ચોંકાવનારો મામલો! મેનેજરે CL ન આપતાં ઓફિસે આવેલી મહિલાનું ફરજ પર જ મોત
Women Die After Manager Cancel CL : નોકરિયાત વર્ગના કામના તણાવને લઈને ચાલી રહેલી લાંબી ચર્ચાની વચ્ચે ફરી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા કર્મચારી એક દિવસની સીક લીવ લેવા ઈચ્છતી હતી, પરંતુ મેનેજરે બહાનું સમજીને રજા ન આપી. મહિલા કામ પર આવી અને ડ્યૂટી દરમિયાન જ તેની મોત થઈ ગઈ. આ મામલો થાઇલેન્ડના સુખોથાઈ વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, મહિલા કામ દરમિયાન બેભાન થઈ ગઈ અને બાદમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું. મહિલા કર્મચારીની મોતનો મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર ન્યાયની માંગણી સાથે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. કંપની પર કર્મચારીના શોષણની કહાનીઓ શેર કરવામાં આવી રહી છે.
માંદગીની રજા ન આપતા થયું મોત?
થાઇલેન્ડના સુખોથોઇની રહેવાસી 30 વર્ષીય મહિલા જેની ઓળખ મે (May) તરીકે કરવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલા ઔદ્યોગિક એસ્ટેટમાં એક ઇલેક્ટ્રોનિક્સ કંપનીમાં કર્મચારી હતી. ફેસબુક પેજ પર મહિલા સહકર્મીઓએ ગ્રૂપ ચેટના સ્ક્રીનશોટ શેર કર્યાં છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કંપનીના મેનેજરે તેને સીક લીવ માટે રજા ન હતી આપી. જ્યારે મહિલાએ પોતાની મુશ્કેલી જણાવી તો મેનેજરે તેને મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું કહ્યું હતું.
આ પણ વાંચોઃ બે-ચાર વાર નહીં, પણ નવ વખત આરબ દેશો સામે જંગે ચઢ્યું છે ઈઝરાયલ
મહિલા સાથે કંપનીમાં કામ કરી રહેલી એક કર્મચારીએ જણાવ્યું કે, May એ પહેલીવાર 5 થી 9 સપ્ટેમ્બર સુધી મેડિકલ સર્ટિફિકેટ સાથે રજા લીધી હતી. જ્યારે તેને આંતરડામાં સોજાના કારણે તેને ચાર દિવસ હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેણે પોતાની મિત્રને જણાવ્યું કે, તબિયતમાં કોઈ સુધારો નથી. ત્યારબાદ તેણે બીજા બે દિવસની રજા લેવાનો નિર્ણય લીધો. 12 સપ્ટેમ્બરની સાંજે મહિલાએ મેનેજરને 13 સપ્ટેમ્બરે બીમાર હોવાના કારણે રજા માંગી અને કહ્યું કે, તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. પરંતુ, મેનેજરે તેને કામ પર આવીને પહેલાં બીજું એક મેડિકલ સર્ટિફિકેટ જમા કરાવવાનું કહ્યું, કારણકે તે પહેલાંથી ઘણી બીમારીની રજા લઈ ચુકી છે. મહિલાની મિત્રના જણાવ્યા મુજબ, 'હાલની બીમારી સિવાય પહેલા મે એ ક્યારેય મેડિકલ લીવ નથી લીધી.'
નોકરી ગુમાવવાનો હતો ડર
પોતાની નોકરી ગુમાવવાના ડરથી 13 સપ્ટેમ્બરે બીમાર હતી છતાં કામ પર પરત ફરી. ફક્ત 20 મિનિટ સુધી કામ કર્યા બાદ તે જમીન પર પડીને બેભાન થઈ ગઈ. તેને તુરંત હોસ્પિટલ લઈ જઈ ઈમરજન્સી સર્જરી માટે મોકલવામાં આવી અને બીજા દિવસે સાંજે તેને મૃત જાહેર કરવામાં આવી.
આ પણ વાંચોઃ અમેરિકામાં ચૂંટણી 'હિંસક' બની! કમલા હેરિસના કાર્યાલયે બીજી વખત ગોળીબારથી ખળભળાટ
કંપનીએ કરી જાહેરાત
સોમવારે કંપનીએ પોતાના ફેસબુક પેજ પર મહિલાની મૃત્યુની જાહેરાત કરી અને સંવેદના વ્યક્ત કરી. નિવેદનમાં કહ્યું કે, 'અમને સહકર્મીના નિધનનું ખૂબ જ દુઃખ છે. આ અઘરા સમયમાં અમારી સંવેદના તેના પરિવાર અને પ્રિયજનો સાથે છે.'