Get The App

ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અંગે વિશ્વ નેતાઓના વિવિધ પ્રત્યાઘાતો

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અંગે વિશ્વ નેતાઓના વિવિધ પ્રત્યાઘાતો 1 - image


- ચીનને મુશ્કેલી લાગે છે : શી જીનપિંગ ઘણા નારાજ છે

- વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો ડોનાલ્ડ ટ્રમ્પને ગાઢ મિત્ર માને છે, પુતિન શાંતિ માટેનો માર્ગ ખુલશે તેમ માને છે : ઝેલેન્સ્કી ધૂંધવાઈ રહ્યા છે

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ પદ માટેની મત ગણતરી હજી સંપૂર્ણ થઈ ન હતી ત્યાં, ડોનાલ્ડ ટ્રમ્પની અસામાન્ય લીડ જોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓને અભિનંદનો આપ્યા. ઉત્તરમાં ટ્રમ્પે કહ્યું હતું, તમારા જેવા મિત્ર હોવા તે એક સદ્ભાગ્ય છે. આમ ટ્રમ્પના વિજય પછી તેઓને સૌથી પહેલા અભિનંદનો આપનાર નરેન્દ્ર મોદી હતા.

હવે જોઈએ : વિવિધ દેશોના નેતાઓના પ્રત્યાઘાતો :

(૧) પ્રમુખ પુતિન : દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી દાયકાઓ સુધી અમેરિકાના કટ્ટર વિરોધી અને સ્પર્ધક રશિયાના વલણમાં જબરજસ્ત પરિવર્તન, ટ્રમ્પના વિજય સાથે આવ્યું છે. પ્રમુખ પુતિન ટ્રમ્પના વિજયને યુક્રેન સાથેની શાંતિ મંત્રણાનો માર્ગ સરળ થવાની આશા રાખે છે. સાથે રશિયા પર મુકાયેલ પ્રતિબંધો હળવા થવાની પણ આશા રાખે છે. ટ્રમ્પના વિજય પછી લગભગ તુર્ત જ તેઓને અભિનંદન આપનારા પુતિન હતા.

(૨) જ્યોર્જીયા મેલોની : મેલોની પોતાને મજબુત પ્રો. એટલાન્ટિક લીડર માને છે. તેઓના એલન મસ્ક સાથે ઘણા સારા સંબંધો છે. મસ્ક તો ટ્રમ્પના મજબૂત ટેકેદાર છે. તેથી ઇટાલીના વડાપ્રધાન મેલોની ટ્રમ્પના વિજયથી ઘણા ખુશ છે. નાટો, યુએસ અને વ્હાઈટ હાઉસ વચ્ચે સંબંધો જરા વણસ્યા હતા. તેમાં મેલોની પોતાને બ્રીજ સમાન રાખશે તેમ મનાય છે.

(૩) બેન. નેતાન્યુહૂ : બેન્જામિન નેતાન્યુહૂના વિદાય થતા પ્રમુખ જો બાયડેન સાથેના સંબંધો છેલ્લે છેલ્લે વણસ્યા હતા. પરંતુ ટ્રમ્પ તો ઇઝરાયલને દરેક પ્રકારની પુરેપુરી સહાય કરવા પ્રતિબદ્ધ છે. તેથી બેન્જામિન નેતાન્યુહૂ ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ખુશ થાય તે સહજ છે.

(૪) અરબસ્તાન : ડી ફેકટો-રૂલર ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સાલેમ ઇઝરાયલની (નેતાન્યુહૂ) સાથેની ટ્રમ્પની ઘનિષ્ટતા છતાં ટ્રમ્પના વિજયથી ખુશ થયા છે. તેઓ માને છે કે ઇઝરાયલ- હમાસ વચ્ચેની શાંતિ મંત્રણામાં ટ્રમ્પ મહત્વની ભૂમિકા ભજવી શકશે.

