આગામી વર્ષોમાં 100 કરોડ લોકો બહેરાશથી પીડાશે, તમને પણ આવી કુટેવ હોય તો ચેતી જજો
Image Source: Freepik
World Health Organisation On Deafness: તમે મેટ્રો, ટ્રેન, પાર્ક કે અન્ય કોઈપણ જાહેર સ્થળોએ લોકોને કાનમાં ઈયરબડ લગાવીને આસપાસના માહોલથી સાવ અજાણ રહેતા જોયા જ હશે. ઘણી વખત તેમની આસપાસ કોઈક ઘટના ઘટી રહી હોય છે પરંતુ તેનો અવાજ પણ તેમના કાન સુધી નથી પહોંચતો. આ તો ઈયરફોન, ઈયરબડ કે હેડફોન જેવા ડિવાઈસનો સતત ઉપયોગ કરવાની આદતના કારણે તેમની આ સ્થિતિ હોય છે. કલ્પના કરો કે, ભવિષ્યમાં લોકો ખરેખર બહેરા થઈ જશે તો? લોકો એક સાથે બેઠા હશે પરંતુ એકબીજાની વાતો જ ન સાંભળી શકશે તો શું થશે? આ વિચારીને ભલે તમને ડર લાગી રહ્યો હશે પરંતુ આ હકીકત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી થોડા જ વર્ષમાં દુનિયાભરમાં 100 કરોડથી વધુ લોકો બહેરા થઈ શકે છે અને તેની પાછળ કોઈ મહામારી નહીં પરંતુ લોકોની કુટેવો જવાબદાર હશે.
WHOની મેક હિયરિંગ સેફ ગાઈડલાઈન્સમાં એક અંદાજ લગાવવામાં આવ્યો છે કે, 2050 સુધીમાં વિશ્વભરમાં 100 કરોડથી વધુ યુવાનો બહેરાશથી પીડાશે. આ યુવાનોની ઉંમર પણ 12 થી 35 વર્ષની વચ્ચે હશે. ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું છે કે, આવું આપણી લિસનિંગ ડિવાઈસના બેફામ ઉપયોગની કુટેવના કારણે થશે.
આ શોખ પડી રહ્યો છે ભારે
ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં 12 થી 35 વર્ષના લગભગ 50 કરોડ લોકો વિવિધ કારણસર ન સાંભળવાની અથવા બહેરાશની સમસ્યાથી પીડિત છે. તેમાંથી 25% એવા લોકો છે જે તેમના અંગત ડિવાઈસ જેવા કે ઈયરફોન, ઈયરબડ, હેડફોન પર ખૂબ જ મોટા અવાજે સતત કંઈક ને કંઈક સાંભળવા ટેવાયેલા છે. જ્યારે લગભગ 50% લોકો એવા છે કે જેઓ લાંબા સમય સુધી મનોરંજનના સ્થળો પર વાગતા લાઉડ મયૂઝિક, ક્લબ, ડિસ્કોથેક, સિનેમા, ફિટનેસ ક્લાસ, બાર અથવા અન્ય જાહેર સ્થળો પર વાગતા લાઉડ સાઉન્ડના સંપર્કમાં રહે છે. આવી સ્થિતિમાં લાઉડ મ્યુઝિક સાંભળવાનો શોખ અથવા ઈયર ડિવાઈસનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે.
ડિવાઈસોનું વોલ્યૂમ કેટલું હોય છે?
સામાન્ય રીતે પર્સનલ ડિવાઈસોમાં વોલ્યુમનું સ્તર 75 ડેસિબલથી 136 ડેસિબલ સુધી હોય છે. અલગ-અલગ દેશોમાં તેનું મહત્તમ સ્તર અલગ પણ હોઈ શકે છે. જો કે, યૂઝર્સે પોતાના ડિવાઈસનો વોલ્યુમ 75 ડીબીથી 105 ડીબીની વચ્ચે રાખવો જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ. આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે.
કેટલું વોલ્યૂમ હોય છે સેફ?
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ નવી દિલ્હીમાં ઈએનટીના પ્રોફેસર રહેલા ડો. બીપી શર્માએ જણાવ્યું કે, ડિવાઈસોમાં આવતા વોલ્યૂમ પણ ખૂબ જ વધારે હોય છે. કાન માટે સૌથી સુરક્ષિત વોલ્યૂમ 20 થી 30 ડેસિબલ છે. આ એ વોલ્યુમ છે જેમાં બે લોકો સામાન્ય રીતે બેસીને શાંતિથી વાત કરે છે. વધુ પડતા અવાજના સતત સંપર્કમાં રહેવાથી કાનની સેન્સરી સેલ્સને નુકશાન થવા લાગે છે.
અવાજના કારણે આવેલી બહેરાશ સારી નથી થતી
તેમણે જણાવ્યું કે, સૌથી ખરાબ વાત એ છે કે, ડિવાઈસોના ઉપયોગથી આવેલી બહેરાશ ક્યારેય સારી નથી થતી. સતત અને લાંબા સમય સુધી લાઉડ સાઉન્ડમાં રહેવાના કારણે હાઈ ફ્રીક્વેન્સીની નર્વ ડેમેજ થઈ જાય છે. તે રિવર્સિબલ નથી થતી. ન તો તેની કોઈ સર્જરી થાય છે અને ન તો તેની કોઈ મેડિસિન હોય છે કે તેનાથી નર્વને ઠીક કરી શકાય. તેથી પ્રિવેન્સન જ બહેરાશથી બચવાનો એકમાત્ર ઈલાજ છે.