વળતાં પગલાં લેશું : યુ.એસ.ની ''ટ્રેડ-સ્ટ્રાઈક'' પછી જી-7 દેશોની ચીનને કડક ચેતવણી
- ચીનની ગેર-બજારૂ નીતિઓથી વિશ્વ અર્થતંત્ર પર તોળાતા ખતરાને લીધે દુનિયાના 7 મહત્વના વ્યાપાર પ્રમુખો એકજૂથ બન્યા
નવી દિલ્હી/સ્ટ્રેસા(ઈટાલી) : દુનિયાના સાત મહત્વના અર્થતંત્રો ધરાવતા દેશોના સમુહ 'જી-૭' એ ચીનની વૈશ્વિક વ્યાપાર નીતિઓની નિંદા કરી છે. અમેરિકાએ પણ ચીનના આયાતી માલ ઉપર ભારે આયાત-જકાત લગાવવાની જાહેરાત કર્યા પછી ચીનને લાગેલો આ બીજો મોટો ફટકો છે. લાંબા સમયથી ચાલી રહેલી તનાવની પછી હવે વૈશ્વિક પ્રણાલીમાં ભાગીદારી અંગે જી-૭ દ્વારા ચીન પર હુમલો કરવામાં આવ્યો છે. આ દેશોમાં મુખ્ય વ્યાપાર પ્રમુખોએ એક જૂથતા દર્શાવી છે અને સાથે ચીનની નીતિઓની ટીકા પણ કરી છે.
જી-૭ દ્વારા ચીનની ગેર-બજારૂ નીતિઓની વિશ્વ-અર્થવ્યવસ્થા ઉપર પણ અસર પડવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, સાથે વળતાં પગલાં લેવાની ચેતવણી ઉચ્ચારી છે. અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, જાપાન અને યુ.કે.ના બનેલા સાત દેશોના સમુહ જી-૭ ના મંત્રીઓ અને તેમની સેન્ટ્રલ બેન્કોના વડાઓ શનિવારે ઈટાલીના સ્ટ્રેસામાં એકઠા થયા હતા. તે મિટીંગના અંતમાં એક વિજ્ઞાાપન પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં ચીન ઉપર પોતાના ટ્રેડ-પાર્ટનર્સના જ અર્થતંત્રોને નુકસાન પહોંચાડવાનો આક્ષેપ મુકાયો હતો. તેમાં સ્પષ્ટ શબ્દોમાં ચીનની નિંદા કરવામાં આવી હતી. તેઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ''અમે સંતુષિત અને પારસ્પરિક સહયોગને સમર્થન આપીએ છીએ તેથી અમે ચીનની ગેર-બજારૂ-નીતિઓ અને પ્રથાઓના વ્યાપક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરીએ છીએ. તેથી અમારા શ્રમિકો, ઉદ્યોગો અને આર્થિક સ્થિતિ સ્થાપક્તાને નિર્બળ કરે છે. અમે પૂરી ક્ષમતા સાથે તેથી પડતી સંભવિત નકારાત્મક અસરો ઉપર નજર રાખવાનું ચાલુ રાખીશું. અને સમાન તકો સુનિશ્ચિત કરવા માટે પગલાં ભરશું.''
ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે અમેરિકાએ ચીનથી કરાતી આયાતો ઉપર ભારે આયાત-કર લગાડવાની કરેલી જાહેરાત પછી, માત્ર ગણતરીના જ દિવસોમાં જી-૭ દ્વારા આ ચેતવણી ચીનને આપવામાં આવી છે. બાયડેન સરકારે થોડા દિવસો પહેલા ચીનથી આયાત કરાતી ઈલેકટ્રોનિક કાર, બેટરી તથા સ્ટીલ, સોલર-પેનલ તથા કોમ્પ્યુટર ચિપ્સ જેવી ચીજો ઉપર આયાત-જકાત અનેક ગણી વધારી દીધી છે.
અમેરિકા આ રીતે ચીન ઉપર લાંબા સમયથી દબાણ કરી રહ્યું છે. અમેરિકાના વિત્ત-મંત્રી (ટ્રેઝરી સેક્રેટરી, જેનેટ એલેને કહ્યું હતું કે જર્મની, ફ્રાંસ અને યુરોપીય સંઘના કેટલાયે દેશોના અગ્રણીઓ અને જી-સેવનના અન્ય દેશોના અગ્રણીઓ તે મિટીંગમાં ઉપસ્થિત હતા. જેમાં ફ્રાંસમાં વિત્ત મંત્રી બૂ્રનો-લે-માયરે ચીન અંગે કરેલી ટીકાઓમાં સૌથી અગ્રીમ ભાગ ભજવ્યો હતો.