મેકિસકોમાં નેતાઓની જેમ અદાલતના ન્યાયાધિશોએ કેમ ચુંટણી લડવી પડશે ?
આ પ્રકારનો કાયદો પસાર કરનારો મેકિસકો દુનિયાનો પ્રથમ દેશ છે
હાલની વ્યવસ્થા માત્ર શકિતશાળી લોકોની સેવા કરતો હોવાનો આરોપ
વોશિંગ્ટન,૧૭ સપ્ટેમ્બર,૨૦૨૪,મંગળવાર
યુએસએના પાડોશી દેશ મેકસિકોએ એક એવો કાયદો પસાર કર્યો છે જેમાં અદાલતોના ન્યાયાધિશની પસંદગી પણ લોકો મતદાન કરીને કરશે. દુનિયામાં પ્રત્યક્ષ કે પરોક્ષ ચુંટણીથી વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ચાન્સેલર ચુંટાતા હોય છે પરંતુ પ્રથમવાર જજની ચુંટણી લોકો દ્વારા થશે. આ મેકિસકો આ પ્રકારનો કાયદો પસાર કરનારો દુનિયાનો પ્રથમ દેશ બન્યો છે. સત્તારુઢ મોરેના પાર્ટી અને સહયોગીઓને સંસદના ઉપલા ગૃહમાં સમર્થનમાં ૮૬ જયારે વિરોધમાં ૪૧ મતો પડયા હતા.
મેકિસકોના આ નિર્ણયની દેશમાં અને દેશ બહાર પણ ચર્ચા થવા લાગી છે. જયૂડિશરીમાં સિનિયોરિટી અને આવડતના આધારે પદ મળતું હોય છે પરંતુ મેકસિકોમાં જજોએ પણ હવે નેતાઓની જેમ લોકો દ્વારા ચુંટાવું પડશે. હવે સુપ્રિમકોર્ટ, ઉચ્ચ અદાલત અને સ્થાનિક અદાલતોના જજ માટે પણ વોકો મતદાન કરશે. અમેરિકાએ મેકિસકોના આ કાયદાની ટીકા કરીને મુર્ખામીભર્યો ગણાવ્યો હતો. મેક્સિકો સરકારના આ નવા નિર્ણયની કોર્ટના કર્મચારીઓ, કાયદાના વિધાર્થીઓ સહિતના અનેક સંગઠનો વિરોધ પ્રદર્શન કરી રહયા છે.
૨૦૨૫ થી ૨૦૨૭ની વચ્ચે ૧૭૦૦ જેટલા જજોએ ચુંટણી લડવી પડશે. આવનારા પ વર્ષમાં ૭૦૦૦ જજોએ ચુંટણીમાં નેતાની જેમ ઉભા રહેવું પડશે. રાષ્ટ્રપતિ એંડ્રેસ મેનુએલ લોપેઝ ઓબ્રેડોરએ આ પ્રકારના સુધારા બીલ માટે દબાણ ઉભું કર્યુ હતું. વર્તમાન ન્યાય વ્યવસ્થા ખાસ કરીને એલિટ વર્ગના હિતોને સમજે છે. રાષ્ટ્રપતિ ઓબ્રેડોર થોડાક સમયમાં જ પદ પરથી ઉતરી જવાના છે તેમના સ્થાને ૧ ઓકટોબરના રોજ કલાઉડિયા શિનબામ પદ સંભાળશે. ઓબ્રેડોર પોતાના પદ પરથી હટે એ પહેલા આ ખાસ વિધેયકને મંજૂરી આપવા ઇચ્છતા હતા.
વામપંથી નેતાએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને સ્પષ્ટતા કરી હતી કે હાલની વ્યવસ્થા માત્ર શકિતશાળી લોકોની સેવા કરે છે અને તેમના ગુનાઓ પર ઢાંક પિછોડો કરે છે. સુપ્રિમ કોર્ટના ન્યાયાધિશ નોર્મા પિનાએ સ્પષ્ટતા કરી હતી કે ડ્રગનો ધંધો કરવાવાળા શકિતશાળી સમૂહ નિયમિત રીતે અધિકારીઓને પ્રભાવિત કરવા માટે લાંચ અને ધમકીનો ઉપયોગ કરે છે. અમેરિકાએ ચેતવણી આપી ચુકયું છે કે આ પરિવર્તન મેકિસકોના લોકતંત્ર માટે જોખમ ઉભું કરી શકે છે. અપરાધિઓ રાજનીતિથી પ્રેરિત અનુભવહિન જજોનું શોષણ કરી શકે છે.ન્યાયિક આઝાદી કમજોર થવાથી આંતરરાષ્ટ્રીય માનવાધિકાર માપદંડોનું ઉલંઘન થશે.