યુક્રેનના બે ટુકડા કરવાની તૈયારી! સાઉદી અરેબિયામાં કઈ શરતો પર શાંતિવાર્તા કરાવશે ટ્રમ્પ?
What Conditions will the War End: રશિયા-યુકેન યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. લગભગ 3 વર્ષ સુધી યુદ્ધની આગમાં સળગી રહેલા આ બંને દેશોએ સમગ્ર વિશ્વમાં પોતાની અસર બતાવી છે. એવામાં હવે આ યુધ્ધનો અંત લાવવા માટે અમેરિકા અને રશિયાના ટોચના અધિકારીઓ આજે સાઉદી અરેબિયામાં બેઠક કરશે. આ મંત્રણાઓ અમેરિકન નીતિ માટે પણ ખાસ છે જેમાં રશિયાને અલગ રાખવાને બદલે વાતચીત અને સર્વસંમતિનો માર્ગ શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે.
બેઠકમાં સામેલ રહેશે આ મંત્રીઓ
આ બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઈક વોલ્ટ્ઝ અને વિશેષ દૂત સ્ટીવ વિટકોફ રશિયન પ્રતિનિધિમંડળને મળશે. રશિયન પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી ઉશાકોવ સામેલ હશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની કડક ચેતવણી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કડક વલણ અપનાવતા ચેતવણી આપી છે કે, 'યુક્રેનની ભાગીદારી વિના કોઈપણ મંત્રણાનું પરિણામ અમને અસ્વીકાર્ય રહેશે. જો કિવને મંત્રણામાં સામેલ નહીં કરવામાં આવે તો મંત્રણા વ્યર્થ બની જશે. તેમજ અમેરિકા અને રશિયા વચ્ચે જે પણ સમજૂતી થશે તે અમને સ્વીકાર્ય નહીં હોય.'
આ શરતો પર થઇ શકે છે વાતચીત
રશિયા અને અમેરિકા વચ્ચે યોજાનારી આ બેઠકમાં સૌથી મહત્ત્વપૂર્ણ ચર્ચા યુરોપિયન દેશોની ભૂમિકાને લઈને થઈ શકે છે. એવામાં યુક્રેનને સમર્થન કરનારાઓમાં ઘણા યુરોપિયન દેશો છે. આ કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હવે કહે છે કે, 'અમે અમેરિકાના કહેવા પર પુતિનને શાંતિ મંત્રણા માટે ત્યારે જ મળીશું જ્યારે અમેરિકન અને યુરોપિયન નેતાઓ વચ્ચે એક સામાન્ય યોજના પર સહમતિ થશે.'
આ પણ વાંચો: સિંગાપોરમાં સંસદીય સમિતિ સમક્ષ ખોટું બોલનારા ભારતીય મૂળના નેતાને 14000 ડોલરનો દંડ
તે જ સમયે, બીજો મુદ્દો નાટોમાં યુક્રેનનું સભ્યપદ અને રશિયા અને યુક્રેનના કબજા હેઠળના વિસ્તારો પરના અધિકારોને લઈને ચર્ચા થઈ શકે છે. ઝેલેન્સકીએ સ્પષ્ટ કર્યું છે કે, 'અમે રશિયાના કબજા હેઠળના વિસ્તારોને માન્યતા આપીશું નહિ.'
ડોનબાસ વિસ્તારને લઈને વાતાવરણ પણ ગરમ થઈ શકે છે. યુક્રેનનો આ વિસ્તાર રશિયાના કબજામાં છે. આ વિસ્તાર પરત કરવા અંગે પણ વાતચીત થઈ શકે છે. ઝેલેન્સકી જે પ્રકારનું વલણ દાખવી રહ્યા છે તેના કારણે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અમેરિકા રશિયાને ફ્રી હેન્ડ આપી શકે છે. આ યુક્રેન માટે મોટો ખતરો બની શકે છે.