રમજાન ઈદના દિવસે ઈઝરાયેલ હમાસ યુદ્ધ બંધ થશે ? સૈનિકો પાછા બોલાવ્યા પછી નેતન્યાહૂ નવો નિર્ણય લેશે ?
- જો આમ થશે તો પશ્ચિમ એશિયામાં ફરી મીઠાશ પ્રવર્તશે અમેરિકાનાં દબાણથી પણ ઈઝરાયેલ યુદ્ધ રોકવા તૈયાર થયું છે
તેલ અવીવ : ઈઝરાયલે ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા બોલાવાના લીધેલા નિર્ણય પછી ઈદ પહેલાં જ કે ઈદના દિવસથી પશ્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તવાની સંભાવના દેખાઈ રહી છે. આ યુદ્ધમાં ૬ મહિના વીતી ગયા છે, ત્યારે ઈઝરાયલે અચાનક જ દક્ષિણ ગાઝાપટ્ટીમાંથી સૈનિકો પાછા ખેંચવા નિર્ણય લીધો છે.
ઈઝરાયલના સંરક્ષણ મંત્રી થોમાવ ગેલન્ટે આ માહિતી આપતાં તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે રાફામાં હમાસ હુમલો કરી પણ શકે તેમ છે. તેવામાં તે માટે તેમજ ભવિષ્યની દ્રષ્ટિએ પણ વધુ તૈયારીઓ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈઝરાયલ કહે છે કે અત્યારે તેણે ગાઝામાં માત્ર એક જ બ્રિગેડ (૧૨,૦૦૦ સૈનિકો) રાખ્યા છે.
આ સાથે આશાનું એક કિરણ તેથી પણ પ્રસર્યું છે કે ઈઝરાયલ અને હમાસ બંનેએ પોતપોતાનાં પ્રતિનિધિ મંડળો કેરો મોકલ્યાં છે, જેથી નવા દોરથી મંત્રણા થઈ શકે. આ ઉપરથી તેમ પણ લાગે છે કે ઈદના દિવસે પશ્ચિમ એશિયામાં મીઠાશ પ્રવર્તી રહેવા સંભવ છે.
વાસ્તવમાં ગત વર્ષના ઓક્ટોબરની ૭મીએ હમાસે દક્ષિણ ઈઝરાયલ ઉપર ભીષણ હુમલો કર્યો હતો. તેમાં આશરે ૧૨૦૦ લોકોનાં મૃત્યુ થયા હતા અને ૨૫૦ જેટલાને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાં મોટેભાગે યહૂદી યુવતીઓ જ હતી. આ પછી ધૂંધવાયેલા ઈઝરાયલે ગાઝાપટ્ટી તેમજ વેસ્ટ બેન્કના દક્ષિણ ભાગ ઉપર પ્રચંડ હુમલા શરૂ કરી દીધા જેમાં હમાસ આતંકીઓ સહિત આશરે ૧૩ હજારના મોત થયા છે. તેમાં સૌથી ભીષણ હુમલો ખાન યુનિસ શહેરમાં થયો હતો.
બેન્જામીન નેતન્યાહૂની સરકારે સૈનિકો પાછા બોલાવવાની શરૂઆત કરતાં પેલેસ્ટાઈનીઓ હવે ખાન-યુનિસમાં પાછા ફરી રહ્યા છે. હજી સુધી એ શહેરથી થોડે દૂર રહેલાં શેલ્ટર્સ (વિસ્થાપિતો માટેની છાવણી)માંથી લોકો પોતાના શહેર (ખાન યુનિસ)માં જઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શહેર ખંડેર બની ગયું છે. એક તરફ મલબા છે, તો બીજી તરફ સડી રહેલી લાશોની દુર્ગંધ માથું ફેરવી દે છે.
વાસ્તવમાં ખાન-યુનિસ ગાઝા સ્થિત હમાસના વડા યાહ્યાનો ગઢ મનાય છે. તેમનો જન્મ પણ આ ગામમાં જ થયો હતો. ઈઝરાયલનું કહેવું છે કે ૭મી ઓક્ટોબરના હુમલાનો 'માસ્ટર માઈન્ડ' જ યાહ્યા સિતવાર છે.