શું પાકિસ્તાનમાં પણ ભારતનું મોદી મોડેલ અમલી કરાશે ? નવાઝ શરીફનાં પુત્રી મરિયમનો શો પ્લાન છે ?
- સ્માર્ટ સિટી, ઇકોનોમિક પ્રોગ્રેસ, ખેડૂતો માટે બજાર અને સડક નેટવર્ક, આરોગ્ય વ્યવસ્થા જેવી મોદી યોજનાઓને અનુસરવામાં આવશે
ઇસ્લામાબાદ, લાહોર : શું પાકિસ્તાનનાં પહેલા મહિલા મુખ્યમંત્રી, પંજાબ પ્રાંતનાં મરિયમ નવાઝ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓથી પ્રભાવિત છે ? તેઓએ રજૂ કરેલો પંજાબના વિકાસનો પ્લાન, પીએમ મોદીની આર્થિક નીતિઓને મળતો આવે છે. મરિયમ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનાં પુત્રી છે.
પી.ઓ.કે.માંથી નિર્વાસિત કરાયેલા માનવ અધિકાર કાર્યકર્તા અમજદ ઐય્યુબ મિર્ઝાએ મરિયમે રજૂ કરેલી વિકાસ યોજનાને, નરેન્દ્ર મોદીનાં આર્થિક મોડેલ સાથે સરખાવતાં કહ્યું હતું કે, મોદીની સ્માર્ટ સીટી ઇકોનોમિક પ્રોગ્રેસ, ખેડૂતો માટે બજાર, સડક નેટવર્ક, સ્વાસ્થ્ય યોજના, જેવી યોજનાઓ મરિયમ નવાઝ તેમના પાંચ વર્ષના કાર્યકાળમાં લાગુ કરવા માગે છે. આ મોદીનું આર્થિક મોડેલ છે.
તેઓએ કહ્યું ચૂંટણીમાં જીત મેળવ્યા પછી પોતાનાં વિજય ભાષણમાં મરીયમ નવાઝે જનતા સમક્ષ જે વિકાસ યોજનાઓ રજૂ કરી તેમાં પંજાબને ઇકોનોમિક હબ બનાવવાની નીતિઓ સમાવિષ્ટ છે.
આ સાથે મિર્ઝાએ પ્રશ્ન કર્યો હતો કે નોકરશાહીના સાથ વગર અને ડીપસ્ટેટના હસ્તક્ષેપ વગર આ મોડેલ પંજાબમાં કઇ રીતે સફળ થઇ શકશે ? તેઓ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્ષ, અને સેનાના વ્યાપારનો સામનો કઇ રીતે કરી શકશે ? સેના પ્રાઈવેટ સેક્ટર બળવાન થાય તેથી ખુશ નહીં થાય. પંજાબનાં દરેક ક્ષેત્રમાં એક મજબૂત સૈન્ય અર્થવ્યવસ્થાનો પ્રભાવ છે.