સ્વામી ચિન્મય કૃષ્ણ પ્રભુદાસની ધરપકડ અંગે વિશ્વમાં વિરોધ : અમેરિકાનાં ગાયિકાએ ટ્રમ્પને હસ્તક્ષેપ કરવા કહ્યું
- સ્વામી કૃષ્ણ દાસને તુર્તજ મુક્ત કરવા જોઈએ : શેખ હસીના
- શેખ હસીનાની વડાપ્રધાન પદેથી વિદાય પછી બાંગ્લાદેશમાં હિન્દુ સહિત તમામ લઘુમતીઓ અને તેમનાં ધાર્મિક સ્થાનો પર હુમલા થાય છે
ન્યૂયોર્ક : ઈસ્કોનના અગ્રણી સ્વામી ચિન્મય કૃષ્ણ પ્રભુદાસની બાંગ્લાદેશમાં કરાયેલી ધરપકડ પછી વિશ્વભરમાં વિરોધ વંટોળ જાગ્યો છે. અમેરિકાનાં ખ્યાતનામ ગાયિકા મેરી મિલબેને આ ધરપકડ અંગે ચિંતા દર્શાવતાં વિશ્વભરના નેતાઓએ બાંગ્લાદેશમાં હિન્દૂઓ સહિત અન્ય લઘુમતીઓ ઉપર થતા અત્યાચારો રોકવા અનુરોધ કર્યો હતો.
તે સર્વવિદિત છે કે કૃષ્ણદાસની રાજ્યદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી તેમજ કોર્ટે તેઓને જામીન આપવાનો પણ વિરોધ કર્યો હતો.
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પણ તે ધરપકડને અયોગ્ય કહેતાં જણાવ્યું હતું કે સ્વામી કૃષ્ણદાસને તુર્ત જ મુક્ત કરવા જોઈએ.
ભારતમાં પણ ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ સ્વામી કૃષ્ણપ્રભુદાસની ધરપકડનો વિરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ મુદ્દે બાંગ્લાદેશની સરકારને અનુરોધ કરવા આગ્રહ કર્યો હતો.
મેરી મિલબોને તો એક્સ પર કરેલા પોસ્ટમાં પ્રમુખ જો બાયડેન તથા નવનિર્વાચીન પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને સ્વામીની મુક્તિ માટે બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર પર દબાણ કરવા જણાવ્યું હતું.
મિલિબોને તો તેઓનાં એક્સ પોસ્ટ પર લખ્યું હતું કે દુનિયાભરના અગ્રણીઓને તે ધરપકડનો વિરોધ કરવા અનુરોધ કરું છું. આ સાથે હું પ્રમુખ જો બાયડેન તથા નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સ્વામી કૃષ્ણ પ્રભુદાસની મુક્તિ માટે મોહમ્મદ યુનુસની સરકારને અનુરોધ કરું છું તેમ બાંગ્લાદેશમાં લઘુમતિઓને તેમનાં ધાર્મિક સ્વાતંત્ર્યની રક્ષા કરવા કહું છું.
આ ઉપરાંત ફાઉન્ડેશન ફોર ઇંડીયા એન્ડ ઇંડીયન ડાયાસ્પારો સ્ટડીઝે (એફઆઈડીએસ) બાંગ્લાદેશમાં થઈ રહેલા માનવ અધિકારોનાં ઉલ્લંઘન અને ધાર્મિક લઘુમતિઓ તથા તેઓનાં ધાર્મિક સ્થળો પર થઈ રહેલા હુમલાઓની ઉગ્ર ટીકા કરી હતી.
શેખ હસીનાએ ઓગસ્ટ ૫નાં દિને પદત્યાગ કર્યો ત્યારથી હજી સુધીમાં હિન્દુઓ અને હિન્દુઓનાં ધાર્મિક સ્થાનો ઉપર ૨૦૦થી વધુ હુમલા થઈ રહ્યાં છે. તે અંગે એક સ્વતંત્ર તપાસ યોજવી જોઈએ તેમ પણ એફઆઈઆઈએસના પ્રમુખ ખંડેરાવ કંદે કહ્યું હતું સાથે પ્રમુખ બાયડેન અને નવનિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તે મુદ્દે હસ્તક્ષેપ કરવા અનુરોધ કર્યો હતો.