જાણો,તાલિબાન શાસને જીવંત વસ્તુઓની તસ્વીરો કે વીડિયોગ્રાફીને કેમ પાપ ગણાવ્યું ?
લોકો પર તસ્વીર ખેંચવા અને વીડિયો ઉતારવા પર પ્રતિબંધની શકયતા
૧૯૯૬ થી ૨૦૦૧ સુધીના શાસન દરમિયાન તાલિબાને પ્રતિબંધ મુકેલો
કાબૂલ,૨3 ફેબુ્આરી,૨૦૨૪, શુક્રવાર
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસકના ન્યાય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી મોહમ્મદ હાશિમ વરોરે કાબુલમાં યોજાયેલા એક સેમિનારમાં ફોટા પાડવાને સૌથી મોટો ગુનો ગણાવ્યો હતો. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર તાલિબાન અધિકારીએ તસ્વીરને મહાપાપ ગણાવી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે આ તસ્વીરો જો મીડિયાના લોકો ખેંચતા હોયતો પણ ખોટું છે. મીડિયાના મિત્રો અને અફઘાન લોકો હંમેશા આ પાપ કરવામાં લિપ્ત રહે છે. તસ્વીરો હંમેશા અનૈતિકતા તરફ આકર્ષિત કરે છે.
૧૯૯૬ થી ૨૦૦૧ વચ્ચે અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન જીવંત તસ્વીરો ખેંચવા પર પ્રતિબંધ મુકયો હતો. ૨૦૨૧માં સત્તામાં પાછા ફર્યા પછી લિબરલ હોવાનો ઢોંગ કરીને તાલિબાન સરકારે આવો કોઇ જ આદેશ લાગુ પાડયો ન હતો પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર ગઢ કંધારમાં અધિકારીઓ પર આ સપ્તાહની શરુઆતમાં કોઇ પણ જીવંત વસ્તુઓની તસ્વીર કે વીડિયો તૈયાર કરવા પર પ્રતિબંધ મુકયો છે.
નાગરિક અને સૈન્ય અધિકારીઓને લખેલા એક પત્રમાં પ્રાંતીય ગૃહ મંત્રાલયના અધિકારીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે કે પોતાની ઔપચારિક અને અનૌપચારિક બેઠકોમાં જીવંત વસ્તુઓની તસ્વીરો ખેંચવાથી બચવું જોઇએ કારણ કે આનાથી ફાયદાની સરખામણીમાં નુકસાન વધારે થાય છે. અધિકારીઓને બેઠકમાં ટેકસ્ટ અને ઓડિયોની મંજુરી આપવામાં આવી છે.