છેલ્લા ૨ દિવસમાં પાકિસ્તાનના ૫૦૦૦ સૈનિકોએ કેમ રાજીનામા આપી દીધા ?
રાજીનામાની વણઝાર પાકિસ્તાનના સૈન્ય પ્રતિષ્ઠાન માટે ચિંતાનું કારણ
પશ્ચિમી સરહદની ૧૨ મી કોરના ૨૦૦ અધિકારીઓ અને ૬૦૦ સૈનિકોએ પદ છોડયું
નવી દિલ્હી, ૨૮ એપ્રિલ,૨૦૨૫,સોમવાર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ વધી ગયો છે તેવા સમયે પાકિસ્તાન સેનામાં ૫૦૦૦ જેટલા સૈનિકો અને અધિકારીઓએ રાજીનામા આપી દિધા છે. માત્ર બે જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં ફૌજ છોડતા પાકિસ્તાનમાં હાહાકાર જોવા મળે છે. અચાનક રાજીનામાને પહેલગામ આતંકી હુમલા પછી ભારત દ્વારા થનારી જવાબી કાર્યવાહીની શંકા છે. ભારત સાથે યુદ્ધની સંભાવના જોતા સૈનિકોના મનોબળ પર ઉંડી અસર થઇ છે. ખરા સમયે રાજીનામાની વણઝાર પાકિસ્તાનના સૈન્ય પ્રતિષ્ઠાન માટે ચિંતાનું કારણ છે.
રિપોર્ટ અનુસાર કેટલાક સૈનિકો પોતાના ઘરે પાછા ફર્યા છે. પાકિસ્તાની સેનાના એક ટોચના અધિકારી આ મુશ્કેલીને લઇને ચિંતિત બન્યા છે. ૧૧ મી કોરના કમાંડર,લેફટનન્ટ જનરલ ઉમર બુખારીએ સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને પત્ર લખીને ચેતવણી આપી છે કે જો આવી રીતે રાજીનામનો દોર ચાલું રહેશે તો સૈન્યના મનોબળ પર અસર થશે તેની અસર સેનાની તૈયારીઓ પર પણ પડી શકે છે.
આંકડા અનુસાર પશ્ચિમી સરહદની ૧૨ મી કોરના લગભગ ૨૦૦ અધિકારીઓ અને ૬૦૦ સૈનિકો રાજીનામા આપી ચુકયા છે. આ ઉપરાંત ફોર્સ કમાંડ એરિયામાં ૧૦૦થી વધુ અધિકારીઓ અને ૫૦૦ સૈનિકોએ પદ છોડી દીધું છે. એલઓસી પર તૈનાત મંગળ કોરમાં પમ અંદાજે ૭૫ અધિકારીઓ અને ૫૦૦ સૈનિકોએ પણ સેના છોડી દીધી છે. પહલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિ નિલંબિત કરી દેતા ભારત તરફથી કઠોર કાર્યવાહીનો ડર પ્રજા જ નહી સૈન્યમાં પણ જોવા મળે છે.