ઓસ્ટ્રિયા : નેપોલિયનના પરાજય પછી ૧૯મી સદીના પૂર્વાર્ધમાં સમય એક એવો હતો કે ઓસ્ટ્રિયા તેના વડાપ્રધાન પ્રિન્સ મેટરનિયની યુરોમાં રાજકારણમાં હાક વાગતી હતી ફ્રાંસ, જર્મની અને રશિયાના નેતાઓ ઝાર એલેકઝાન્ડર-૧નો) મેટરનિયની સલાહ અનુસરતા હતા અત્યારે પણ તેનું પાટનગર વિયેના (સાચુ નામ વિયેત છે) આંતરરાષ્ટ્રીય પરમાણુ કમિશનનું મુખ્ય મથક છે. તેના વર્તમાન વડાપ્રધાન વિકટર ઓર્બાન કટ્ટરપંથી જમણેરી છે. તેઓ ટ્રમ્પના વિજયથી રાજીરાજી થઈ ગયા છે. તેઓ તો પોતાને યુરોપમાં ટ્રમ્પના પ્રતિનિધિ માને છે. તેઓને આશા છે કે ટ્રમ્પ યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત લાવી દેશે.

ઉત્તર કોરિયા : ઉત્તર કોરિયાના પ્રમુખ કીમ જોંગ ઉે તો ટ્રમ્પના આ પૂર્વેના શાસનકાળ સમયે તેઓની સાથે પરમાણુ શસ્ત્રો અને મિસાઇલ્સની સંખ્યાને કેન્દ્રમાં રાખી મંત્રણા કરી હતી. મંત્રણા લગભગ શુભ પરિણામ સુધી પહોંચે તે પૂર્વે જ તે અધૂરી રાખી કીમના બહેન કીમને પ્યોગ્યાંગ પાછા લઈ ગયા. આમ છતાં ઉનને આશા છે કે ટ્રમ્પ આવવાથી મંત્રણા આગળ વધી શકે. કોઈ મધ્યમ માર્ગ નીકળી પણ શકે.

ઈરાન : ટ્રમ્પના વિજયે ઇરાનના પેટમાં તેલ રેડયું છે. તેના પ્રમુખ મસૌદ પેઝેરકીયાને ટ્રમ્પના વિજયને મહત્વ આપ્યું જ નથી. ઇઝરાયેલને ટ્રમ્પે જાહેર કરેલા સંપૂર્ણ સમર્થનથી તેઓ નારાજ છે. તેઓ જાણે છે કે ઇરાનના પરમાણુ તેમજ મિસાઇલ કાર્યક્રમના ટ્રમ્પ વિરોધી છે.

યુક્રેન : ઝેલેન્સ્કી નારાજ થાય તે સહજ છે. ટ્રમ્પે પહેલેથી જ કહ્યું છે કે તે યુક્રેનને શસ્ત્રો કે ધન નહીં આપે.

ચીન : વિશ્વની પ્રથમ સત્તા સામે સ્પર્ધામા ઊભેલું ચીન અમેરિકાનું કટ્ટર વિરોધી છે. ટ્રમ્પ તાઇવાનને પૂરી મદદ કરશે તે એ જાણે છે. શી જીનપિંગને ચિંતા તે છે કે સમગ્ર દક્ષિણ ચીન ઉપર તેણે કરેલો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ ચોક્કસ પડકારશે. તેઓ પરમાણુ યુદ્ધની ધમકીથી ડરે તેવા નથી. બીજું જો બાયડેનની નીતિથી તદ્દન વિરુદ્ધ જઈ ટ્રમ્પે ચીનથી આયાત થતા માલ ઉપર સીધી ૬૦%ની આયાત ડયુટી નાખવાનું જણાવી દીધું છે. જો આમ થાય તો ચીનને ભારે મોટો ફટકો પડે તેમ છે.

શી જીનપિંગે ટ્રમ્પને અભિનંદન તો પાઠવ્યા છે. પરંતુ તે તો સહજ રીતે થતી રાજદ્વારી ગતિવિધિ છે. વાસ્તવમા શી જીનપિંગ અદરથી ટ્રમ્પના વિજયથી ઘણા નારાજ છે. તેમાંએ નરેન્દ્ર મોદી સાથેની નિકટતાએ તેમના પેટમાં તેલ રેડયું છે.


Google NewsGoogle News