ટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
ભારતના આંધપ્રદેશમાં કૃષ્ણા જિલ્લાના પામરું ગામ સાથે સંબંધ ધરાવે છે
ટ્રમ્પ સરકારમાં તેના પતિ જેડી વેંસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બનવાના છે
ન્યૂયોર્ક,૭ નવેમ્બર,૨૦૨૪,ગુરુવાર
ટ્રમ્પની જીત પછી સમર્થકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. દેશ અને દુનિયામાંથી અભિનંદનના સંદેશા મળી રહયા છે. ભારતીય મૂળ ધરાવતા ઉમેદવાર કમલા હેરિસનો પરાજય થયો છે. ટ્રમ્પની જીત પછી વધુ એક ભારતીય મહિલા ચર્ચામાં આવી છે. આ મહિલાનું નામ ઉષા ચિલુકુરી છે. ઉષા ટ્રમ્પ સરકારના સંભવિત ઉપ રાષ્ટ્રપતિ જેડી વેંસના પત્ની છે. ઉષા વેંસ ભારતના આંધપ્રદેશમાં કૃષ્ણા જિલ્લાના પામરું ગામ સાથે સંબંધ ધરાવે છે. પિતાનું નામ રાધાકૃષ્ણ અને માતાનું નામ લક્ષ્મી છે. માતા પિતા વર્ષો પહેલા અમેરિકામાં રોજગાર અર્થે ભારતથી આવ્યા હતા.
ઉષાનો જ્ન્મ અમેરિકામાં થયો છે અને તેનું બાળપણ સેનડિઆગોમાં પસાર થયું છે. માઉન્ટ કાર્મેસ સ્કૂલમાં સ્ટડી કર્યા પછી યેલ યુનિવર્સિટીમાં હિસ્ટ્રી વિષયમાં બીએ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મોર્ડન હિસ્ટ્રી વિષય પર એમ ફિલ થયા છે. આ ઉપરાંત એલએલબી અને કેમ્બ્રિજમાં જ દર્શનશાસ્ત્ર વિષય પર પોસ્ટ ગ્રેજયુએશન કર્યુ છે. જેડી વેંસ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ બનવાના છે ત્યારે તે અમેરિકામાં ભારતીય મૂળની પ્રથમ સેકન્ડ લેડી બનશે. ભારતીય સમુદાયના લોકો માટે આ અનોખી ઐતિહાસિક ઘડી છે. જેડી વેંસે અમેરિકાના રાજકારણમાં પોતાની આગવી છાપ છોડી છે ત્યારે ઉષા ચિલુકુરી વેંસ પણ ચર્ચામાં આવી છે.
તેનું નામ અમેરિકાના રાજકારણમાં ખૂબજ ઝડપથી ઉભરી રહયું છે. વ્યવસાયે વકિલ ઉષાની જેડી વેંસ સાથે પ્રથમ મુલાકાત યેલ લૉ સ્કૂલમાં થઇ હતી. ૨૦૧૪માં બંનેએ કેંટકીમાં એક મંદિરમાં હિંદુ રિતિ રિવાજથી લગ્ન કર્યા હતા. વેંસ અને ઉષાને ત્રણ સંતાનો છે. બે પુત્રો જેમના નામ ઇવાન અને વિવેક જયારે એક પુત્રી જેનું નામ મિરાબેલ છે. પતિ જેંડી વેન્સ હિંદુ ધર્મનું પાલન કરે છે જયારે પતિ ઇસાઇ ધર્મ પાળે છે. પતિ જેડી વેન્સ પત્ની ઉષાને આધ્યાત્મિક ગુરુ માને છે.
વેંસની પ્રગતિમાં ભારતીય મૂળની પત્ની ઉષાનું ખૂબ મોટું યોગદાન
ચુંટણી પરિણામો પછી જેંડી વેંસે પોતાની ભારતીય અમેરિકી પત્ની ઉષા ચિલુકરી વેંસનો આભાર માનતા એકસ પર લખ્યું હતું કે ધન્યવાદ, મારી ખૂબસૂરત પત્નીને જેને આ (વિજય) સંભવ બનાવ્યો છે. વેંસ ઓહાયોથી સેન્ટર તરીકે પ્રથમ સાવર્જનિક પદ શરુ કર્યા પછી ૫૦માં ઉપ રાષ્ટ્રપતિ બનવામાં છે. વેંસની પ્રગતિમાં ભારતીય મૂળની પત્ની ઉષાનું ખૂબ મોટું યોગદાન છે.
નવાઇની વાત તો એ છે કે એક સમયે જેડી વેન્સ ટ્રમ્પના કટ્ટર વિરોધી હતા. એક વાર તો તેમને સાંસ્કૃતિક નાયિકા પણ કહયા હતા. ધીમે ધીમે વેંસમાં પરિવર્તન આવ્યું અને કટ્ટર વિરોધીના પ્રતિપાત્ર બની ગયા. ઓહાયોમાં રિપબ્લીકન પ્રાઇમરીને સુરક્ષિત કરવામાં અને સીનેટની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં વેેંસ અને ભારતીય પત્ની ઉષાનો પણ દબદબો રહેશે.