દુનિયાના સૌથી 'દુ:ખી' હાથીનુ આખરે 43 વર્ષની વયે ફિલિપાઈન્સના ઝૂમાં મોત
image : Twitter
મનીલા,તા.1 ડિસેમ્બર 2023,શુક્રવાર
વિશ્વના સૌથી દુખી હાથીએ આખરે આ દુનિયાને 43 વર્ષની વયે અલવિદા કહી દીધુ છે.
ફિલિપાઈન્સના મનીલા શહેરના ઝૂમાં રહેતા હાથીનુ મંગળવારે મોત થયુ હતુ. માલી નામની આ માદા હાથી ઝૂમાં એકલી હતી. 40 વર્ષ કરતા વધારે સમયથી ઝૂમાં એકલી રહેતી માલીને પશુઓ માટે કામ કરતી સંસ્થા પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ દ્વારા દુનિયાની સૌથી દુખી હાથી જાહેર કરાઈ હતી.
તેના મોત પર મનીલાના મેયર હની લાકુનાએ કહ્યુ હતુ કે, મંગળવારે બપોરે તેનુ મોત થયુ હતુ. તેની ચોક્કસ વય તો કોઈને ખબર નહોતી પણ તે 43 વર્ષની હોવાનો અંદાજ છે. મેયરે પોતે બાળપણમાં ઝૂની મુલાકાત દરમિયાન માલીને જોઈ હોવાની યાદો તાજી કરી હતી.
તેમણે કહ્યુહ તુ કે, માલી અમારા માટે ખાસ હતી.તે અમારા ઝૂનુ આકર્ષણ હતી અને તેના મોતથી બધા દુખી થઈ ગયા છે.
જ્યારે ઝૂના ડોકટરે કહ્યુ હતુ કે, માલી એક દિવાલ સાથે પોતાનુ માથુ ઘસી રહી હતી અને તેને પીડા થઈ રહી હોવાનુ અમને લાગ્યુ હતુ. મંગળવારે તેની હાલત વધારે બગડી હતી. જોર જોરથી શ્વાસ લેતા લેતા તે જમીન પર પડી ગઈ હતી. તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી પણ બપોરે તેનુ મોત થયુ હતુ. તેને પેનક્રિઆટિક કેન્સર હોવાનુ પોસ્ટ મોર્ટમમાં સામે આવ્યુ હતુ.
માલીને 1981માં શ્રીલંકન સરકારે ફિલિપાઈન્સા તે સમયના ફર્સ્ટ લેડી ઈમેલ્ડા માર્કોસને ભેટમાં આપી હતી. ઝૂમાં શિવ નામનો એક હાથી તેનો દોસ્ત હતો પણ 1990માં તેનુ મોત થયા બાદ માલી એકલી પડી હતી.