અંબાણી કરતા પણ મોંઘી પાર્ટી આપી હતી આ વ્યક્તિએ, વિરોધ થતાં દેશ છોડીને ભાગવું પડયું હતું
Most Expensive Party in the World: તાજેતરમાં જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંતના રાધિકા મર્ચન્ટ સાથેના લગ્ન ચર્ચામાં હતા. જેમાં લગભગ 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્ન કહી શકાય છે. પરંતુ આ પહેલા પણ વર્ષ 1971માં ઈરાનના છેલ્લા શાસક મોહમ્મદ રઝા શાહ પહેલવીએ એ સદીની સૌથી મોંઘી પાર્ટી આપી હતી.
પાર્ટીમાં આશરે રૂ. 5,000 કરોડનો ખર્ચ
કુલ $100 મિલિયન એટલે કે વર્તમાન સમયના રૂ. 5,000 કરોડની આસપાસ આ પાર્ટીમાં ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી ચાલેલી આ પાર્ટીમાં 65 દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને તેમના પ્રતિનિધિઓ એમ કુલ 600 લોકોએ હાજરી આપી હતી. જો કે, આ પાર્ટીમાં જો માત્ર પૈસા ખર્ચાયા હોત તો કોઈ સમસ્યા ન હતી. પરતું તેના પરિણામે રાજાશાહીનો અંત આવ્યો અને દેશ કાયમ માટે બદલાઈ ગયો આથી પણ આ પાર્ટી મોંઘી સાબિત થઈ હતી.
આટલી મોંઘી પાર્ટી શા માટે આપી?
આ વાત છે 1970ની જયારે ઈરાન પર મુહમ્મદ રઝા પહલવીનું શાસન હતું. તેનો હોદ્દો જળવાઇ રહે આથી પહેલવીને 'શાહોના શાહ' કહેવામાં આવતા હતા. તે સમયે ઈરાનના અમેરિકા સાથે સારા સંબંધ હતા. 1970માં ઈરાનને ખૂબ જ ઉદારવાદી માનવામાં આવતું હતું. શાહ હિજાબ જેવી પ્રથાનો વિરોધી હતો અને તે એવું પણ કહેતો કે પુરુષ ને સ્ત્રીની ક્ષમતા ભલે સમાન ન હોય પરંતુ કાયદાની નજરમાં મહિલાઓ સમાન હોવી જોઈએ.
શાહના શાસન દરમિયાન કેટલીક અન્ય સમસ્યાઓ પણ હતી. દેશમાં તેલના ભંડાર હતા. પરંતુ લોકો ગરીબીમાં જીવતા હતા. શાળા, હોસ્પિટલ સહિત તમામ સુવિધાઓનો અભાવ હતો. તેમ છતાં 1971 માં પર્સિયન સામ્રાજ્યને 2500 વર્ષ પૂરા થવાના હોવાથી પહલવીને એક જલસો એટલે કે પાર્ટીનું આયોજન કરવાનો વિચાર આવ્યો. આ જલસા આવતા વર્ષે યોજાવાનો હતો. પરંતુ તેની તૈયારીઓ માટે એક વર્ષનો સમય જરૂરી હતો.
આવી થયું હતું પાર્ટીનું આયોજન
આથી વિશ્વભરમાં આ પાર્ટીના ચર્ચા થાય તેવી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. પાર્ટી પર્શિયાના પ્રથમ સમ્રાટ સાયરસની કબર નજીક રણમાં યોજવામાં આવી. જેના માટે સાપ અને વીંછીઓથી ભરેલુ પર્સેપોલિસ નામના સ્થળે ત્રીસ કિલોમીટરનો વિસ્તારની સફાઈ કરાવીને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. તેમજ રાજધાનીથી પર્સેપોલિસ સુધી 600 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો હતો.
