ઈઝરાયેલ પર હમાસનો હુમલો, દુનિયા હેરાન છે કે મોસાદને આટલા મોટા પાયે થતી તૈયારીઓની ગંધ ના આવી

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
ઈઝરાયેલ પર હમાસનો હુમલો, દુનિયા હેરાન છે કે મોસાદને આટલા મોટા પાયે થતી તૈયારીઓની ગંધ ના આવી 1 - image


Image Source: Twitter

તેલ અવીવ, 8 ઓકટોબર 2023

હમાસે ઈઝરાયેલ પર કરેલા હુમલા બાદ ઈઝરાયેલે વળતો પ્રહાર શરુ કરી દીધો છે. જોકે ઈઝરાયેલને આટલા મોટા પાયે થનારા હુમલાની તૈયારીઓની ગંધ પણ ના આવી તે જોઈને દુનિયા આખી હેરાન છે.

કારણકે ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ પોતાના કારનામાઓ અને જાસૂસી નેટવર્ક માટે આખી દુનિયામાં પંકાયેલી છે. ઈઝરાયેલ પર થયેલો હુમલો મોસાદની પણ નિષ્ફળતા હોવાનુ મનાઈ રહ્યુ છે. ઈઝરાયેલ પાસે મોસાદ ઉપરાંત ઘરેલુ જાસૂસી સંસ્થા સિન બેટ અને મિલટરી ઈન્ટેલિજન્સનુ પણ નેટવર્ક છે. આમ છતા હમાસના સેંકડો આતંકવાદીઓ હથિયારો સાથે સીમા પાર કરીને શનિવારે ઈઝરાયેલમાં ઘૂસી આવ્યા હતા અને તેમણે રહેણાંક વિસ્તારોમાં હાહાકાર મચાવ્યો હતો.

એ પહેલા હમાસે ઈઝરાયેલ પર 5000 જેટલા રોકેટો ફાયર કરીને ઈઝરાયેલનુ ધ્યાન ભટકાવ્યુ હતુ. જેના કારણે હમાસના આતંકીઓએ ઈઝરાયેલના નાગરિકો પર હુમલા કરીને 300 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હજી પણ 22 જેટલી જગ્યાઓ પર ઈઝરાયેલની સેનાની આતંકીઓ સાથે અથડામણ ચાલી રહી છે.

મોસાદને જોકે આ હુમલાની ભનક લાગી નહોતી.ઈઝરાયેલ પાસે અખાતી દેશોમાં સૌથી શક્તિશાળી ઈન્ટેલિજન્સ નેટવર્ક છે. મોસાદ પાસે અખાતી દેશોમાં બાતમીદારો છે. આ પહેલા મોસાદને ઘણી મહત્વની જાણકારીઓ એડવાન્સમાં મળી જતી હતી.

ઈઝરાયેલે બોર્ડર પર કેમેરા, ગ્રાઉન્ડ મોશન સેન્સર લગાડેલા છે.નિયમિત રીતે સૈનિકો પેટ્રોલિંગ કરતા હોય છે. કાંટાળા તારની વાડ પણ સરહદ પર ઉભી કરવામાં આવી છે. આમ છતા હમાસના આતંકીઓ ઈઝરાયેલમાં કાંટાળી તાર કાપીને ઘૂસી ગયા હતા. કેટલાક દરિયાઈ માર્ગે આવ્યા હતા તો કેટલાકે પેરા ગ્લાઈડરથી ઉડાન ભરીને ઈઝરાયેલમાં પ્રવેશ કર્યો હતો.

આમ હમાસે અસાધારણ કો ઓર્ડિનેશન દાખવીને ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલમાં સવાલ પૂછાઈ રહ્યો છે કે, આટલુ બધુ પ્લાનિંગ થયા પછી પણ કેમ સરકારને આ બાબતની ગંધ ના આવી...

આ બાબતની તપાસ થશે પણ ત્યારે તો ઈઝરાયેલને પોતાના દેશમાં ઘૂસી ગયેલા હમાસના આતંકીઓને શોધીને ખતમ કરવા પડશે અને જે નાગરિકોનુ હમાસના આતંકીઓ અપહરણ કરી ગયા છે તેમને છોડાવવા પડશે. આ પણ બહુ મોટો પડકાર છે.



Google NewsGoogle News