વિશ્વ વેપાર સંગઠનના મંચ પર ભારતની મજાક ઉડાડવી ભારે પડી, થાઈલેન્ડે રાજદૂત બદલી નાખ્યા
ચાલુ કાર્યક્રમથી થાઈલેન્ડના રાજદૂતને વતન પરત આવી જવા કહેવાયું
Image : Linked in |
India Thailand Controversy News | ભારતના ચોખા ખરીદી કાર્યક્રમ અંગે વિશ્વ વેપાર સંગઠન (ડબ્લ્યૂટીઓ) માં થાઈલેન્ડના રાજદૂત તરફથી વિવાદાસ્પદ ટિપ્પણી કરાયા બાદ તેની સામે ભારત સરકારે ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેના બાદ થાઈલેન્ડે WTOમાં થાઈલેન્ડના રાજદૂતને હટાવવાની ફરજ પડી હતી. એક ટોચના અધિકારીએ આ માહિતી આપી હતી.
થાઈલેન્ડના રાજદૂતને વતન પરત ફરવા આદેશ
અધિકારીએ જણાવ્યું કે થાઈ એમ્બેસેડર પિમ્ચાનોક વોનકોર્પોન પિટફિલ્ડને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) 13મી મંત્રી પરિષદ (MC-13)માંથી થાઈલેન્ડ પરત આવી જવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. એવી માહિતી છે કે થાઈલેન્ડના વિદેશ સચિવને હવે તેમની જગ્યાએ જવાબદારી સોંપવામાં આવી હતી.
મંત્રી સ્તરની મંત્રણાનો પાંચમો દિવસ
મંત્રી સ્તરની મંત્રણા પાંચમા દિવસમાં પ્રવેશી ગઈ છે. અધિકારીએ કહ્યું કે ભારતે મંગળવારે સલાહ સૂચન માટેની બેઠક દરમિયાન પીટફિલ્ડની ટિપ્પણીઓ પર ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે નવી દિલ્હી પર આરોપ લગાવ્યો હતો કે પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ માટે ન્યૂનતમ ટેકાના ભાવ (એમએસપી) પર ચોખા ખરીદવાનો કાર્યક્રમ લોકો માટે નથી, પરંતુ નિકાસ બજારને કબજે કરવા માટે છે.
ભારતે સજ્જડ વિરોધ કર્યો હતો
જેની સામે ભારતે ઔપચારિક રીતે થાઈલેન્ડ સરકાર સમક્ષ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને WTOના વડા, કૃષિ સમિતિના વડા કેન્યા અને UAE સમક્ષ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. હવે તેના વિરોધને પગલે થાઈ રાજદૂતની બદલી કરવામાં આવી છે.