયદાકીય રક્ષણ, વિકસવાના અવસરો, હવામાન અને વાતાવરણ જેવી બાબતોના આધારે પણ સ્થળાંતર કરવામાં આવતું હોવાનું ધનિકોએ સ્વીકાર્યું હતું.
હેંગઝાઉ, ઓસ્ટિન, ટેક્સાસ જેવા શહેરોમાં પણ ધનિકોની વસતી વધી
હેન્લી એન્ડ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવેલા શહેરોના અભ્યાસમાં સામે આવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોના શહેરોમાં પણ ધનિકોની સંખ્યા વધી છે. ખાસ કરીને છેલ્લાં એક દાયકામાં હેંગઝાઉ, ઓસ્ટિન, ટેક્સાસ જેવા શહેરોમાં ધનકુબેરોની સંખ્યા વધી ગઈ છે. આ કારણે જ તેમનું સ્થાન પણ વિશ્વમાં વધારે ધનિકો ધરાવતા મુખ્ય શહેરોમાં આવી ગયું છે. જાણકારોના મતે અમેરિકા અને ચીનમાં આર્થિક સ્થિરતાના કારણે ઘણા ઉદ્યોગપતિઓ અને ધનકુબેરો અહીંયા વસવાટ કરી રહ્યા છે. 21મી સદીની શરૃઆતની વાત કરીએ તો અમેરિકા અને જાપાન વચ્ચે ધનિકોની સંખ્યામાં ખાસ અંતર નહોતું. બંને લગભગ સમાંતર હતા. ત્યારબાદ અમેરિકા દ્વારા સાતત્યપૂર્ણ વિકાસ કરવામાં આવ્યો અને ત્યાં ધનિકોની સંખ્યા વધી ગઈ. અમેરિકાએ તેમને જાળવી પણ રાખ્યા. બીજી તરફ ચીન દ્વારા ઈકોનોમી તરીકે 2010માં જાપાનને પાછળ છોડી દેવામાં આવ્યું. ત્યારબાદ માત્ર ચાર વર્ષમાં એટલે કે 2014માં સૌથી વધારે ધનકુબેરોની બાબતમાં પણ જાપાનને પાછળ છોડી દેવામાં આવ્યું હતું.
લાઈફસ્ટાઈલ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ખૂબ જ મહત્ત્વના
અભ્યાસ કરનારા જાણકારોએ જણાવ્યું કે, ધનિકોના વસવાટની વાત આવે છે ત્યારે તેઓ વેપારની સાથે સાથે તેમના પરિવારના મહત્ત્વના પાસાઓ વિશે પણ વિચાર કરતા હોય છે. ખાસ કરીને શહેરોનું વાતાવરણ, સામાજિક વાતાવરણ, લાઈફસ્ટાઈલ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, હાઈ લિવેબિલિટી ઈન્ડેક્સ, ટેક્સની પરિસ્થિતિ, અન્ય મોટા દેશો અને બજારો સુધીની પહોંચ વગેરે બાબતો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સ્થિતિ ઉપર નજર કરીએ તો ભારત અને વિયેતનામના શહેરોમાં પણ ઘણી પ્રગતિ થઈ છે. ધનિકોના વસવાટ કરવા મુદ્દે ભારતના બેંગ્લુરુમાં 88 ટકા, હૈદરાબાદમાં 78 ટકા જ્યારે વિયેતનામના હો ચી મિન સિટીમાં 82 ટકા વૃદ્ધિ જોવા મળી છે. છેલ્લાં એક દાયકામાં આ મોટો ઉછાળો છે. બીજી તરફ મોસ્કો અને સેન્ટ પિટ્સબર્ગમાંથી 40 ટકા ધનકુબેરો સ્થળાંતરિત થઈ ગયા છે. સરકારો દ્વારા મુકાયેલા પ્રતિબંધોના કારણે તેમની આવકમાં ઘટાડો થવાને પગલે ધનિકો દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કારણે અહીંયા ધનિકોની સંખ્યા ઘટી છે.
ટોચના 10 શહેરો ઉપર એક નજર
ન્યૂયોર્ક
ન્યૂયોર્ક વેપારનું અને મોટા વેપારીઓ તથા ધનકુબેરોનું કેન્દ્ર છે. અહીંયા 3,40,000 ધનિકો એટલે કે હાઈ નેટવર્થ ધરાવતા લોકો રહે છે. આ લોકો અમેરિકાની સમૃદ્ધિના કેન્દ્રમાં રહેલા છે. અહીંયા ધનિકોમાંથી 724 સેન્ટિ મિલિયોનેર (100 મિલિયન ડોલરથી વધારે સંપત્તિ) અને 58 અબજપતિઓ (1 અબજ ડોલરથી વધુની સંપત્તિ) સ્થાયી થયેલા છે. અહીંયા વિશ્વના સૌથી મોટા બે સ્ટોક માર્કેટ એનવાયએસઈ અને નાસ્ડેક પણ આવેલા છે. અહીંયા ઘણા પોશ વિસ્તારો છે જ્યાં મકાનોની કિંમતની અધધ કિંમત જોવા મળી રહી છે. ખાસ કરીને અહીંયાનો મેનહટ્ટન ખાતે પ્રોપર્ટીના આકાશને આંબતા ભાવ છે. અહીંયા ફિફ્થ એવન્યૂ ખાતે એક અપાર્ટમેન્ટની કિંમત 27,000 ડોલર પ્રતિ ચો. મીટર છે.
