શું મસ્કનો DNA ટેસ્ટ કરાશે? 13માં બાળકને જન્મ આપવાનો દાવો કરતી યુવતી સુપ્રીમ કોર્ટ પહોંચી
Influencer Ashley St Clair: ટેક જગતના દિગ્ગજ ઈલોન મસ્ક ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. જોકે, આ વખતે મામલો કોઈ નવી ટેકનોલોજી કે અવકાશ સંશોધનના કારણે નહીં પરંતુ તેમના અંગત જીવનનો છે. ઈન્ફ્લુએન્સર એશ્લે સેન્ટ ક્લેયરે મેનહટન સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈલોન મસ્ક તેના પાંચ મહિનાના પુત્રના જૈવિક પિતા છે. તેણે કોર્ટને બાળકની સંપૂર્ણ કસ્ટડી અને મસ્ક સામે પિતૃત્વ પરીક્ષણનો આદેશ માંગ્યો છે.
કોર્ટમાં રજૂ કરાયા પુરાવા
ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ પ્રમાણે કોર્ટમાં દાખલ કરાયેલા દસ્તાવેજોમાં મસ્કનો એક તસવીર પણ છે, જેમાં તે એક નવજાત બાળકને ખોળામાં લેતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત મસ્ક અને ક્લેર વચ્ચેની થયેલી કથિત ચેટ પણ દાખલ કરવામાં આવી છે, જેમાં મસ્કે પૂછ્યું હતું કે, શું બાળકના જન્મ પછી બધું બરાબર હતું. અન્ય એક બીજા મેસેજમાં તેણે ક્લેરને કહ્યું કે, તે તેને અને બાળકને જલ્દી જોવા માટે બેતાબ છે.
ક્લેયરે આરોપ લગાવ્યો છે કે, મસ્કે બાળકને માત્ર ત્રણ વાર જોયો છે, અને તેના વિશે કોઈ માહિતી નહોતી માંગી. તેમણે દાવો કર્યો હતો કે, સુરક્ષાના કારણોસર તેમણે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પિતાનું નામ ખાલી છોડી દીધું હતું કારણ કે મસ્કે અગાઉ કહ્યું હતું કે તેમને દરરોજ જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે.
બાળકો માટે કેટલો સમય કાઢે છે ઈલોન?
ઈલોન મસ્કને પહેલાથી જ 12 બાળકો છે. તેમની પૂર્વ પત્ની જસ્ટિન વિલ્સનથી પાંચ બાળકો છે, જેમાં જોડિયા અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ગાયક ગ્રીમ્સથી તેમને ત્રણ બાળકો છે. કેનેડિયન સાહસ મૂડીવાદી શિવોન ગિલિસ સાથે તેમના ત્રણ બાળકો પણ છે. તેમના બે નામ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે ત્રીજાનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.
આ દરમિયાન ગ્રીમ્સે હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મસ્કને તેના બાળકની ગંભીર મેડિકલ સ્થિતિને લઈને સંપર્ક કરવા અપીલ કરી હતી. ગ્રીમ્સનો આરોપ છે કે, મસ્ક તેના શબ્દોને અવગણી રહ્યા છે અને તેણે તેને જાહેર કરવાનો નિર્ણય લીધો.
શું હશ હવે આગળનું સ્ટેપ...
હવે સવાલ એ થાય છે કે, ઈલોન મસ્ક કોર્ટમાં પોતાના પિતૃત્વને સાબિત કરવા માટે ડીએનએ ટેસ્ટ કરાવશે કે પછી આ મામલાને કોઈ સમજાવતથી નિપટાવશે. એશ્લે સેન્ટ ક્લેયરની અરજી પછી હવે બધાની નજર મસ્કનું આગળનું સ્ટેપ શું હશે તેના પર રહેલી છે.