આ ન્યુક્લિયર સબમરિન ડૂબી ગઈ સાથે તેના નૌકાદળની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે
- ચીનની નવા વર્ગની પહેલી પરમાણુ સબમરિન ડૂબી ગઈ
- ઝાઓ-ક્લાસની આ પહેલી જ સબમરિન વૂહાન પાસેના સરોવરમાં પરિક્ષણ માટે મુકાઇ હતી : મે-જૂનમાં તે ડૂબી હતી : સરકારે તે વાત ગુપ્ત રાખી : સેટેલાઇટ ઇમેજમાં પકડાઈ ગઈ
બૈજિંગ : ચીનની આધુનિકતમ તેવી ઝાઓ કલાસની સૌથી પહેલી જ ન્યુક્લિયર એટેક સબમરિન કેટલાક મહિનાઓ પૂર્વે વૂહાન પાસે ડૂબી ગઈ હતી. સંભવત: વૂહાન પાસેના વિશાળ કુદરતી સરોવરમાં તેનું પરિક્ષણ થઈ રહ્યું હતું ત્યારે તેણે જળસમાધિ લીધી હતી. વાસ્તવમાં આ ઘટના તો ગત મે-જૂનમાં બની હતી. પરંતુ ચીનની સરકારે તે દબાવી દીધી હતી. પરંતુ સેટેલાઇટ પિકચરમાં તે સમગ્ર ઘટના પકડાઈ હતી.
તે સર્વે વિદિત છે કે બામ્બુ-કર્ટનમાંથી સમાચારો બહાર આવતા જ નથી અને કદાચે થોડા ઘણા બહાર આવે તો તે ડીસ્ટોર્ટેડ હોય છે. અમેરિકાએ સેટેલાઇટ ઇમેજીસનું પરિક્ષણ કરી આ હકિકતનો પર્દાફાશ કર્યો હતો.
અમેરિકાનું જાસૂસી તંત્ર જણાવે છે કે આ સબમરિન સ્ટર્ન (વંઢાર = પાછળનો ભાગ) ઠ શેપ્ડ હતો. જેથી સબમરિન ઝડપભેર દિશા બદલી શકાય.
આ માહિતી આપતા વોલ સ્ટ્રીટ જર્નલ જણાવે છે કે આ સબમરિન ચાયના સ્ટેટ શિપબિલ્ડીંગ કોર્પોરેશન (સરકાર હસ્તકની કંપની) દ્વારા બાંધવામાં આવી હતી. તેને સમુદ્રમાં તરતી મુકતા પહેલા વિશાળ નદી યાંગ-ત્સેમે રચેલા વૂહાનને સ્પર્શીને રહેલા નૈસર્ગિક સરોવરમાં આખરી ઓપ આપવા માટે તરતી મુકવામાં આવી હતી.
આ સબમરિન ડૂબી ગયા પછી તેને બહાર કાઢવા માટે મોટી ફલોટીંગ ક્રેન કામે લગાડાઈ હતી. તે સર્વે સેટેલાઇટ ઇમેજિસ દ્વારા જાણવા મળ્યું છે.
આ અંગે હેરિટેજ ફાઉન્ડેશનની થિંક ટેન્કના સિનિયર રિસર્ચ ફેલો અને યુએસ નેવીના નિવૃત્ત સબમરિન ઓફિસર બ્રેન્ટ સેકલરે તે ઘટનાને અતિ ગંભીર જણાવી હતી.
ચીનના સંરક્ષણ ઉદ્યોગમાં ભ્રષ્ટાચાર
તેમાં કશું આશ્ચર્યજનક નથી કે પીએલ-એ નેવી તેની ફર્સ્ટ-ઇન-ક્લાસ ન્યુક્લિયર પાવર્ડ એટેક સબમરિન ધક્કાની પાસે જ ડૂબી ગઈ તેમ કહેતા એક વરિષ્ટ યુએસ નેવીના અધિકારીએ જણાવ્યું હતું કે, વાસ્તવમાં ચીનના સંરક્ષણ ઉદ્યોગમાં ભારે ભ્રષ્ટાચાર વ્યાપ્યો છે. સાથે સંભવ તે પણ છે કે તેનાં ટ્રેનિંગ સ્ટાન્ડર્ડસ ઘણા નીચા હશે. તેમજ ઇકિવપમેન્ટસની કવોલિટી પણ ઘણી હલ્કી હશે.
એવું નથી કે ચીનના પ્રમુખ શી જિનપિંગને આ બધાની માહિતી ન હોય તેમણે જ ૨૦૨૩માં ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ ઉપાડી ડઝનબંધ અધિકારીઓને સત્તાભ્રષ્ટ કર્યા હતા. સંરક્ષણ ઉદ્યોગના અધિકારીઓને પણ સત્તા ભ્રષ્ટ કર્યા હતા છતાં ભ્રષ્ટાચાર દાબી શકાયો નથી. શી જિનપિંગે જ સ્વીકાર્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મીમાં જ ઘણા ગંભીર અને ઊંડા પ્રશ્નો રહ્યા છે.
આ દર્શાવે છે કે શી ની લોખંડી પકડ ઢીલી પડી છે.