ટોકિયો
ટોકિયો ધનિકો માટે રહેવા માટેનું કેન્દ્ર છે છતાં અહીંયા ધનપતિઓ મુદ્દે ટોપ-10માં આવતા અન્ય મોટા શહેરોની સરખામણીમાં અબજપતિઓની સંખ્યા ઓછી છે. ટોકિયોમાં ધનપતિઓ વધારે પ્રમાણમાં છે. આ મુદ્દે ટોકિયો વિશ્વમાં બીજા ક્રમે છે. અહીંયા 2,90,300 ધનપતિઓ વસવાટ કરે છે. તેમાં 250 સેન્ટિ મિલિયોનેર છે જ્યારે 14 બિલિયોનેર્સ છે. આ શહેરની ખાસિયત એ છે કે, અહીંયા મિડલ ક્લાસ અને લોઅર ટિયર મિલિયોનેર્સ વચ્ચે સંપત્તિની સરેરાશ વહેંચણી થયેલી છે. શહેરનું મોટાભાગનું કેપિટલ મોટાભાગની કંપનીઓમાં પણ સમાંતર રીતે વહેંચાયેલું છે. અહીંયા સોની, સોફ્ટબેન્ક, હિટાચી, હોન્ડા અને મિત્સુબિશી જેવી કંપનીઓનું મોટું નેટવર્ક ફેલાયેલું છે.
ધ બે એરિયા
અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો અને સિલિકોન વેલી જેવા મહત્ત્વના વિસ્તારોનું સંયોજન ધરાવતું ધ બે એરિયા ધનપતિઓ મુદ્દે પણ ધનિક જ છે. ન્યૂયોર્ક બાદ અમેરિકામાં સૌથી વધારે ધનકુબેરો અહીંયા વસવાટ કરે છે. અહીંયા 2,85,000 ધનકુબેરો રહે છે જેમાંથી 629 સેન્ટિ મિલિયોનેર્સ છે જ્યારે સૌથી વધારે 63 બિલિયોનેર્સ છે. અહીંયા એપલ, એડોબ, સિસ્કો, ફેસબુક (મેટા), ગુગલ (આલ્ફાબેટ), એચપી, ઈન્ટેલ, લિન્ક્ડઈન, લિફ્ટ, નેટફ્લિક્સ, ઓપનએઆઈ, પેપાલ, ટ્વિટર, યુબર, યાહુ અને ઝુમ જેવી વિશ્વની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી આઈટી કંપનીઓ અહીંયા વિસ્તરેલી છે.
લંડન
લંડનનો 2000 સુધીમાં દબદબો હતો પણ કાળક્રમે તેમાં ઘટાડો થયો છે. તેમ છતાં ધનિકોની સંખ્યા મુદ્દે તે વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. વર્ષ 2000માં ધનિકો મુદ્દે લંડન ટોચના સ્થાને હતું. હવે બે દાયકાથી સતત તેના ક્રમમાં ફેરફાર થઈ રહ્યો છે. લંડનમાં બેલગ્રેવિઆ, ચેલ્સીઆ, હેમ્પ્સ્ટેડ, કાઈટબ્રિજ, મેફેર, રેજેન્ટપાર્ક અને સેન્ટ જોન્સ વુડ લંડન ખાતે 2,58,000 ધનકુબેરો રહે છે. તેમાં 384 સેન્ટિ મિલિયોનેર્સ છે જ્યારે 36 બિલિયનેર્સ છે.
સિંગાપુર
વિશ્વમાં જ્યારે બિઝનેસ માટે સૌથી વધારે સાનુકુળ શહેરોની વાત કરવામાં આવે તો ટોચના શહેરોમાં સિંગાપુરને અવગણી સકાય જ નહીં. તેના કારણે ધનકુબેરો ઘણા સમયથી અહીંયા માઈગ્રેટ કરી રહ્યા છે. માત્ર ગત વર્ષની જ વાત કરીએ તો અહીંયા 2800 ધનપતિઓ માઈગ્રેશન કરીને સ્થાયી થયા હતા. સિંગાપુરમાં હાલમાં 2,40,100 ધનપતિઓ રહે છે જેમાં 329 સેન્ટિ મિલિયોનેર્સ છે જ્યારે 27 બિલિયોનેર્સ છે.
