ચીન સાથે સરહદની સુરક્ષા મુદ્દે કોઈ સમાધાન નહીં, જયશંકરે ફરી ચીન પર કર્યા પ્રહારો
image : Twitter
કુઆલાલમ્પુર,તા.28 માર્ચ 2024,ગુરૂવાર
ફિલિપાઈન્સ બાદ મલેશિયાની મુલાકાતે પહોંચેલા ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એક વખત ચીન પર નિશાન સાધ્યુ છે.
તેમણે મલેશિયામાં પ્રવાસી ભારતીયો સાથેની વાતચીત દરમિયાન ચીન અને ભારત વચ્ચેના સબંધોના સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે, ચીન લાંબા સમયથી ભારત સાથે થયેલા કરારનુ પાલન કરવામાં નિષ્ફળ પૂરવાર થયુ છે.ભારત માટે પોતાની સીમાઓની સુરક્ષા સર્વોપરી છે અને આ મુદ્દે ભારત ચીન સાથે કોઈ પ્રકારનુ સમાધાન નહીં કરે.
ડો.જયશંકરે કહ્યુ હતુ કે, ભારત અને ચીન વચ્ચેના સબંધો બહુ જટિલ છે.2020માં ચીને સરહદ માટે બંને દેશો વચ્ચે થયેલા કરારનો ભંગ કર્યો હતો.ચીને આવુ કેમ કર્યુ તે હજી પણ સ્પષ્ટ થયુ નથી પણ બંને દેશોની સેના વચ્ચે લોહીયાળ અથડામણ થઈ હતી તે હકીકત છે.ભારતના લોકો પ્રત્યે મારી પહેલી ફરજ મારા દેશની સીમાની સુરક્ષા કરવાની છે.આ મુદ્દે હું ક્યારેય કોઈ સમાધાન કરી શકું નહીં.
તેમણે આગળ કહ્યુ હતુ કે, ગલવાનમાં 2020માં થયેલી અથડામણ બહુ ગંભીર હતી.અમે હજી પણ ચીન સાથે વાતચીત કરી રહ્યા છે.ચીનના વિદેશ મંત્રી સાથે હું વાત કરુ છું અને સમયાંતરે તેમને રુબરુ પણ મળુ છું.બંને દેશોના સૈન્યના અધિકારીઓ પણ એક બીજા સાથે વાટાઘાટો કરે છે પણ ભારતનુ માનવુ છે કે, ચીન અને ભારત વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલ પર બંને દેશો સૈન્ય તૈનાત નહીં કરે.બંને દેશોની સેના પરંપરાગત રીતે લાઈન ઓફ એક્ચ્યુલ કંટ્રોલથી દૂર જ્યાં તૈનાત થતી આવી છે ત્યાં જ તૈનાત રહે તો જ સ્થિત સામાન્ય થશે તેવુ મારુ માનવુ છે.
વિદેશ મંત્રી જયશંકર બે દિવસની મલેશિયાની મુલાકાતે છે.તેમણે મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથે પણ મુલાકાત કરી હતી.