અમેરિકા ડિપોર્ટેશન પાછળ કરી રહ્યું છે જંગી ખર્ચ, જાણો એક ઘૂસણખોરને પાછો મોકલવા કેટલો ખર્ચ થાય છે
Deport Illegal Immigrants : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોની પહેલી ખેપનો દેશનિકાલ કરી દેવાયો છે. 5 ફેબ્રુઆરી, બુધવારના રોજ અમેરિકાનું લશ્કરી વિમાન તેમને પંજાબના અમૃતસર એરપોર્ટ પર છોડી ગયું હતું. ભારત પરત મોકલાયેલા 205 ભારતીય નાગરિકોમાં પંજાબ અને હરિયાણા ઉપરાંત ગુજરાતના પણ ઘણા લોકો હતા. આ કામ માટે અમેરિકાએ પેસેન્જર વિમાન વાપરવાને બદલે C-17 એરક્રાફ્ટ વાપર્યું એની દુનિયાભરના લોકોને નવાઈ લાગી છે, કેમ કે પેસેન્જર વિમાનની સરખામણીમાં C-17 જેવા લશ્કરી વિમાનનો ઉડ્ડયન ખર્ચ ખાસ્સો વધારે આવતો હોય છે. સૌના મનમાં એક જ સવાલ છે કે કયા કારણસર ટ્રમ્પે ઘૂસણખોરોના દેશનિકાલ માટે મસમોટો ખર્ચ કરવાનું પસંદ કર્યું?
લશ્કરી વિમાનની ફ્લાઈટમાં પ્રતિ વ્યક્તિ જંગી ખર્ચ
ઘૂસણખોરોને લઈને ભારત આવેલ ફ્લાઈટના તો નહીં પણ અમેરિકાથી ગ્વાટેમાલા ગયેલ ફ્લાઈટના ખર્ચ સંબંધિત આંકડા સામે આવ્યા છે. એ મુજબ, અમેરિકાથી દેશનિકાલ પામેલ પ્રત્યેક વ્યક્તિને C-17 એરક્રાફ્ટમાં ગ્વાટેમાલા પહોંચાડવાનો ખર્ચ ઓછામાં ઓછો 4,675 અમેરિકન ડોલર (રૂ. ચાર લાખથી વધુ) થવા જાય છે. એ જ રૂટ પર અમેરિકન એરલાઈન્સના પેસેન્જર વિમાન દ્વારા તેમને મોકલવામાં આવે, તો પ્રતિ વ્યક્તિ ખર્ચ ફક્ત 853 ડોલર (આશરે રૂ. 74 હજાર) થાય એમ છે. એનો અર્થ એ કે, અમેરિકા સામાન્ય કરતાં પાંચ ગણા કરતાં વધુ ખર્ચે આ કવાયત પાર પાડી રહ્યું છે.
દેશનિકાલ માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ કેમ?
દેશનિકાલ માટે લશ્કરી વિમાનોનો ઉપયોગ અમેરિકા માટે ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યો હોવા છતાં અમેરિકા તે કરી રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય કે શા માટે? સસ્તા વિકલ્પને બદલે તોતિંગ ખર્ચ કરવાની જરૂર શી? હકીકતમાં ટ્રમ્પ આ ખર્ચાને પ્રતીકવાદ સાથે જોડી રહ્યા છે. ટ્રમ્પ વારંવાર ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને ‘એલિયન્સ’ અને ‘ગુનેગારો’ ગણાવતા રહે છે. એવા એલિયન્સ/ગુનેગારો જેમણે અમેરિકા પર ‘આક્રમણ’ કર્યું છે. તેથી એવા બિનજરૂરી આક્રમણકારોને હાથમાં હથકડી અને પગમાં બેડી બાંધીને લશ્કરી વિમાનોમાં ભરીને દેશનિકાલ કરવામાં ટ્રમ્પ દુનિયાને એવો પ્રતીકાત્મક સંદેશ આપવા માંગે છે કે, ‘જો તમે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરશો, તો તમારે આવા ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.’
દેશનિકાલને સહારે ઈમેજ બિલ્ડિંગ?