લોસ એન્જેલસ
લોસ એન્જેલસ, બેવર્લી હિલ્સ અને માલિબુને ભેગા કરીને જે અત્યંત પોશ વિસ્તાર બને છે તેને લોસ એન્જેલસ સિટી તરીકે ઓળખવામાં આવે છે. 42 બિલિયોનેર્સ, 480 સેન્ટિ મિલિયોનેર્સ સહિત અહીંયા કુલ 2,05,400 ધનપતિઓ રહે છે. એન્ટરટેઈન્મેન્ટ, મીડિયા, રિયલ એસ્ટેટ, રિટેઈલ સેક્ટર, ટેક અને ટ્રાન્સપોર્ટ સેક્ટરની મોટી મોટી મલ્ટિનેશનલ કંપનીઓના હબ અહીંયા છે.
હોંગકોંગ
છેલ્લાં એક દાયકાથી ચાલી રહેલા ચીન સાથેના સંઘર્ષો છતાં હોંગકોંગમાં આર્થિક વિકાસ મુદ્દે કોઈ ઓટ આવી નથી. અહીંયા એશિયાના અન્ય સમૃદ્ધ શહેરોની જેમ જ ધનકુબેરોએ પોતાનો સ્થાયી વસવાટ બનાવેલો છે. દુનિયાના ટોચના ફાઈનાન્સિયલ હબમાં આજે પણ હોંગકોંગની બોલબાલા છે. હોંગકોંગનું સ્ટોક માર્કેટ પણ દુનિયાના ટોચના સ્ટોક એક્સ્ચેન્જમાં સ્થાન ધરાવે છે. તેના કારણે જ અહીંયા 32 અબજબતિઓ, 329 સેન્ટિ મિલિયોનેર્સ સહિત 1,29,500 ધનપતિઓ રહે છે.
બેઈજિંગ
વિશ્વમાં ન્યૂયોર્ક અને ધ બે એરિયા બાદ સૌથી મોટી કંપનીઓના અધિકારીઓ અને માલિકોના રહેઠાણની વાત આવે તો તેમાં બેઈજિંગનો સમાવેશ થાય છે. ચીનની રાજધાનીમાં દુનિયાની ઘણી મલ્ટિનેશનલ કંપનીઓના હેડક્વાર્ટર અને મોટા ઉદ્યોગગૃહો આવેલા છે. બેઈજિંગ 1,28,200 ધનકુબેરોનું ઘર છે જેમાં 354 સેન્ટિ મિલિયોનેર્સ અને 43 બિલિયોનેર્સનો સમાવેશ થાય છે.
શાંઘાઈ
શાંઘાઈ ચીનની આર્થિક રાજધાના તરીકે પણ ઓળખ ધરાવે છે. શાંઘાઈની ખાસિયત એ છે કે, ન્યૂયોર્ક સ્ટોક એક્સ્ચેન્જ અને નાસડેક બાદ માર્કેટ કેપની દ્રષ્ટિએ દુનિયાના સૌથી મોટા સ્ટોક માર્કેટમાં શાંઘાઈ સ્ટોક એક્સ્ચેન્જ ત્રીજા ક્રમે આવે છે. અહીંયા 1,27,200 ધનપતિઓ રહે છે. તેમાં 332 સેન્ટિ મિલિયોનેર્સ અને 40 બિલિયોનેર્સ પણ છે.
સિડની
સિડનીમાં 15 બિલિયોનેર્સ, 184 સેન્ટિ બિલિયોનેર્સ સહિત 1,26,900 હાઈ નેટવર્થ ધરાવતા લોકો વસવાટ કરે છે. અહીંયા બેલેવ્યૂ હિલ, ડાર્લિંગ પોઈન્ટ, મોસમાન, પોઈન્સ પાઈપર અને વોક્લોસ સહિતના વિસ્તારો આ ધનકુબેરોના વસવાટ માટેના ગમતા સ્થાનો છે. છેલ્લાં બે દાયકામાં આ શહેરનો આર્થિક દ્રષ્ટિએ અદ્વિતિય વિકાસ થયો છે. એશિયા પેસિફિક ક્ષેત્રમાં આ શહેર ખૂબ જ સમૃદ્ધ શહેર બની ગયું છે. જાણકારોના મતે જે રીતે તેણે વિકાસ કર્યો છે તે રીતે આગામી બે દાયકા પછી વિશ્વના સૌથી સમૃદ્ધ શહેરોની યાદીમાં તે ટોચના પાંચ શહેરોમાં આવી જશે.