ક્વોટા સીસ્ટમના વિરોધમાં બાંગ્લાદેશમાં વ્યાપક તોફાનો : ભારતીયોને ઘરમાં રહેવા દૂતાવાસની સલાહ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
ક્વોટા સીસ્ટમના વિરોધમાં બાંગ્લાદેશમાં વ્યાપક તોફાનો : ભારતીયોને ઘરમાં રહેવા દૂતાવાસની સલાહ 1 - image


- સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોવા હસીનાની અપીલ

- બાંગ્લાદેશની રચનામાં ભાગ લેનારા સૈનિકો, જનસામાન્યોનાં કુટુંબીજનોને ૩૦% અનામત આપવા સામે દેશભરમાં તોફાનો : પાક. ચીનની સાજીશની સ્પષ્ટ શંકા

ઢાકા : બાંગ્લાદેશમાં ક્વોટા-સીસ્ટીમ વિરૂદ્ધ વ્યાપક રમખાણો થઇ રહ્યાં છે, તેવે સમયે ભારતીય હાઈ કમિશને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઘરમાં જ રહેવા સલાહ આપી છે.

આ તોફાનોનું મૂળ તેમાં છે કે દેશનાં વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશની આઝાદી સમયે પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકો અને જનસામાન્યનાં કુટુમ્બીજનો માટે શિક્ષણ સંસ્થાઓ તેમજ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં ૩૦% અનામત રાખવા કાનૂન પસાર કર્યો છે, તે સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ પણ થઇ છે. તે કેસની સુનાવણી ૭મી ઓગસ્ટે શરૂ થવાની છે. તેનો ચૂકાદો આવે ત્યાં સુધી રાહ જોવા અને શાંતિ તથા સૌહાર્દ જાળવવા વડાપ્રધાન શેખ હસીનાએ જનસામાન્યને અપીલ કરી છે. પરંતુ બાંગ્લાદેશનાં સર્જક 'બંગ બંધુ' શેખ મુજિબ ઉર રહેમાનનાં આ પુત્રીની અપીલ પણ સાંભળવા વિદ્યાર્થીઓ કે જનતા તૈયાર નથી. છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલાં તે સામેનાં રમખાણોએ તો આજે ભારે ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું. જે દબાવવા પોલીસનું પહેલાં ટીયર ગેસ અને પછી ગોળીબારનો પણ આશ્રય લેવો પડયો હતો. પરિણામે ઓછામાં ઓછી ૬ વ્યક્તિઓનાં મૃત્યુ પણ થયાં હતાં.

આ રમખાણો ઢાકા પૂરતાં જ મર્યાદિત ન રહેતાં ચતગાંવ, ખુલના, વગેરે શહેરોમાં પણ પ્રસર્યા છે. આથી ગુસ્સે થયેલાં શેખ હસીનાએ કહ્યું હતું કે મેં સુપ્રીમ કોર્ટના ચુકાદા સુધી રાહ જોવા કહ્યું હતું છતાં આ તોફાનો થઇ રહ્યાં છે તો તેની પાછળ મુક્તિ સંગ્રામનો સામનો કરનાર રઝાકારો અને તેમના વંશજો જ હોઈ શકે. શેખ હસીનાની આ ટીકાથી વિદ્યાર્થીઓ અને જનસામાન્ય વધુ ભભૂક્યા છે. પરંતુ નિરીક્ષકો કહે છે કે શેખ હસીનાના આક્ષેપમાં તથ્ય છે. આ તોફાનો પાછળ પાકિસ્તાનનો પણ હાથ હોવાની શક્યતા પૂરેપૂરી છે. તેમજ મ્યાનમાર મારફત ચીન પણ બળતામાં ઘી હોમી રહ્યું છે. તેમને ભારત-બાંગ્લાદેશનો ઘરોબો સહન થતો નથી. તેથી કોઈપણ બહાને સરકાર અસ્થિર કરવા તોફાનો કરાવે છે.


Google NewsGoogle News