દુનિયાભરમાં ક્રિસમસની ઉજવણી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મસ્થળ બેથલહેમમાં સન્નાટો, આવુ છે કારણ
image : twitter
બેથલહેમ,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર
આખી દુનિયા ક્રિસમસની ઉજવણી કરી રહી છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મસ્થાન બેથલહેમમાં સન્નાટો પથરાયેલો છે.
સદીઓ બાદ એવુ થયુ છે કે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મસ્થાન પર ક્રિસમસના તહેવારમાં કોઈ ઉજવણી નથી થઈ રહી. અહીંયા કોઈ ટુરિસ્ટ પણ દેખાઈ રહ્યો નથી. આખુ બેથલહેમ વેરાન થઈને પડ્યુ છે. જોકે આ પ્રકારના માહોલનુ કારણ શું છે તે પણ જાણવા જેવુ છે.
સામાન્ય સંજોગોમાં ઈસુ ખ્રિસ્તનુ જન્મસ્થળ ક્રિસમસના દિવસે હજારો પર્યટકોથી ઉભરાતુ હોય છે. લોકો આ દિવસે ચર્ચ ઓફ ધ નેટિવિટી જોવા માટે ઉમટી પડતા હોય છે. કારણકે ખ્રિસ્તી લોકો માને છે કે, આ એ જ જગ્યા છે જ્યાં પ્રભુ ઈસુનો જન્મ થયો હતો. ક્રિસમસના દિવસે તો બેથલહેમમાં ચહલ પહલ હોય છે પણ હમાસ અને ઈઝરાયેલના યુધ્ધે આ પવિત્ર જગ્યાની ચમક ઝાંખી પાડી દીધી છે. બેથલહેમમાં ચારે તરફ સન્નાટો છે અને પ્રભુ ઈસુનો જ્યાં જન્મ થયો હોવાનુ મનાય છે તે ચર્ચામાં પણ કોઈ પ્રકારનુ ડેકોરેશન કરવામાં આવ્યુ નથી. કોઈ ક્રિસમસ ટ્રીને પણ શણગાર કરવામાં આવ્યો નથી.
યુધ્ધના કારણે પર્યટકો અને યાત્રાળુઓ ડરી ગયા હોવાથી આ જગ્યા પર હોટલો, રેસ્ટોરન્ટ, દુકાનોમાં પણ કોઈ દેખાઈ રહ્યુ નથી. દુનિયામાંથી લોકો અંહીયા આવતા ડરી રહ્યા છે. વેપારીઓનુ કહેવુ છે કે, અમારી પાસે કોઈ મહેમાન નથી અને અત્યાર સુધીમાં અમે જોયેલી સૌથી ખરાબ ક્રિસમસ છે.
પહેલી વખત આ સ્થળે કોઈ ખુશીનો માહોલ નથી. સજાવટ કરેલુ ક્રિસમસ ટ્રી પણ દેખાઈ રહ્યુ નથી.
બેથલહેમ શહેર જેરુસલેમની દક્ષિણમાં આવેલુ છે અને આ શહેરના મોટા ભાગના લોકો દુનિયાભરમાંથી આવતા પર્યટકો પર નિર્ભર રહેતા હોય છે. ઈઝરાયેલ અને હમાસનો જંગ શરુ થયો તે પહેલા તો અહીંની હોટલોમાં ક્રિસમસ માટે બૂકિંગ પણ થઈ ગયા હતા અને હોટલોમાં જગ્યા નહોતી ત્યારે હવે યુધ્ધ શરુ થતા જ તમામ બૂકિંગ કેન્સલ થઈ ગયા છે.