Indian Navy Qatar: તો શું કતારમાં ભૂતપૂર્વ 8 ઇન્ડિયન નેવી ઓફિસરને મળશે મોતની સજા?
-8 ભૂતપૂર્વ ઇન્ડિયન નેવી ઓફિસર પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ
-દાવો કરવામાં આવી રહ્યો છે કે,જાસૂસીના ગુનામાં તેમને ફાંસી આપવામાં આવી શકે છે
નવી દિલ્હી,તા. 3 મે 2023, બુધવાર
કતારમાં ગયા વર્ષે વર્ષે 8 ભૂતપૂર્વ ઇન્ડિયન નેવી ઓફિસરની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ અધિકારીઓ ભારતીય નેવીમાં અલગ-અલગ પોસ્ટ પર કામ કરી ચૂક્યા છે. તેમના પર ઈઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. આ ધરપકડ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 3 મે ના રોજ આ કેસ પર સુનાવણી થવાની છે. આ સાથે જ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાસૂસીના ગુનામાં તેમને ફાંસી આપવામાં આવી શકે છે. કારણ કે, કતાર સરકારે જાસૂસી અને સુરક્ષાના મામલાઓ પર હંમેશા કડક વલણ અપનાવ્યું છે.
આ આઠ આરોપીઓની ઓળખ ભારતીય ગુપ્તચર એજન્સી RAW માટે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ આઠ આરોપીઓ કતારમાં જાસૂસી કરતા ઝડપાયા હતા.
કતારની ગુપ્ત માહિતી ઈઝરાયેલને આપવામાં આવી
કતારની તપાસ એજન્સી અનુસાર, કતાર ઇટાલી પાસેથી એડવાન્સ સબમરીન ખરીદવાનું હતું. ભારતીય નૌકાદળના અધિકારીઓએ આ કાર્યક્રમ સાથે જોડાયેલી ગુપ્ત માહિતી ઈઝરાયેલને આપી હતી. આ જ કેસમાં એક ખાનગી સુરક્ષા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને કતારના ઈન્ટરનેશનલ મિલિટરી ઓપરેશન્સના વડાની પણ ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન નેવીના તમામ 8 અધિકારીઓ પણ આ કંપનીમાં નોકરી કરતા હતા. આ ઘટનાઓ સાથે સંકળાયેલા આરોપીઓને 3જી મેના રોજ કોર્ટની સુનાવણીમાં ફાંસીની સજા થઈ શકે છે. કતારમાં રાષ્ટ્રીય સુરક્ષા, જાસૂસી અને રાષ્ટ્રીય રહસ્યો જાહેર કરવા સામે કડક કાયદા છે, જેના માટે મૃત્યુદંડ આપી શકાય છે.
આરોપી નેવી ઓફિસરનું નામ
ગંભીર જાસૂસીના આરોપમાં ભારતીય નાગરિકોને આઠ મહિનાથી કતારમાં રાખવામાં આવ્યા છે, પરંતુ ભારતીય અધિકારીઓએ તેમના કતારી સમકક્ષો સાથે સંભવિત સજા અંગે હજુ સુધી વાત કરી નથી. આના પર, કતારના અધિકારીઓએ કહ્યું કે, તેમની પાસે આરોપોના સમર્થનમાં તકનીકી પુરાવા છે, જે તેમને સજા ફટકારવા માટે યોગ્ય છે.