Get The App

ઈઝરાયેલી આર્મી AI ટેકનોલોજી, લેપટોપ અને મોબાઈલ ફોનના ટ્રેકિંગના સહારે

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
ઈઝરાયેલી આર્મી AI ટેકનોલોજી, લેપટોપ અને મોબાઈલ ફોનના ટ્રેકિંગના સહારે 1 - image


- હમાસે બંધક બનાવેલા નાગરિકોની મુક્તિ માટે

- સ્વંયસેવકે 20,000 વિડીયો માટે અલ્ગોરિધમ ડેવલપ કર્યા પરંતુ, બંધકોને છોડાવવામાં સફળતા નહીં 

તેલ અવીવ : હમાસના આતંકવાદીઓએ ઓક્ટોબર ૭ના રોજ ઈઝરાયેલ પર હુમલો કરીને ૧,૨૦૦થી વધુ નાગરિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ સાથે જ ૨૫૦થી વધુ નાગરિકો અને આર્મી જવાનોનું અપહરણ કરીને તેમને ગાઝા પટ્ટી વિસ્તારમાં બંધ કરવામાં આવ્યા હતા. ઈઝરાયેલી આર્મીએ તેમને છોડાવવા માટે સૌથી મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પરંતુ, તેમને હજી સુધી તેના નક્કર પરિણામો જોવા મળ્યા નથી. તેઓ અત્યાર સુધીમાં ફક્ત સાત બંધકોને જ જીવતા બચાવી શક્યા છે.  આ વચ્ચે તેમના વિશ્વમાં સૌથી શક્તિશાળી ગણાતા ઈન્ટેલિજન્સ યુનિટે ટેકનોલોજીનો સહારો લીધો છે. 

એક રિપોર્ટ મુજબ, ઈઝરાયેલ આર્મીના યુનિટે હમાસના ડેટાનો ભંડાર મેળવ્યો છે. તેમણે ગાઝા પટ્ટી વિસ્તારના લગભગ દરેક લેપટોપ, મોબાઈલ ફોન અને દસ્તાવેજોને શોધી કાઢ્યા છે. આ માટે તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે. અમેરિકાના સહયોગથી તેમણે દરેક મોબાઈલ, લેપટોપના સિગ્નલો  ટ્રેક કર્યા હતા. જેનો ડેટા તૈયાર કરીને ઈઝરાયેલી ડિફેન્સ યુનિટ તેમના આક્રમક હુમલાઓ અને બંધકોને મુક્ત કરાવવાના પ્લાન તૈયાર કરી રહ્યું છે. 

 આર્મીના યુનિટને ઈઝરાયેલી સ્વયંસેવકોની ટીમની પણ મદદ મળી રહી છે. સેન્ટ્રલ ઈઝરાયેલની રીચમેન યુનિવર્સિટીના ડેટા સાયન્ટિસ્ટ કેરીન નાહોનની ટીમે ૨૦,૦૦૦ જેટલા વિડીયોનું એનાલિસીસ કરવા માટે અલ્ગોરિધમ્સ ડેવલપ કર્યા છે. પરંતુ, આ પ્રયાસો પણ નિરર્થક નિવડી રહ્યાં છે. હાલમાં જ ઈઝરાયેલી આર્મીના 'શિન બેટ' તરીકે ઓળખાતા યુનિટને છ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ માટે તેમણે ખાન યુનિસમાં ૬૫૦ ફૂટ લાંબી ટનલની અંદર ઊંડે સુધી ખોદકામ કર્યું હતું. અનેક કલાકોની મહેનત બાદ સફળતા મળી નહતી. 

ઓપરેશનમાં ભાગ લેનાર આર્મીના ૯૮મા વિભાગના રિઝર્વિસ્ટે કહ્યું કે, આ ટનલની અંદર જે પ્રકારની દુર્ગંધ છે. તે મગજમાંથી કાઢવી મુશ્કેલ છે. ગાઝામાં ૪૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે. આ સાથે જ વિશ્વના સૌથી ખર્ચાળ ગણાઈ રહેલા ઓપરેશનને અંતે પણ નાગરિકોને જીવતા બચાવવા મુશ્કેલ લાગી રહ્યાં છે. ઈઝરાયેલમાં દર શનિ-રવિવારે બંધકોને છોડાવવા માટે સરકાર વિરૂદ્ધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનકારીઓને ૧૦૫ થી વધુ બંધકોને મુક્ત કરાવવા માટે હમાસ સાથે મંત્રણાનો જ એકમાત્ર માર્ગ દેખાઈ રહ્યો છે.


Google NewsGoogle News