600 રૂપિયાની સેન્ડવીચ અને 6 લાખ રૂપિયાથી વધુની ટિપ્સ! મામલો પહોંચ્યો બેન્કમાં, જાણો પછી શું થયું?
અમેરિકામાં એક ગ્રાહકે આશરે 600 રૂ.ની એક સેન્ડવિચ માટે ભૂલથી આશરે 6 લાખ રૂપિયાથી વધુની રકમ ટિપમાં આપી
બેન્ક સાથે મહિલા ગ્રાહકની લડાઇ લગભગ એક મહિના સુધી ચાલી
US Woman Pays ₹5 Lakh Tip : અમેરિકામાં એક ગ્રાહકે આશરે 600 રૂ.ની એક સેન્ડવિચ માટે ભૂલથી આશરે 6 લાખ રૂપિયાથી વધુની રકમ ટિપમાં આપી દીધી. અહેવાલ અનુસાર બન્યું એમ કે વેરા કોનર નામની એક ગ્રાહકે 23 અોક્ટોબરે એક સ્થાનિક સબ વે આઉટલેટ પર સલામી, પેપરોની અને હેમનું એક ઈટાલિયન સેન્ડવિચ ઓર્ડર કર્યો હતો. જેની કિંમત આશરે 7.54 ડૉલર થતી હતી પણ પેમેન્ટ કરતી વખતે તેણે ભૂલથી 7015.44 ડૉલર (આશરે 6 લાખ રૂ.)ની ચૂકવણી કરી દીધી.
શું કહ્યું કે મહિલા ગ્રાહકે?
કોનરે આ પેમેન્ટ બેન્ક ઓફ અમેરિકાના ક્રેડિટ કાર્ડથી કરી હતી. ચૂકવણી કરતી વખતે તેણે ભૂલથી પોતાના મોબાઈલ નંબરના 6 આંકડા નાખી દીધા હતા. તેને એવું લાગ્યું કે તેને સબ વે લોયલ્ટી પોઇન્ટ મળ્યા છે. તેણે દાવો કર્યો કે સ્ક્રીન બદલાઈ ગઇ હશે અને રકમને ટિપમાં બદલી દેવામાં આવી.
ભૂલની ખબર ક્યારે પડી?
જ્યારે સપ્તાહના અંતે ક્રેડિટ કાર્ડની વિગતો ચેક કરી તો બિલ જોઈને તે ચોંકી ગઈ. તેણે વિચાર્યું કે હે ભગવાન આ કઈ રીતે થયું? કોનર કહે છે કે જ્યારે તેણે સબ વેની રિસિપ્ટ જોઇ તો ચોંકી ગઈ. તેને રિસિપ્ટ પર છપાયેલા આંકડા જોઈને ભૂલ સમજાઇ. પછી જોયું કે આ તેના મોબાઈલ નંબરના 6 આંકડા છે જેને ટિપમાં કન્વર્ટ કરી દેવાયા હતા.
બેન્કે શું કહ્યું?
કોનરે જ્યારે આ મામલે બેન્ક ઓફ અમેરિકાને જાણ કરી તો ત્યાંથી રકમ પાછી આપવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો. ત્યાર પછી તે સબ વે પહોંચી પણ ત્યાંના મેનેજરે કહ્યું કે આ મામલે બેન્ક જ કેસનો નિકાલ લાવશે. કોનર કહે છે કે બેન્ક હંમેશા કહે છે કે ડેબિટની જગ્યાએ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો. મને બેન્ક પર ગુસ્સો આવે છે કે તેમણે કેમ ન વિચાર્યું કે સબ વેમાં 7000 ડૉલરની ચૂકવણી શંકાસ્પદ છે? જોકે પછીથી તેમણે ફરી બેન્કમાં ફરિયાદ કરી અને આખરે મહિનાની લાંબી લડત બાદ બેન્કે અસ્થાઈ રીતે આ રકમ તેમના એકાઉન્ટમાં જમા કરી દીધી છે અને સબ વેને આ રકમ પરત કરવા કહ્યું છે. જેણે સંમતિ આપી છે.