Get The App

હકાલપટ્ટીના પાંચ જ દિવસમાં સામ ઓલ્ટમેનની વાજતેગાજતે ઘરવાપસી થઇ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
હકાલપટ્ટીના પાંચ જ દિવસમાં સામ ઓલ્ટમેનની વાજતેગાજતે ઘરવાપસી થઇ 1 - image


- નવા બોર્ડની સાથે ઓપનએઆઇના સીઇઓ તરીકે ફરી વરણી થઇ         

- ગ્રેગ બ્રોકમેન બાદ ઇલ્યા સુટસ્કેવેરે પણ સામ ઓલ્ટમેનની તરફેણમાં બોર્ડની વિરૂદ્ધ વલણ લેતા બાજી પલટાઇ ગઇં        

સાન ફ્રાન્સિસ્કો : યુએસમાં સાન ફ્રાન્સિસ્કોમાં જેમને પાંચ દિવસ અગાઉ તેમની જ સ્થાપેલી કંપનીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા તે ચેટ જીપીટીની સર્જક ઓપનએઆઇ કંપનીના સીઇઓ તરીકે સામ ઓલ્ટમેનની નવા બોર્ડ સાથે ફરી વરણી કરવામાં આવી હોવાની કંપનીએ મંગળવારે મોડી રાતે જાહેરાત કરતાં ટેક ઉદ્યોગના એક હાઇવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો.  સામ ઓલ્ટમેનની ફરી સીઇઓ પદે વરણી કરનારા નવા બોર્ડના અધ્યક્ષ બ્રેટ ટેલર છે અને તેમની સાથે નવા જોડાનારા સભ્યોમાં લેરી સમર્સ અને એડમ ડિએન્જેલોનો સમાવેશ થાય છે. લેરી સમર્સ ભૂતપૂર્વ ટ્રેઝરી સેક્રેટરી છે જ્યારે એડમ ડિએન્જેલો ક્વોરાના સીઇઓ છે. જ્યારે ટેલર ટ્વિટરના બોર્ડના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે. 

ઓપન એઆઇના અગાઉના બોર્ડ ઓફ ડાયરેકટર્સે કોઇ ચોક્કસ કારણ આપ્યા વિના જ શુક્રવારે સામ ઓલ્ટમેનને સીઇઓ પદેથી હાંકી કાઢ્યા હતા. એક વર્ષ અગાઉ ચેટ જીપીટીનું આગમન થયું તે સાથે જનરેટિવ એઆઇના પોસ્ટર બોય બની ગયેલા સામ ઓલ્ટમેન અને કંપનીના બોર્ડ વચ્ચે એઆઇ દ્વારા ઉભાં થનારાં સંભવિત જોખમો બાબતે ગંભીર મતભેદો સર્જાયા હતા.

દરમ્યાન ઓપન એઆઇમાં કરોડો ડોલર્સનું મૂડીરોકાણ કરનાર માઇક્રોસોફ્ટે ઝડપથી પગલું ભરી સામ ઓલ્ટમેનને અને તેની સાથે રાજીનામું આપી દેનાર ગ્રેગ બ્રોકમેનને નોકરીએ રાખી લેવાની સોમવારે જાહેરાત કરી નાંખી હતી. જેના પગલે આ સ્ટાર્ટ અપના તમામ ૭૭૦ કર્મચારીઓએ સામૂહિક હિજરતની ધમકી આપી બોર્ડના રાજીનામાંની અને સામ ઓલ્ટમેનને પરત લાવવાની માગણી કરી હતી. 

ઓલ્ટમેનની હકાલપટ્ટી કરનારા બોર્ડના ચાર સભ્યોમાંથી એક અને ઓપન એઆઇના સહસ્થાપક ઇલ્યા સુટસ્કેવેરે બાદમાં આ મામલે ખેદ વ્યક્ત કરી બોર્ડના રાજીનામાંની માંગણીમાં  સૂર પુરાવ્યો હતો. માઇક્રોસોફ્ટ દ્વારા ઓલ્ટમેન અને બ્રોકમેનની સાથે કંપનીમાં આવવા માંગતા તેમના કર્મચારીઓને નવા એઆઇ રિસર્ચ યુનિટમાં આવકારવાની તૈયારી બતાવી હતી. માઇક્રોસોફ્ટના સીઇઆ ે સત્યા નાદેલાએ મંગળવારે મોડી સાંજે  ઓલ્ટમેનની ઓપનએઆઇમાં ઘરવાપસીની શક્યતા મામલે મોકળાં મને જણાવ્યું હતું કે ઓપનએઆઇના બોર્ડમાં થયેલા પરિવર્તનથી અમે પ્રોત્સાહિત થયા છીએ. અમે માનીએ છીએ કે  આ વધારે સ્થિર અને અસરકારક ગવર્નન્સની દિશામાં દોરી જનારું પ્રથમ જરૂરી પગલું છે. એ પછી ઓલ્ટમેને જણાવ્યું હતું કે નવા બોર્ડ અને સત્યા નાદેલાના ટેકાથી અમે ઓપન એઆઇમાં પાછાં ફરી રહ્યા છીએ અને માઇક્રોસોફ્ટ સાથે અમારી મજબૂત ભાગીદારી પર મદાર રાખીએ છીએ. 

જેના સહસ્થાપક ઓલ્ટમેન છે તે ઓપન એઆઇ એક નોન પ્રોફિટ કંપની તરીકે કામ કરતી હતી અને તેનું મિશન માનવ કરતાં બહેતર સલામતિપૂર્ણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ વિકસાવવાનું હતું જે માનવસમાજને લાભકારક નીવડે. ઓપનએઆઇ બાદમાં ફોર પ્રોફિટ બિઝનેસમાં પરિવર્તિત થઇ હતી પણ તેનું સંચાલન હજી તેના નોન પ્રોફિટ બોર્ડ ઓફડાયરેકટર્સ દ્વારા થતું હતું. નવા સભ્યો ઉમેરાવા સાથે બોર્ડનું માળખું કેવી રીતે બદલાશે તે બાબતે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. 

સ્ટિવ જોબને એપલમાં પાછાં ફરતાં બાર વર્ષ લાગ્યા  પણ ઓલ્ટમેન પાંચ દિવસમાં જ ઓપનએઆઇમાં પાછાં ફર્યા 

 એપલના સ્થાપક  સ્ટિવ જોબ્સ અને ઓપનએઆઇના સ્થાપક સામ ઓલ્ટમેન વચ્ચેની સમાનતા એ છે કે તેમને બંનેને  તેમની જ સ્થાપેલી કંપનીઓમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે, સ્ટિવ જોબ્સને એપલમાં પાછાં ફરતાં બાર વર્ષનો સમય લાગ્યો હતો જ્યારે સામ ઓલ્ટમેનેએ જ કામ પાંચ દિવસમાં કરી બતાવ્યું છે. બંનેની કહાનીમાં જે ફરક છે એ કે એપલમાંથી જોબ્સની હકાલપટ્ટી થઇ ત્યારે તેમની પડખે કોઇ નહોતું પણ સામ ઓલ્ટમેનને જ્યારે બોર્ડે હાંકી કાઢ્યા ત્યારે તેમની તરફેણમાં કંપનીના પ્રેસિડેન્ટ ગ્રેગ બ્રોકમેનને પણ તેમના હોદ્દા પરથી રાજીનામુંં આપી દીધું હતું. સામ ઓલ્ટમેનની તરફેણમાં કંપનીના તમામ કર્મચારીઓએ પણ સામૂહિક રાજીનામાં આપી દેવાની ધમકી આપી હતી. 


Google NewsGoogle News