VIDEO : લાખોના ઘરેણાં જાહેરમાં પડી રહ્યાં તોય કોઈએ ના ઉપાડ્યા... શહેરની ઇમાનદારીથી લોકો હેરાન
Image Source: Instagram
Gold Jewellery On Busy Road In UAE: લાખોના ઘરેણાં જાહેરમાં પડી રહ્યા તો પણ કોઈએ તેને હાથ પણ ન લગાડ્યો, આ વાત સાંભળવામાં ચોંકાવનારી લાગે છે પરંતુ આ હકીકત છે. તાજેતરમાં જ સોશિયલ એક્સપેરિમેન્ટનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આવો જ નજારો જોવા મળ્યો છે.
આ સોશિયલ એક્સપેરિમેન્ટમાં એક મહિલાએ કારના બોનેટ પર લાખોના ઘરેણાં મૂકી દીધા અને ત્યાં એક હિડન કેમેરો લગાવી દીધો. એક કલાકમાં સેંકડો લોકોની નજર આ ઘરેણાં પર પડી પરંતુ કોઈએ તેને સ્પર્શ પણ ન કર્યા. મહત્ત્વની વાત એ છે કે, જ્યારે એક ઘરેણું નીચે પડી ગયું તો ત્યાંથી પસાર થતી એક છોકરીએ તેને ઉપાડીને પાછું મૂકી દીધું. આ જોઈને એક્સપેરિમેન્ટ કરી રહેલી મહિલા પણ હેરાન રહી ગઈ.
દુબઈની સુરક્ષા પર વિશ્વાસ
આ વીડિયો દુબઈનો છે, જે દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંથી એક ગણાય છે. ક્રાઇમ ઍન્ડ સેફ્ટી ઇન્ડેક્સ 2024 પ્રમાણે દુબઈનું નામ વિશ્વના પાંચ સૌથી સુરક્ષિત શહેરોમાં સામેલ છે. Numbeoના 2024ના આંકડા પ્રમાણે દુબઈમાં ગુનાખોરીનો દર ખૂબ જ ઓછો છે અને તેનો સુરક્ષા સ્કોર ઘણો ઊંચો છે. હવે આ વાયરલ વીડિયો આ દાવાઓને સાચા સાબિત કરે છે.
વીડિયો પર યુઝર્સની પ્રતિક્રિયા
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર leylafshonkar નામના એકાઉન્ટમાંથી શેર કરવામાં આવ્યો છે અને અત્યાર સુધી 80 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો પર લોકો અનેક મજેદાર અને રસપ્રદ કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો: બોલિવૂડમાં ફેમસ કપૂર ખાનદાનનો લાડલો વરરાજા બનવા તૈયાર, લોલો-બેબોના ભાઈના આ તારીખે લગ્ન
એક યુઝરે લખ્યું કે, 'આ કાયદાની સખ્તીનું પરિણામ છે જો કોઈએ તેને સ્પર્શ કર્યો હોત તો તેનો હાથ કપી નાખવામાં આવ્યો હોત.' બીજી તરફ કોઈએ મજાકમાં લખ્યું કે, 'ભારત આના કરતાં ઘણું સારું છે. જો આ ઘરેણાં ભારતમાં રાખવામાં આવ્યા હોત તો તે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિના હાથમાં પહોંચ્યા હોત, અને તેણે પોતાનું જીવન સારું બનાવી લીધું હોત.'
બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, 'આ સોશિયલ એક્સપેરિમેન્ટ હું ભારતમાં જોવા માગું છું, તેથી અહીંનું રિઝલ્ટ જાણી શકાય. શું તે આશા પ્રમાણે આવશે કે પછી તેનાથી બિલકુલ વિપરિત આવશે.'