બાંગ્લાદેશમાં શેખ હસીના ફરી સત્તારૂઢ થશે ? ''આવામી લીગ''નું સડકો પર ઉતરવાનું એલાન
- હિન્દુઓમાં થતા ઉત્પીડન ન સમાવવા માટે આવામી લીગે મોહમ્મદ યુનુસના ત્યાગપત્ર માગવા ઉઠાવેલી જબ્બર ઝુંબેશ
ઢાકા : ગત વર્ષે શરૂ થયેલા વિદ્યાર્થી-આંદોલનમાંથી જન્મેલી વ્યાપક હિંસા પછી; બાંગ્લાદેશના સર્જક શેખ મુજીબ-ઉર્-રહેમાનના પુત્રી, શેખ હસીનાને પદત્યાગ કરવો પડયો હતો, તેઓને દેશ પણ છોડવો પડયો હતો. તે સાથે આવામી લીગના કેટલાયે નેતાઓ ઉપર હુમલા પણ થયા હતા. પરંતુ હવે આવામી લીગે સત્તાવાપસી માટે શેખનાદ ફુંક્યો છે. તે પાર્ટી હિન્દુઓની થતી અમાનુસે હેરાનગતિ વિરૂદ્ધ મોહમ્મદ યુનુસની સરકારના ત્યાગપત્રની માગણી કરી છે, તે માટે સુવ્યવસ્થિત અને સર્વવ્યાપક આંદોલન માટે યોજના ઘડી કાઢી છે.
ઉલ્લેખનીય છે કે શેખ હસીનાએ પદત્યાગ કર્યા પછી બાંગ્લાદેશમાં આ પહેલું જ આંદોલન છે. ગત વર્ષે વિદ્યાર્થી આંદોલન વ્યાપક બન્યા પછી શેખ હસીના સરકારનું પતન થયું. આવામી લીગના અનેક નેતાઓને જેલ ભેગા કરાયા. તો તે પૈકી કેટલાક નેતાઓ ''ભૂગર્ભમાં'' પણ ચાલ્યા ગયા.
આ પછી આવાસી લીગના ફેસબુક પેઈજ ઉપર પ્રસિદ્ધ કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ છુટક આંદોલનો એક છત્ર નીચે લાવી ૧લી ફેબુ્રઆરીથી પાર્ટી સડકો ઉપર ઉતરી જશે. પાર્ટી તેની તૈયારીમાં લાગી પડી છે. આંદોલન સફળ થતા શેખ હસીના ફરી સત્તારૂઢ થવા સંભવ છે. જે યુવાનોએ તેઓને કાઢ્યા હતા તે યુવાનો જ હવે તેઓને સાથ આપશે. નિવેદન વધુમાં જણાવે છે કે ૧લી ફેબુ્રઆરીના પ્રદર્શનો પછી ૬ઠ્ઠી ફેબુ્રઆરીએ દેશભરમાં ''વિરોધ માર્ચ'' અને રેલીઓ કાઢવામાં આવશે. ૧૦મીએ પણ વિરોધ રેલી અને માર્ચ યોજાશે. ૧૬મી ફેબુ્રઆરીએ દેશભરમાં ''નાકાબંધી'' કરવામાં આવશે. ૧૮મીએ સવારથી સાંજ સુધી હડતાલનું આયોજન કરાશે.
વધુ રસપ્રદ વાત તો તે છે કે આ તમામ નિવેદનોમાં શેખ હસીનાને ''વડાપ્રધાન'' તરીકે જ સંબોધિત કરાયા છે.
આ ઉપરાંત આંદોલનકારીઓએ આઈ.સી.ટી. ટ્રિબ્યુનલમાં ''વડાપ્રધાન'' (શેખ હસીના) તથા આવામી લીગના અન્ય નેતાઓ ઉપર મુકાયેલા આરોપો પાછા ખેંચવાની પણ માગણી કરવામાં આવી છે.
વાસ્તવમાં પાર્ટીએ ૧૦ નવેમ્બરે જ આંદોલન શરૂ કરવા નિશ્ચિત કર્યું હતું પરંતુ સંજોગોવશાત્ તે થઈ ન શક્યું.
જુલાઈ-ઓગસ્ટમાં દેશમાં ફાટી નીકળેલા વ્યાપક તોફાનો પછી પાર્ટી ઘણો સમય મુક રહી શેખ હસીનાએ ભારતમાં ''રાજ્યાશ્રય''' લીધો. પરંતુ યુનુસ સરકાર તેણે મારેલી ''ગુલબાંગો'' પ્રમાણે કામ કરી ન શકી. અસંખ્ય યુવાનો બેકાર રહ્યા છે. સાથે રોજગારી ઘટતી જાય છે. કારણ કે ધંધા-ધામા-વ્યાપાર-ઉદ્યોગ મંદ પડી ગયા છે. ઘણા તો ઠપ્પ થઈ ગયા છે. તેમાં મોંઘવારી (ફુગાવો) બે આંક ઉપર પહોંચી ગયા છે. તેથી યુનુસ સરકાર પ્રત્યે યુવાનો નારાજ છે. આ બધા પરિબળો ''વળતાં આંદોલન'' માટે કારણભુત છે. તેમ નિરીક્ષકોનું કહેવું છે.