બાંગ્લાદેશમાં લોકોનો ગુસ્સો કેમ ભભૂક્યો? વિદ્યાર્થી સંગઠનના પ્રમુખે 16 વર્ષની તાનાશાહીનું સત્ય જણાવ્યું

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં લોકોનો ગુસ્સો કેમ ભભૂક્યો? વિદ્યાર્થી સંગઠનના પ્રમુખે 16 વર્ષની તાનાશાહીનું સત્ય જણાવ્યું 1 - image


Image Source: Twitter

Bangladesh Crisis: અનામત હટાવવાની માંગ સાથે શરુ હિંસક આંદોલનના કારણે બાંગ્લાદેશમાં હવે અત્યંત ગંભીર પરિણામ જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઠેર-ઠેર આગચંપી અને હિંસા વચ્ચે અત્યંત ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પાડોશી દેશમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ અકરમ હુસૈને અવામી લીગના છેલ્લા 16 વર્ષોના શાસનને 'તાનાશાહી અને ફાસીવાદી' ગણાવ્યું છે. 

હુસૈને અવામી લીગના શાસનને 'અપહરણ, હત્યાઓ અને અરાજકતા'થી ભરેલો કાળ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રવ્યાપી અશાંતિ લોકોમાં લાંબા સમયથી ચાલતી નિરાશાને દર્શાવે છે. 

સામાન્ય જનતાના લાંબા સમયથી દબાયેલા ગુસ્સાનું પરિણામ

હુસૈને એ પણ જણાવ્યું કે, આ શાસનના પતને સામાન્ય જનતાના લાંબા સમયથી દબાયેલા ગુસ્સા અને ભાવનાત્મક ફરિયાદોને બહાર કાઢી છે. તેમણે પરિસ્થિતિનો સામનો કરવા માટે પોલીસની પદ્ધતિની પણ નિંદા કરી છે. તેમણે દાવો કર્યો કે, સોમવારે બપોરે શેખ હસીનાનું રાજીનામું અને ભારત માટે રવાના થયા બાદ હિંસામાં વધારો થયો છે. એક ઇન્ટરવ્યુમાં હુસૈને જણાવ્યું કે, માત્ર એટલું જ નહીં તાનાશાહ શેખ હસીના ભારત રવાના થઈ ગયા બાદ પોલીસ અને તેમના સમર્થકોએ વિદ્યાર્થીઓની ભીડ પર હુમલો કર્યો હતો. 

સમગ્ર પોલીસ દળના નૈતિક આધારને તોડી નાખ્યો

હુસૈને જણાવ્યું કે, પોલીસ અશાંતિને શાંતિપૂર્ણ રીતે સંચાલિત કરવા માટે પોતાની ફરજ નિભાવવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે તાનાશાહી સરકારે સમગ્ર પોલીસ દળનો નૈતિક આધાર તોડી નાખ્યો છે. પરિણામ સ્વરૂપે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ નિર્દોષ વિદ્યાર્થીઓના ટોળા પર ગોળીબાર કર્યો છે.

હુસૈને કહ્યું કે, બાંગ્લાદેશમાં કોઈપણ સરમુખત્યારશાહીના પતન બાદ સામાન્ય રીતે જાહેર આનંદ અને હિંસા થાય છે. જો કે, તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, તેઓ ઝડપથી વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવામાં સફળ થયા છે. તેમણે કહ્યું કે તમામ સંભવિત સ્થળોએ 24 કલાક સુરક્ષા વ્યવસ્થા પહેલાથી જ ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ ઉપદ્રવીઓ અરાજક્તા ન ફેલાવી શકે. 

વચગાળાની સરકાર પાસેથી શું અપેક્ષા?

અકરમ હુસૈને શેખ હસીનાના શાસન દરમિયાન વિકસેલા પક્ષના વ્યાપક પક્ષપાતને સુધારવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. તેમણે કહ્યું કે, હસીનાના ફાસીવાદી શાસન દરમિયાન તમામ ક્ષેત્રોમાં જે પાર્ટીકરણ થયું હતું તેને બદલી લેવું જોઈએ. 

ભવિષ્યને જોતા હુસૈને ખાતરી આપી કે, વચગાળાની સરકાર પોલીસ દળના પુનઃનિર્માણ અને તેની પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાને પ્રાથમિકતા આપશે. તેમણે કસમ ખાધી કે, બાંગ્લાદેશમાં 'ફાસીવાદી રાજ્ય માળખું' ની રચનાને રોકવા માટે ઉપાય કરવામાં આવશે. હુસૈનના જણાવ્યા પ્રમાણે વચગાળાનું વહીવટીતંત્ર એક એવી ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે જે તમામ પક્ષોનો વિશ્વાસ હાંસલ કરે અને એક સમાવેશી સમાજને પ્રોત્સાહન આપે. 


Google NewsGoogle News