બોરિસ જોનસનની માફી છતાં ઋષિ સુનકે કેમ રાજીનામું આપ્યું.....
- આ વર્ષે ફેૂબ્રુઆરીમાં પિંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવો એક ખોટો નિર્ણય હતો: બોરિસ જોનસન
નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2022, બુધવાર
બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વમાં હવે તેમને વિશ્વાસ નથી રહ્યો.
ઋષિ સુનકે કહ્યું કે, લોકોને સરકાર પર અપેક્ષા છે કે, તેઓ ગંભીરતાથી અને યોગ્ય રીતે કામ કરે. બાજી તરફ સાજિદ જાવેદે પોતાના રાજીનામાં લખ્યું કે, સરકાર રાષ્ટ્રહિતમાં કામ નથી કરી રહી. બંનેનું રાજીનામું વડાપ્રધાન બોરિસ જોનસનના માફી માગ્યાના થોડા જ સમયમાં આવ્યું હતું.
વડાપ્રધાન બોરિસ જોનસને સાંસદ ક્રિસ પિંચરને સરકારી જવાબદારી સોંપવા મામલે માફી માગી હતી. બ્રિટનના શિક્ષણ મંત્રી નાદિમ જહાવીને નાણા મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે અને ડાઉનિંગ સ્ટ્રીટના ચીફ ઓફ સ્ટાફ સ્ટીવ બાર્સલી સાજિદ જાવેદની જગ્યા લેશે.
વડાપ્રધાન બોરિસ જોનસને સ્વીકાર કર્યો છે કે, પિંચરને આ વર્ષની શરૂઆતમા ડેપ્યુટી વ્હીપ ચાફ બનાવીને મોટી ભૂલ કરી છે. બોરિસ જોનસનને પિંચર પર લાગેલા આરોપો વિશે ખબર હતી તેમ છતાં તેમણે તેમની પસંદગી કરી હતી.
જોનસને કહ્યું કે, તેમના નિર્ણયથી જે લોકો પ્રભાવિત થયા છે તેમની હું માફી માગુ છું. બોરિસ જોનસનના આ નિર્ણયની વિપક્ષ સાથે તેમના ખુદના સાંસદ પણ ટીકા કરી રહ્યા છે.
વિપક્ષ નવી ચૂંટણી માટે તૈયાર
બોરિસ જોનસન સરકારના આ રાજીનામાને લઈને લેબર પાર્ટીના વિપક્ષ નેતા કીર સ્ટર્મરે કહ્યું કે, તેઓ ચૂંટણીનું સ્વાગત કરશે કારણ કે, દેશમાં સરકાર બદલવાની જરૂર છે. આગામી ચૂંટણી 2024માં છે પરંતુ બોરિસ જોનસન ઈચ્છે તો તે પહેલા પણ થઈ શકે છે.
લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવેયે કહ્યું કે, આ સરકાર ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહી છે. તેમણે બોરિસ જોનસનને પદનો ત્યાગ કરવા માટે કહ્યું છે. સ્કોટિશ ફર્સ્ટ મિનિસ્ટર અને SNP નેતા નિકોલા સ્ટર્જને કહ્યું છે કે, બોરિસ જોનસનેને હવે જવું દેવું જોઈએ.
ઋષિ સુનક અને સાજિદ જાવિદે રાજીનામું કેમ આપ્યું ?
ક્રિસ પિંચરને જાતીય ગેરવર્તણૂક મામલે છેલ્લા અઠવાડિયે કંઝર્વેટિવ પાર્ટીના સાંસદ પદ પરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જોકે, પિંચરે જાતીય ગેરવર્તણૂકના આરોપોને નકારી દીધા હતા. પિંચરની નિમણૂક બોરિસ જોન્સને કરી હતી અને તેમને આ આરોપો વિશે ખબર હતી. આ નિમણૂકને લઈને વિપક્ષ પ્રહારો કરી રહ્યા હતા અને સાથે જ બોરિસ જોનસનના સાંસદ પણ ટીકા કરી રહ્યા હતા.
ઋષિ સુનકે પોતાના રાજીનામામાં કહ્યું કે, કદાચ આ તેમના માટે અંતિમ મંત્રી પદ હોય શકે. સુનકે જણાવ્યું કે, જે કંઈ પણ થયું તેના માટે આ જરૂરી હતું અને એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. બીજી તરફ સાજિદ જાવિદે કહ્યું કે, વડાપ્રધાન તરીકે બોરિસ જોનસન વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. ઋષિ સુનકના પરિવારના મૂળ ભારતમાં છે અને સાજિદ જાવિદનો પરિવાર પાકિસ્તાન સાથે સંબંધિત છે.
બોરિસ જોનસને જણાવ્યું કે, 2019માં તેઓ પિંચર પર લાગેલા આરોપો વિશે જાણતા હતા અને કેટલાક ખાસ આરોપોનું સમાધાન થઈ ચૂક્યું હતું. પરંતુ આ વર્ષે ફેૂબ્રુઆરીમાં પિંચરને ડેપ્યુટી ચીફ વ્હીપ બનાવવો એક ખોટો નિર્ણય હતો. બોરિસ જોનસને કહ્યું કે, મારા કારણે જે વાતો કહેવામાં આવી રહી છે તેનાથી હું થાકી ચૂક્યો છું. હવે હું તેનાથી સ્પષ્ટ અને સીધો સામનો કરવા ઈચ્છું છું.
શું આ બોરિસ જોનસનના અંતની શરૂઆત છે ? મંત્રીઓના રાજીનામા બાદ સરકારના ટીકાકારોએ વડાપ્રધાન જોનસન પર રાજીનામાનું દબાણ વધારી દીધું છે. નાણા મંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવિદે એવું કરી પણ દીધું છે. જો વડાપ્રધાનને તેમના પદ પરથી હટાવવા હોય તો બંને પોતાના રાજીનામું જરૂરી માને છે. બંને ભવિષ્યમાં નેતૃત્વ માટે કદાચ પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યા છે.
પરંતુ વડાપ્રધાન કાર્યાલયને હજુ પણ આશા છે કે, પમામલો થાળે પડશે. હજુ પણ બોરિસ જોનસન સાથે વિદેશ, ગૃહ, રક્ષા અને વેપાર મંત્રી છે. એ યાદ રાખવું કે, ગોર્ડન બ્રાઉન પણ મંત્રીના રાજીનામા બાદ બચી ગયા હતા કારણ કે, બીજા કેબિનેટની વફાદારી તેમની સાથે હતી.
જોનસનની સરકાર તાજેતરના મહિનામાં અનેક વિવાદોમાં ઘેરાયેલી રહી છે. અને તેનું પરિણામ એ આવ્યુ કે, અનેક સાંસદોએ બોરિસ જોનસન પર રાજીનામાની માગ કરી હતી.
વધુુ વાંચો: બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે રાજીનામું આપ્યું