પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે શરૂ થશે 'યુદ્ધ'! અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક બાદ વિશેષજ્ઞોએ આપી ચેતવણી
- સુરક્ષા અને વિદેશી બાબતોના નિષ્ણાતોએ આ તાજેતરના હુમલાઓને ચિંતાજનક ગણાવ્યા
Pakistan Taliban Conflict : પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા બાદ બંને દેશો વચ્ચે પહેલે કરતા તણાવ વધી ગયો છે. પાકિસ્તાની હુમલા બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર દ્વારા જે પ્રકારની તાખી પ્રતિક્રિયા આપવામાં આવી છે તેનાથી એ આશંકાએ જોર પકડ્યું છે કે ટૂંક સમયમાં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે છે. રક્ષા વિશેષજ્ઞોએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધની ભવિષ્યવાણી કરવાની શરૂ કરી દીધી છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે પરિસ્થિતિ વધુ ન વણસે તેના માટે બંને દેશોના પ્રતિનિધિઓએ ઝડપથી વાતચીત શરૂ કરીને તેને સંભાળવાની જરૂર છે.
અમેરિકા જેવો થશે અંજામ: તાલિબાન
પાકિસ્તાને સોમવારે વહેલી સવારે અફઘાનિસ્તાનના પક્તિકા અને ખોસ્ત પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે હવાઈ હુમલામાં TTP આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તાલિબાને આ દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે હુમલામાં 5 મહિલાઓ અને 3 બાળકો માર્યા ગયા હતા. તાલિબાને પાકિસ્તાનને અમેરિકા અંજામ ભોગવવાની ધમકી આપી દીધી હતી. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહે કહ્યું હતું કે અમારી પાસે સુપરપાવર (અમેરિકા) સામે 20 વર્ષ લડવાનો અનુભવ છે. તાલિબાન સરકાર અફઘાનિસ્તાનની ધરતી પર કોઈપણ વિદેશી તાકાતને સહન નહીં કરશે.
બંને દેશોના સબંધ નીચલા સ્તર પર
અફઘાનિસ્તાનમાં આ હુમલા એવા સમયે કરવામાં આવ્યા છે જ્યારે પાકિસ્તાનમાં આતંકવાદી હુમલા વધવાને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ઈસ્લામાબાદ આ આતંકવાદી હુમલાઓ માટે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી જૂથોને જવાબદાર ઠેરવે છે. શનિવારના રોજ ઉત્તર વજીરિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાનના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં તાલિબાન સરકારનું સીધું નામ લેવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે, આ હુમલામાં સામેલ આતંકવાદીઓને તાલિબાન સરકારમાં સામેલ લોકોનું સમર્થન છે. બીજી તરફ તાલિબાને પાકિસ્તાનના આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે કાબુલ પોતાની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશની વિરુદ્ધ કરવાનો ઈનકાર કરે છે.
યુદ્ધનો ખતરો
સુરક્ષા અને વિદેશી બાબતોના નિષ્ણાતોએ આ તાજેતરના હુમલાઓને ચિંતાજનક ગણાવ્યા છે અને આ હુમલાને નાના પાયે યુદ્ધ અથવા લાંબા સંઘર્ષમાં પરિવર્તિત થવાની સંભાવના વ્યક્ત કરી છે. પાકિસ્તાની સેનાના નિવૃત્ત બ્રિગેડિયર અને સંરક્ષણ નિષ્ણાત અહમદ સઈદ મિન્હાસે કહ્યું કે જ્યાં સુધી વચગાળાની અફઘાન સરકાર જવાબદાર વર્તન નહીં બતાવે ત્યાં સુધી આ છૂટીછવાયી અથડામણો નાના પાયે યુદ્ધમાં ફેરવાઈ શકે છે. તેમણે પાકિસ્તાનને પણ સંયમ રાખવા અને એક વર્કિંગ ગ્રુપ બનાવવાની સલાહ આપી છે જેમાં બંને દેશોના રાજકીય અને સૈન્ય અધિકારીઓ સામેલ હોય. આ ગ્રુપ ટીટીપી વિરુદ્ધ પ્લાન પર ચર્ચા કરે અને અફઘાનિસ્તાનમાં હાજર આતંકવાદીઓ પર એક્શનલેવાની જવાબદારી તાલિબાનને સોંપવામાં આવે.