ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભગવાન બુધ્ધની મુદ્વાવાળી મુર્તિઓ કેમ વેચાય છે ?
મુર્તિઓ ૧૪૦ ડોલરથી માંડીને ૨૭૦૦ ડોલર સુધી વેચાઇ રહી છે.
મજાકિયા અંદાજમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા મુર્તિ બનાવી
બેઇજિંગ,14 જાન્યુઆરી,2025,સોમવાર
ટુંક સમયમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળવાના છે ત્યારે દુનિયા આખીમાં તેમના ફર્સ્ટ નિર્ણય અંગે ઉત્સૂકતા પેદા થઇ છે. નવાઇની વાત તો એ છે કે અમેરિકાના સ્પર્ધક દેશ ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પની ભગવાન બુધ્ધની મુદ્વાવાળી મુર્તિઓ વેચાવા લાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પરંપરાગત રાજનેતાઓથી ઘણા જુદા પડે છે. તેમનું અનોખું,આકર્ષક વ્યકિતત્વ ઓનલાઇન દુનિયામાં જાણીતું છે.
ચીનમાં પણ ટ્રમ્પની બુદ્ધ સ્વરુપની મુર્તિ કમાણીનું સાધન બની છે જેને ગ્રામીણ શિલ્પકાર હાંગ જિનશીએ બનાવી છે. મુર્તિમાં ટ્રમ્પ આંખો બંઘ કરીને શાંત મુદ્વામાં બેઠા છે. અલગ અલગ સાઇઝની મુર્તિઓ ૧૪૦ ડોલરથી માંડીને ૨૭૦૦ ડોલર સુધી વેચાઇ રહી છે. ૪૭ વર્ષિય શિલ્પકાર હાંગે ટ્રમ્પ માટે માન હોવાથી નહી પરંતુ મજાકિયા અંદાજમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા મુર્તિ બનાવી છે. મુર્તિ ટ્રમ્પના વ્યકિતત્વ કરતા બિલકૂલ વિપરીત હોવાથી મુર્તિ જોઇને લોકોના ચહેરા પર સ્મિત આવી જાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ચુંટણી પ્રચાર દરમિયાન ચીન ઉપર કડક આર્થિક પ્રતિબંધ અને ચીની આયાત વસ્તુઓ પર ટેરિફ વધારવાની વાત કરી હતી. ટ્રમ્પ સત્તા સંભાળ્યા પછી અમેરિકા અને ચીનના સંબધો વધારે બગડી શકે છે. ટ્રમ્પની ચીન પ્રત્યેની આ નીતિ અને વલણ અંગે શિલ્પકારે કશું જ કહેવાનો ઇન્કાર કર્યો હતો. ચીન સરકારે ટ્રમ્પની ભગવાન બુધ્ધ જેવી મુદ્રાવાળી મુર્તિ અંગે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. અગાઉ વર્ષ ૨૦૨૧માં ઇ કોમર્સ પ્લેટફોર્મ તાઓબાઓ પર ટ્રમ્પની આ પ્રકારની પ્રતિમા ખૂબ વાયરલ થઇ હતી.