ખરેખર ટ્રમ્પના આ દાવને કારણે તેઓ ઘૂસણખોરો પ્રત્યે સખત વલણ ધરાવતા હોવાનું પ્રતીત થાય છે. આ એક પ્રકારનું ઈમેજ બિલ્ડિંગ જ થયું, જેની ઈતિહાસમાં ગંભીરપણે નોંધ લેવાશે, કેમ કે ટ્રમ્પ અગાઉ અન્ય કોઈ અમેરિકન પ્રમુખે આવું જલદ પગલું ભર્યું નથી.
‘ગેરકાયદે એલિયન્સ’ના દેશનિકાલ બાબતે ટ્રમ્પનું નિવેદન
આ મુદ્દે વાત કરતાં ટ્રમ્પે એવું નિવેદન આપ્યું હતું કે, ‘ઈતિહાસમાં પહેલીવાર અમેરિકામાં છુપાઈ બેઠેલા ગેરકાયદેસર એલિયન્સને શોધીને તેમને લશ્કરી વિમાનમાં ભરીને તેઓ જ્યાંથી આવ્યા હતા ત્યાં તેમને પરત મોકલાઈ રહ્યા છે. વર્ષો સુધી દુનિયા અમેરિકનો પર હસતી હતી, એમ કહીને કે (અમે આખી દુનિયાના ઘૂસણખોરોને સંગ્રહીને) મૂર્ખ સાબિત થઈ રહ્યા છીએ, પણ હવે (એવા લોકોને દેશનિકાલ કરીને) અમે ફરીથી સન્માન પામી રહ્યા છીએ.’
એલિયન્સને તાત્કાલિક ‘ગેટ આઉટ’ કરીશું
ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અટકાયતમાં રાખીને તેમને અપીલ માટે સમય આપવાને બદલે ટ્રમ્પ તેમનો ઝડપથી નિકાલ કરવાના પક્ષમાં છે. ટ્રમ્પે કહ્યું છે કે, ‘હું નથી ઈચ્છતો કે તેઓ આગામી 20 વર્ષ સુધી કેમ્પમાં બેસીને સરકારને અપીલ કર્યા કરે. હું તેમને તાત્કાલિક ધોરણે બહાર કરવા માંગુ છું. તેમના દેશોએ તેમને પાછા લેવા જ પડશે.’
આ પણ વાંચો : અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો પાસે જવાબ મંગાશે, એજન્ટો પર તવાઈઃ જયશંકર
ઘૂસણખોરોની અપમાનના પણ ઘેરા પ્રત્યાઘાત
ભારત મોકલાયેલા ગેરકાયદેસર ઘૂસણખોરોને પરત મોકલાયા ત્યારે તેમના હાથ-પગ બેડીઓ અને હથકડીઓમાં જકડાયેલા જોઈને સૌ આઘાત પામી ગયા છે. આ મુદ્દો સંસદમાં પણ ગાજી ચૂક્યો છે અને વિદેશ મંત્રી જયશંકરે તેનો જવાબ પણ આપી ચૂક્યા છે. તમામ દેશના ઘૂસણખોરોને આ જ વતન પરત મોકલાઈ રહ્યા છે. આમ છતાં, અમેરિકાના આવા અપમાનજનક વર્તનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
કોલમ્બિયા જેવા નાનકડા દેશે પણ વિરોધ કર્યો
દક્ષિણ અમેરિકાના દેશ કોલમ્બિયાએ અમેરિકામાંથી દેશનિકાલ કરાયેલા તેમના દેશવાસીઓને પરત લેવાની તૈયારી તો બતાવી છે, પણ એ માટે તેમણે અમેરિકાના લશ્કરી વિમાનોને કોલમ્પિયાની ધરતી પર ઉતરવાની મનાઈ ફરમાવી દીધી છે. કોલમ્બિયાના પ્રમુખ ગુસ્તાવો પેટ્રોએ કહ્યું હતું કે, તેઓ ફક્ત પેસેન્જર વિમાનોને જ કોલંબિયામાં ઉતરવા દેશે. આમ કરીને કોલંબિયાએ પોતાનું ખમીર દેખાડ્યું છે. દુનિયાનો બીજો કોઈ દેશ અમેરિકા સામે આવો વિરોધ નોંધાવી શકશે?