યુપીના બહરાઇચમાં વરુઓનો આતંક બે મહિનામાં 10 લોકોનો ભોગ લીધો
- વરુઓના રહેવાના વિસ્તારોમાં પાણી ભરાતા ગામડાઓમાં ઘૂસવા લાગ્યા
- 35 ગામોના રક્ષણ માટે 18 શાર્પ શુટરો, 62 વનકર્મીઓ અને 200થી વધુ પોલીસકર્મીઓને તૈનાત કરાયા
બહરાઇચ : ઉત્તર પ્રદેશના બહરાઇચમાં વોલ્ફ એટલે કે વરુ (ભેડિયા) નામના પશુનો આતંક સામે આવ્યો છે. અહીંયા વરુઓ દ્વારા અનેક લોકો પર હુમલા કરવામાં આવ્યા છે. વરુનો ભય એટલો બધો ફેલાયો છે કે લોકો રાત્રે બહાર નિકળવાનુ પણ ટાળી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વિસ્તારમાં વરુના હુમલામાં નવ બાળકો સહિત કુલ ૧૦ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકોને ઘાયલ કરી દીધા છે. ખાસ કરીને ચોમાસાની સીઝનમાં આ વિસ્તારમાં હુમલા વધી જાય છે.
બહરાઇચ જિલ્લાના મહસી તાલુકાના ૩૫ ગામડાઓમાં વરુઓનો આતંક સામે આવ્યો છે. જેમાં કુલ ૧૦ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે ૫૦થી વધુ લોકોને ઇજા પહોંચી છે. આ વિસ્તારને વન વિભાગે ત્રણ સેક્ટર અને એક રિઝર્વ સેક્ટરમાં વહેંચી દીધો છે. જેમાં સેક્ટર પ્રમાણે પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે જેમને આ વરુઓને પકડવાની સાથે લોકોના રક્ષણ સહિતની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગામના લોકોની સુરક્ષા માટે ૨૦૦ પોલીસકર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે. જ્યારે ૧૮ શાર્પ શૂટરોં અને ૬૨ વનકર્મીઓને પણ લગાવવામાં આવ્યા છે. આ શાર્ટ શૂટરો ભેડિયાઓને શોધીને તેમને ઠાર મારે તેવા આદેશ આપવામાં આવ્યા છે.
સેન્ટ્રલ ઝોનના ચીફ ફોરેસ્ટ કંઝર્વેટર રેણુ સિંહે જણાવ્યું હતું કે જ્યાં પણ ભેડિયા દ્વારા બાળકો પર હુમલા વધુ થયા છે તે વિસ્તારનો અમે મેપ તૈયાર કર્યો છે અને તેને ત્રણ સેક્ટરમાં વિભાજીત કરી દીધા છે. આ વિસ્તારમાં શેરડીની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. ખાસ કરીને રામુઆપુર વિસ્તારમાં શેરડીના પાકમાં ભેડિયા વધુ રહેતા હતા. હવે આ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઇ ગયું છે અને ભેડિયા પણ નથી જોવા મળી રહ્યા. અહીંયા ગરમી અને ઠંડીની સીઝનમાં ભેડિયાને કોઇ તકલીફ નથી પડતી. જોકે ચોમાસામાં પાણી ભરાઇ જવાથી ભેડિયાઓને રહેવા માટે કોઇ જગ્યા નથી બચતી અને આવુ દર વર્ષે થાય છે. જ્યારે વન વિભાગ તરફથી પણ આ જ પ્રકારના દાવા થઇ રહ્યા છે. વિભાગનુ કહેવુ છે કે જ્યાં ભેડિયા રહેતા હતા ત્યાં પાણી ભરાઇ જવાથી બાદમાં ભેડિયામાં ગુસ્સાનું પ્રમાણ વધ્યું અને તેઓ માનવીઓ પર હુમલા કરવા લાગ્યા. છેલ્લા બે મહિનામાં ભેડિયાએ દસ લોકોનો ભોગ લીધો છે. જેને કારણે હાલ આ વિસ્તારમાં લોકો ભયમાં જીવી રહ્યા છે.