પાકિસ્તાને મોદીને અભિનંદન કેમ ન આપ્યાં?, મીડિયાના પ્રશ્ન બાદ પાક. વિદેશમંત્રાલયે કહ્યું, ‘હજુ તો ભારતમાં ...’
- 50થી વધુ દેશોએ મોદીને થર્ડ ટર્મ માટે અભિનંદન આપ્યાં છે : ચીને પણ મોડેથી અભિનંદનો પાઠવ્યાં હતા
ઇસ્લામાબાદ : દુનિયાના ૫૦થી વધુ દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓની થર્ડ ટર્મ માટે અભિનંદનો આપ્યાં છે પરંતુ હજી સુધી પાકિસ્તાને દેખાવ પૂરતાં પણ અભિનંદન પાઠવ્યાં નથી તેથી વિશ્લેષકોનાં મનમાં મથામણ ચાલી રહી છે, કે હવે પછી ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધો કેવા રહેશે ?
તે સર્વવિદિત છે કે રવિવાર ૯મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેઓની કેબિનેટની શપથ વિધિ યોજવાની છે. ૫૪૩ની સભ્ય સંખ્યા ધરાવતાં નીચેનાં ગૃહમાં બહુમતી માટે ૨૭૨ સીટો અનિવાર્ય છે. જ્યારે નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપનાં નેતૃત્વ નીચેનાં ગઠબંધને ૨૯૩ બેઠકો મેળવતાં નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે. તેમ છતાં પાકિસ્તાને હજી સુધી તેમને અભિનંદનો પાઠવ્યાં નથી તે આશ્ચર્યજનક છે. સાથે બંને દેશો વચ્ચે વધતી તિરાડ હજી પણ વધુ વધવાની પૂરી શક્યતા નિરીક્ષકો દર્શાવે છે.
આ અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ બલોચને આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછાતાં તેઓએ કહ્યું : ''પાકિસ્તાન શાંતિમય સહ અસ્તિત્વમાં જ માને છે, અમો આ વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જ ઇચ્છીએ છીએ.
ટૂંકમાં તેઓએ મુખ્ય પ્રશ્નનો ઉત્તર જ ટાળી નાખ્યો હતો. તેઓએ કહ્યું હતું કે ભારતમાં હજી નવી સરકાર રચાઈ પણ નથી તેથી આ તબક્કે અભિનંદનો પાઠવવાં ઘણું વહેલું ગણાશે. આમ કહી મુમતાઝ બલોચે તે પ્રશ્નનો ઉત્તર ટાળી નાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ચીને પણ અભિનંદનો પાઠવ્યાં હતાં. તો બીજી તરફ માલદીવના પ્રમખ મોહમ્મદ મોઈજ્જુ પણ તે શપથ વિધિ સમારોહમાં આવવાના છે. તેવે સમયે પાકિસ્તાનનું આ વલણ આશ્ચર્ય જન્માવે છે.
નિરીક્ષકો કહે છે કે કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા પછી પાકિસ્તાને તેના દૂતાવાસનું સ્તર ઘટાડી દીધું છે આમ વડાપ્રધાને તેમનાં ચૂંટણી પ્રવચનોમાં પાકિસ્તાને વારંવાર નિશાન બનાવ્યું હતું. ઉપરાંત શપથ વિધિ સમારોહમાં ઉપસ્થિત રહેલા તેને આમંત્રણ ન હોવાથી તે રીસાયું છે.