2023માં દુનિયાની વસતીમાં 7.50 કરોડ લોકોનો ઉમેરો થયો, 2024માં વિશ્વની વસતી આઠ અબજને પાર કરી જશે
image : Freepik
નવી દિલ્હી,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર
2023નુ વર્ષ વિદાય લેવાના આરે છે. દુનિયા આખી નવા વર્ષને આવકારવાની તૈયારીઓ કરી રહી છે ત્યારે 2023ના વર્ષમાં દુનિયાની વસતીમાં કેટલા લોકોનો ઉમેરો થયો તેના આંકડા પણ સામે આવ્યા છે.
2023માં દુનિયાની વસતીમાં સાડા સાત કરોડ લોકોનો વધારો થયો છે. આમ 2024માં દુનિયાની વસતી આઠ અબજને પાર કરી જશે તે નિશ્ચિત છે. 2023ના વર્ષમાં દુનિયાની વસતીમાં એક ટકાના ગ્રોથ રેટ જોવા મળ્યો છે. અમેરિકન સરકારના આંકડા પ્રમાણે 2024ની શરુઆતમાં દરેક સેકન્ડે દુનિયામાં 4.3 બાળકોનો જન્મ થશે અને દર સેકન્ડે બે લોકોના મોત થશે. અમેરિકામાં વસતીનો ગ્રોથ રેટ 2023માં 0.53 ટકા રહ્યો છે. જે દુનિયાની સરેરાશ કરતા અડધો છે.
અમેરિકાની વસતી 2023માં 17 લાખ વધી છે અને હવે અમેરિકાની વસતી 34 કરોડ થઈ છે. જો આ જ રેટ પર અમેરિકાની વસતી વધશે તો વર્તમાન દાયકો અમેરિકામાં વસતીની રીતે સૌથી ઓછા ગ્રોથ રેટ વાળો દાયક બનશે.
1030 પહેલા અમેરિકાની વસતીમાં દર વર્ષે સાત ટકાનો વધારો થતો હતો પણ 1030ની ભયાનક મંદી બાદ અમેરિકામાં વસતી ઘટવાની શરુઆત થઈ હતી. 2024માં અમેરિકામાં દર નવ સેકન્ડે એક બાળકનો જન્મ થશે અને તેની સામે 9.5 સેકન્ડે એક વ્યક્તિનુ મોત થશે. અમેરિકામાં વસતીમાં જે પણ વધારો થયો છે તેનુ એક કારણ ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી રહેલા બીજા દેશના લોકો પણ છે. કાયદેસર કાર્યવાહી બાદ ઈમિગ્રેશન મેળવીને આવતા લોકો પણ દેશની વસતી વધારી રહ્યા છે.
એક અંદાજ પ્રમાણે અમેરિકામાં દર 28 સેકન્ડે એક વ્યક્તિ ઈમિગ્રન્ટ તરીકે દાખલ થાય છે. આમ અમેરિકામાં જન્મ દર, મૃત્યુ દર અને ઈમિગ્રન્ટસની સંખ્યાની ગણતરી કરવામાં આવે તો અમેરિકામાં દર 24 સેકન્ડે એક નવો વ્યક્તિ ઉમેરાશે.