જાપાનમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ
- બે કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાનથી ઊર્જા ઉત્પન્ન કરતું
- આ રિએક્ટર પ્રયોગ માત્ર છે, તે સફળ થતા વિશ્વના તમામ દેશોની ઊર્જા સંબંધિત તમામ જરૂરીયાત સંતોષાશે
ટોકિયો : જાપાનના નાકા નોર્થમાં વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફયુઝન રિએક્ટર શરૂ થયું છે. તેની શરૂઆત શુક્રવારે થઈ હતી. સમગ્ર વિશ્વમાં જેટલા પરમાણુ વીજ મથકો છે તે તમામ પરમાણુ વિખંડન (ફિઝન) પર ચાલે છે જ્યારે આ ન્યુક્લિયર સંયોજન (ફ્યુઝન)માંથી ઊર્જા ઉત્પન્ન કરશે. એટલે કે તે બે અણુઓના કેન્દ્રકને પરસ્પર જોડે છે જ્યારે ફિઝનમાં કેન્દ્રકને અલગ કરવામાં આવે છે.
આ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જેટી-૬૦એસએ છે. તે મોટા પાયે, સલામત અને કાર્બન મુક્ત ઊર્જા પેદા કરવા માટે રચાયેલ છે. હાલ તેને એક પ્રયોગ તરીકે ચાલુ કરાયું છે, જે પછીથી લોકો અથવા દેશની જરૂરિયાત અનુસાર મોટા પાયે સ્થાપવામાં આવશે.
જો પરમાણુ ફ્યુઝનથી સ્વચ્છ વીજળી ઉત્પન્ન થાય તો તે ભવિષ્યમાં પ્રદૂષણ મુક્ત પદ્ધતિ સાબિત થશે. આ ઈમારત છ માળની છે. તેમાં મુખ્યત્વે ડોનટ આકારનું પાત્ર હોય છે. તેને ટોકામાક કહેવામાં આવે છે. પ્લાઝમા તેની અંદર ઝડપથી ફરે છે. આ પ્લાઝમાનું તાપમાન ૨ કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે.
આ રિએક્ટર યુરોપિયન યુનિયન અને જાપાન દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે. ફ્રાન્સ તેનાથી પણ વધુ શક્તિશાળી પરમાણુ વીજ મથક પણ બનાવી રહ્યું છે. તેને ઈન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરીમેન્ટલ રિએક્ટર (આઈટીઈઆર) કહેવામાં આવે છે. બંને પ્રોજેક્ટનો હેતુ એક જ છે કે હાઈડ્રોજનના કેન્દ્રકનું હીલિયમ જેવા ભારે એલિમેન્ટ સાથે ફ્યુઝન કરવામાં આવે.
હાઈડ્રોજન કેન્દ્રકનું હીલિયમ સાથે ફ્યુઝન થતાં જ તેમાંથી સૂર્યની જેમ પુષ્કળ માત્રામાં પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. જો કે આઈટીઈઆરનું બજેટ અનુમાન કરતા ઘણું વધી ગયું હોવાથી સમસ્યા સર્જાઈ છે. બાંધકામમાં પણ વિલંબ થયો છે તેમજ અનેક પ્રકારની ટેકનીકલ સમસ્યા ઊભી થઈ છે.
જેટી-૬૦ એસએના ડેપ્યુટી પ્રોજેક્ટ લીડર સેમ ડેવિસ કહે છે કે આ ટેકનીકથી લોકો ફ્યુઝન એનર્જી તરફ વળશે. આ પ્રોજેક્ટમાં ૫૦ કંપનીઓ અને ૫૦૦ વૈજ્ઞાાનિકો અને એન્જિયનીયરો સામેલ છે. તેઓ યુરોપ અને જાપાનની લગભગ પચાસથી વધુ કંપનીઓમાંથી આવ્યા છે. એમાં વિશ્વનું સૌથી અત્યાધુનિક ટોકામાક છે. ફ્યુઝન એનર્જીના ઈતિહાસમાં આ મોટું સીમાચિહ્ન સાબિત થવાનું છે. આ સદીના મધ્ય સુધીમાં આવા જ ન્યુક્લિયર રિએક્ટરમાંથી ઊર્જા મળશે. તેમજ આ ટેકનીક સમગ્ર વિશ્વમાં ફેલાશે.