આ જગ્યા પર 50 ટેન્ટ બાંધવામાં આવ્યા, જેના માટે સિલ્ક વાપરવામાં આવ્યું. આ ટેન્ટમાં બે બેડરૂમ, બે બાથરૂમ અને એક સલૂન બનાવવામાં આવ્યું હતું. તેમજ ટેન્ટની વચ્ચે પાણીના ફુવારા લગાવવામાં આવ્યા હતા. લગભગ 10 હજાર વૃક્ષો રોપવામાં આવ્યા. તેમજ યુરોપમાંથી 50 હજાર ચકલીઓ કિલકિલાટ માટે લાવવામાં આવી હતી અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હવે જો આંતરિક વ્યવસ્થાની વાત કરવામાં આવે તો શાહે પેરિસની સૌથી મોંઘી રેસ્ટોરન્ટના બેસ્ટ શેફને તો સ્વિટ્ઝર્લેન્ડથી 200 વેઇટર્સને બોલાવ્યા હતા. તેમજ પેરિસથી એરલિફ્ટ કરીને ઈરાની સેનાની મદદથી 10,000 ગોલ્ડ પ્લેટેડ પ્લેટ મંગાવવામાં આવી હતી, જેનું વજન 150 ટન હતું.
આ પણ વાંચો: ઇમરાન ખાનનાં ઘરે આતંકીઓને ટ્રેનિંગ અપાઈ પેટ્રોલ બોમ્બથી સાજીશ રચાઈ : મરિયમ નવાઝ
આલીશાન પાર્ટીમાં આ મહેમાનોએ આપી હતી હાજરી
હવે મહેમાનોની વાત કરીએ તો તેમાં તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. બ્રિટનથી મહારાણી એલિઝાબેથના પતિ પ્રિન્સ ફિલિપ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ આ પાર્ટીમાં હાજરી આપી હતી. તો ભારત તરફથી આ સમારોહમાંતત્કાલિન રાષ્ટ્રપતિ વીવી ગિરીએ પણ હાજરી આપી હતી.ઈથોપિયાના રાજા હેઈલ સેલાસીને મુખ્ય મહેમાન હતા. પાર્ટીની તૈયારીઓ એટલે આલીશાન હતી કે મુખ્ય મહેમાનની સામે મૂકવામાં આવેલા ટેબલ પર ટેબલક્લોથનું ભરતકામ કરવામાં 125 મહિલાઓને 6 મહિનાનો સમય લાગ્યો હતો. તેમજ પાર્ટીના છેલ્લા દિવસે એક આતશબાજીનો શો પણ રાખવામાં આવ્યો હતો.
આટલી મોંઘી પાર્ટી આપવી મોંઘુ પડ્યું
આયાતુલ્લા ખોમેની શાહના સૌથી મોટા ટીકાકાર હતા. તેમજ આ પાર્ટી સમયે તે દેશની બહાર હતા. આયાતુલ્લા ખોમેનીએ પણ આ પાર્ટીને લઈને શાહ પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. શાહે ઉદારવાદી હોવાનો દાવો કર્યો હતો. આ પાર્ટીએ એક અસંવેદનશીલ શાસક તરીકે તેમની છબી વધુ મજબૂત કરી.
આ પણ વાંચો: પ્રી-પોલ સર્વેમાં કમલા હેરિસ ટ્રમ્પ કરતાં 2 પોઇન્ટ આગળ : કમલા 44 : ટ્રમ્પ 42 પોઇન્ટ
ત્રણ દિવસ સુધી ચાલેલી આ શાહી પાર્ટી પછી જ્યારે મહેમાનો ગયા, ત્યારે મીડિયામાં તેની કિંમત વિશે અહેવાલો આવ્યા. જેના કારણે લોકોમાં શાહ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો. 1979 સુધીમાં પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે શાહને તેના પરિવાર સાથે દેશ છોડીને ભાગી જવું પડ્યું. 1971 માં તેમના દ્વારા આયોજિત પાર્ટીએ ડોમિનો ઇફેક્ટનું સ્વરૂપ લીધું અને પહલવી રાજાશાહીનો અંત આવ્યો. આ પછી આયાતુલ્લા ખોમેની ઈરાન પરત ફર્યા અને ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકની સ્થાપના થઈ. આમ આ પાર્ટી ઈતિહાસની સૌથી મોંઘી પાર્ટી બની.