'યુદ્ધ વિરામ' માટે વિશ્વે હમાસ પર દબાણ કરવું જોઈએ : નેતન્યાહૂ
- વાંધો બંધકોની મુક્તિ અંગે પડે તેમ છે
- હમાસ કહે છે : યુએસની પહેલાની દરખાસ્તો કશા પણ ફેરફાર વિના સ્વીકારાય તો યુદ્ધ વિરામ માટે અમે તૈયાર છીએ
તેલ અવીવ : ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ ગઇકાલે (ગુરુવારે) કહ્યું હતું કે, ગાઝામાં યુદ્ધ વિરામ સ્વીકારવા હમાસ ઉપર વિશ્વે દબાણ કરવું જોઈએ. તે સામે હમાસે કહ્યું હતું કે તે કોઈ નવી શરતો સિવાય અમેરિકાએ પહેલા કરેલી શાંતિ દરખાસ્ત સ્વીકારવા માટે તૈયાર છીએ.
બીજી તરફ અમેરિકાના મુખ્ય મંત્રણાકારનું સીઆઈએના વડા વિલિયમ બર્ન્સે ગત શનિવારે કહ્યું હતું કે, યુદ્ધ વિરામ માટેની નવી દરખાસ્તો થોડાએક દિવસોમાં જ રજૂ કરવામાં આવશે.
આ પૂર્વે જ ગત બુધવારે હમાસની શાંતિ મંત્રણા માટેની ટુકડીએ દોહામાં કતારી અને ઇજીપ્શ્યન મધ્યસ્થીઓને જણાવ્યું હતું કે તે તત્કાળ યુદ્ધ વિરામ માટે તૈયાર જ છે. પરંતુ તે યુદ્ધ વિરામ દરમ્યાન અમેરિકાએ પહેલા મુકેલી દરખાસ્તને કશા પણ ફેરફાર વિના સ્વીકારવા તૈયાર છે.
આ અંગે નેતન્યાહૂએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે આ દ્વારા હમાસ હકીકત ઉપર ઢાંક પિછાડો કરવા માગે છે અને બંધકોને મુકત કરવાની સમજૂતીને થંભાવી દેવા માગે છે. તે રીતે તે યુદ્ધ વિરામ દરખાસ્તમાં અવરોધ ઉભો કરવા માગે છે.
બર્ન્સે વધુમાં જણાવ્યું હતું કે, ઇઝરાયલે તો અમેરિકાએ રજૂ કરેલી શાંતિ દરખાસ્ત સ્વીકારવી હતી પરંતુ હમાસે તે ફગાવી દીધી ઉલટાની ૬ બંધકોની હત્યા કરી.
૧૧ મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધમાં શાંતિની વાત તો એક તરફ રહી પરંતુ બંને પક્ષો એક બીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે.