ટ્રમ્પ-ઝેલેન્સ્કી કેમેરા સામે જ કેમ બાખડી પડ્યાં? 45 મિનિટની પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે મામલો બગડ્યો
Trump-Zelensky Meeting: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી વચ્ચે કેમેરા સામે થયેલી બોલાચાલી થઈ હતી. આ મામલો એ હદ સુધી પહોંચ્યો કે ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું પણ કહેવામાં આવ્યું. ચર્ચા દરમિયાન ટ્રમ્પનું તીક્ષ્ણ વલણ સ્પષ્ટ દેખાતું હતું. તેમણે ખનિજ સોદા માટે યુક્રેન પર દબાણ કર્યું અને કહ્યું કે, 'કાં તો તમે સોદો કરો અથવા અમે (શાંતિ પ્રક્રિયામાંથી) બહાર થઈ જઈશું.'
ટ્રમ્પે સુરક્ષા અંગે વાત કરવાનો ઈનકાર કર્યો
સુરક્ષા ગેરંટી ન હોવા છતાં, યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકી શુક્રવારે (28મી ફેબ્રુઆરી) આ કરાર પર હસ્તાક્ષર કરવા માટે અમેરિકા પહોંચ્યા અને વ્હાઇટ હાઉસમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. ટ્રમ્પ તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ બંને તેમના મંત્રીમંડળ સાથે પ્રેસ કોન્ફરન્સમાં બેઠા હતા. આ દરમિયાન, જ્યારે એક પત્રકારે યુક્રેનની સુરક્ષા વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે ટ્રમ્પે આ મુદ્દા પર વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
ડોનાલ્ડ ટ્રમ્પે જવાબ આપતા જણાવ્યું હતુ કે, 'હું હમણાં સુરક્ષા વિશે વાત કરવા માંગતો નથી. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે સોદો પૂર્ણ થાય. તમે પણ એ જ જાળમાં ફસાયેલા છો જ્યાં બધા ફસાયેલા છે. તમે પણ આ લાખ વાર કહ્યું છે. હું ફક્ત સોદો પૂર્ણ કરવા માંગુ છું. સુરક્ષા ખૂબ જ સરળ છે. આ સમસ્યાનો ફક્ત બે ટકા ભાગ છે. મને સુરક્ષાની ચિંતા નથી.'
યુક્રેનની સુરક્ષાના પ્રશ્ન પર ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, 'યુરોપ તેના લોકોને ત્યાં મોકલશે. હું જાણું છું કે ફ્રાન્સ, બ્રિટન અને અન્ય દેશો છે જે યુક્રેનને સુરક્ષા પૂરી પાડશે. અમે સુરક્ષા માટે પ્રતિબદ્ધ નથી, પરંતુ અમે તેના વિશે વિચારી શકીએ છીએ. અમારી સુરક્ષા અન્ય રીતે પૂરી પાડવામાં આવશે. અમારા શ્રમિકો ત્યાં હશે, તેઓ ખોદકામ કરશે અને ખનિજો બહાર લાવશે, અને અમે અહીં આ દેશમાં કેટલાક મહાન ઉત્પાદનો બનાવીશું.'
ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે છે: ટ્રમ્પ
ઓવલ ઓફિસમાં એક બેઠક દરમિયાન ટ્રમ્પ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમિર ઝેલેન્સકી પર પ્રહાર કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'યુક્રેનના પ્રમુખનો નિર્ણય ત્રીજા વિશ્વયુદ્ધને વેગ આપી શકે છે.' ત્યારબાદ ઝેલેન્સકી અચાનક અમેરિકા સાથે મહત્ત્વપૂર્ણ ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના વ્હાઇટ હાઉસ છોડીને ચાલ્યા ગયા.