નવા વર્ષે વૈશ્વિક વસતી 8.09 અબજને આંબી જશે, એક વર્ષમાં 7.1 કરોડનો ઉમેરો, મુસ્લિમો વધશે
World Population: નવા વર્ષ 2025ના આગમન થવાની સાથે સૌથી પહેલી મોટી ઘટના વિશ્વની વસ્તી 8.09 અબજને વટાવી ગઈ તે છે. પહેલી જાન્યુઆરી 2025ના રોજ વિશ્વની વસ્તી 8.09 અબજ હશે. વિશ્વની વસ્તીમાં એક જ વર્ષમાં 8.09 અબજનો ઉમેરો થયો છે. આ વૃદ્ધિની સાથે વૈશ્વિક વસ્તીના બધા જૂના રૅકોર્ડ તોડી નાખ્યા છે. વર્ષ 2024માં થયેલી વસ્તીવૃદ્ધિ 2023ની તુલનાએ ઓછી છે.
વર્ષ 2023માં વિશ્વની વસ્તીમાં 7.5 કરોડનો ઉમેરો થયો
અમેરિકન જનગણના બ્યુરો રિપોર્ટ મુજબ વર્ષ 2023માં વિશ્વની વસ્તીમાં 7.5 કરોડનો ઉમેરો થયો હતો. 2025ના પહેલા જ દિવસે સમગ્ર વિશ્વમાં પ્રતિ સેકન્ડ 4.2 જન્મ અને પ્રતિ સેકન્ડ 2.0ના મોતનું અનુમાન છે. બ્યુરો મુજબ વર્ષ 2024માં અમેરિકાની વસ્તી લગભગ 26 લાખ વધી છે. 2025ના પહેલા દિવસે અમેરિકાની કુલ વસ્તી લગભગ 34.1 કરોડ હશે. બ્યુરો મુજબ 2020થી લઈને અત્યાર સુધીમાં અમેરિકાની વસ્તીમાં 97 લાખનો ઉમેરો થયો છે. આમ અમેરિકાનો વસ્તીવૃદ્ધિ દર 2.9% રહ્યો છે.
ચીનને પછાડીને ભારત વસ્તી વધારામાં પહેલા નંબરે
વસ્તીની વાત કરીએ તો કેટલાય અનુમાનો મુજબ ભારત થોડા મહિના પહેલા આ મામલે ચીનને પછાડીને નંબર વન બની ગયું છે. ચીન લાંબા સમય સુધી એક નંબર પર હતું. આમ થવાનું કારણ ચીનની વન ચાઇલ્ડ પોલિસી હતી પણ હવે ચીને આ પોલિસી ત્યજી દીધી છે. આ વર્ષ વિશ્વની વસ્તી માટે યોગ્ય રહ્યું નથી. ઈઝરાયેલનું હમાસ અને અન્ય દુશ્મનો સાથે ચાલતા યુદ્ધ અને રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધે અનેક લોકોના જીવ લીધા છે. રશિયાના રાષ્ટ્રપતિ તેમની પ્રજાને વધુ બાળકોને જન્મ આપવા માટે પ્રોત્સાહિત કરતાં નજરે પડ્યા.
2025માં ઇસ્લામ પાળનારાની સંખ્યામાં ઝડપથી વધારો થશે
વૈશ્વિક વસ્તીની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને તેની સાથે વિવિધ ધર્મો પાળનારા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલમાં ખ્રિસ્તી ધર્મ પાળનારાઓની સંખ્યા સૌથી વધુ છે, બીજા ક્રમે ઇસ્લામ છે અને ત્રીજા ક્રર્મે હિંદુ ધર્મ આવે છે. તેમા ઇસ્લામ પાળનારાઓની સંખ્યા 2025માં બીજા ધર્મ કરતાં વધુ ઝડપે વધશે. આના પગલે નિષ્ણાતોનું કહેવું છે કે જો તેની આ જ ગતિ રહી તો ખ્રિસ્તી ધર્મ પાળનારાઓની સંખ્યા 2050 સુધી જ ટોચ પર રહેશે. તેના પછી ઇસ્લામ પાળનારાઓની સંખ્યા વધી જશે.
ખ્રિસ્તીઓની સંખ્યા 2010માં 2.16 અબજ હતી અને તે 2050 સુધીમાં 2.91 અબજ થઈ જાય તેમ મનાય છે. જ્યારે 2010માં ઇસ્લામ પાળનારાની સંખ્યા 1.5 અબજ હતી અને તે 2050 સુધીમાં 2.76 અબજ થઈ જાય તેમ મનાય છે. 2010 સુધીમાં હિંદુ ધર્મ પાળનારાની સંખ્યા 1.03 અબજ હતી અને તે 2050 સુધીમાં 1.38 અબજ થાય તેમ મનાય છે. 2060 સુધીમાં ઇસ્લામ પાળનારાની સંખ્યા ત્રણ અબજને વટાવી જશે તેમ મનાય છે.